27 February, 2023 11:28 AM IST | Mumbai | Jayesh Chitalia
પ્રતીકાત્મક તસવીર
રોકાણકારોના સેન્ટિમેન્ટ અને કૉન્ફિડન્સમાં નિરાશા વધી રહી છે. ગ્લોબલ તનાવ ફૉરેન ઇન્વેસ્ટર્સને ખરીદી કરતાં વેચાણ તરફ વધુ લઈ જાય છે. હાલ તો મંદીવાળા મોજમાં છે અને રહે એવું જણાય છે
ગયા સપ્તાહનો પ્રારંભ નેગેટિવ થયો હતો. કંઈક અંશે ગ્લોબલ પરિબળો તો ક્યાંક પ્રૉફિટ બુકિંગને લીધે સેન્સેક્સ ૩૦૦ પૉઇન્ટ જેટલો ઘટ્યો હતો. મંગળવારે પણ વધ-ઘટ બાદ બજાર ફ્લૅટ બંધ રહ્યું હતું. રશિયાના પ્રેસિડન્ટ પુતિને યુક્રેન યુદ્ધ વિશે કડક અને નકારાત્મક નિવેદનો કરતાં ગ્લોબલ માહોલ ચિંતાજનક બન્યો હોવાનું ચર્ચામાં હતું. જો રશિયાની આક્રમકતા વધે તો ફરી વાર આર્થિક માહોલ પણ વધુ કથળી શકે. બજારની નજર બુધવારે યુએસ ફેડરલની મીટિંગ પર હતી. જોકે બુધવારે માર્કેટનો આરંભ જ ઘટાડાતરફી શરૂ થયો અને રશિયાના વલણને કારણે તેમ જ યુએસ ફેડની ધારણાના ભયમાં સેન્સેક્સ ૯૨૮થી વધુ પૉઇન્ટના અને નિફ્ટી ૨૭૨ પૉઇન્ટના કડાકા સાથે બંધ રહ્યા હતા. આશરે અઢીસોથી વધુ સ્ટૉક્સ બાવન સપ્તાહની નિમ્નતમ સપાટીએ પહોંચી ગયા હતા. જોકે ૬૮ સ્ટૉક્સ બાવન સપ્તાહની ઉચ્ચત્તમ સપાટીએ પહોંચ્યા હોવાનું નોંધવું પણ મહત્ત્વનું ગણાય. આવા હેવી સિંગલ ડેના કડાકાના દિવસે પણ જે સ્ટૉક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચે એ સ્ટૉક્સ તરફ ચોક્કસ નજર અને એનો અભ્યાસ પણ કરવો જોઈએ. આમ એ સ્ટૉક્સ માત્ર પોતાનાં મજબૂત ફન્ડામેન્ટલ્સના આધારે જ ઉપર ગયા હોય શકે. જોકે માર્કેટ કૅપમાં પોણાચાર લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું.
ગુરુવારે માહોલ બદલવાનાં એંધાણ દેખાયાં, થોડી રિકવરીની આશા પણ નજરે પડી, પરંતુ હકીકતમાં સેન્ટિમેન્ટ નેગેટિવ રહેતાં સેન્સેક્સ ૧૪૦ પૉઇન્ટ અને નિફ્ટી ૪૩ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા. આરબીઆઇ તરફથી પણ ફુગાવાની વ્યક્ત કરાયેલી ચિંતા નકારાત્મક સંકેત આપતી હતી, જ્યારે કે મૉનિટરી પૉલિસી કમિટીના એક્સટર્નલ સભ્ય જયંત વર્માએ હવે આરબીઆઇએ ઇન્ફ્લેશનને બદલે ગ્રોથ પર વધુ ધ્યાન આપવું જોઈએ એવો મત વ્યક્ત કર્યો હતો અન્યથા વિકાસને સહન કરવાનું આવશે. વ્યાજવધારાની ગાડીને હાલ બ્રેક મારવાની જરૂર તેમણે વ્યક્ત કરી છે.
સપ્તાહમાં ૭ લાખ કરોડ સાફ
શુક્રવારે માર્કેટના ઘટાડાનો છઠ્ઠો દિવસ હતો. અલ નીનોની આગાહી, ભારે ગરમીનું વાતાવરણ અને ચોમાસા પર થનારી સંભવિત અસરની ચિંતા ફેલાવાની શરૂ થઈ છે, જેની કૃષિ ક્ષેત્ર પર અને ઓવરઑલ ઇકૉનૉમી પર નેગેટિવ અસર થઈ શકે છે. શરૂમાં માર્કેટ થોડું પૉઝિટિવ રહ્યા બાદ પ્રૉફિટ બુકિંગને કારણે પુનઃ કરેક્શન આવી જતાં સેન્સેક્સ ૧૪૧ પૉઇન્ટ અને નિફ્ટી ૪૫ પૉઇન્ટ ઘટીને બંધ રહ્યા હતા. એફઆઇઆઇની વેચવાલીને લીધે વિશ્વાસનો અભાવ હતો. અદાણીના સ્ટૉક્સના ઘટાડાનો દોર અને અનિશ્ચિતતા ચાલુ રહેવાથી પણ માર્કેટમાં એક પ્રકારની નકારાત્મક સેન્ટિમેન્ટ ઇમ્પેક્ટ છે. એક સપ્તાહમાં જ માર્કેટ કૅપ ૬.૮૦ લાખ કરોડ રૂપિયા જેટલું ઘટી ગયું છે. રોકાણકારોના સતત મૂડીધોવાણથી વિશ્વાસનું ધોવાણ પણ ચાલુ છે. આગામી દિવસો માટે માર્કેટ પાસેથી વૉલેટિલિટી અને કરેક્શન સિવાય ખાસ કોઈ અપેક્ષા નથી. વ્યાજદરનો વધારો માથા પર ઊભો જ હોવાથી તેજીને કોઈ ટ્રિગર મળે એવાં એંધાણ દેખાતાં નથી.
રોકાણકારોના અનેકવિધ સવાલો
વર્તમાન સંજોગોમાં શૅરબજારમાં શું ખરીદવું? ક્યારે ખરીદવું? ક્યાં સુધી રાખવું? ક્યારે વેચી દેવું? ફલાણો શૅર લેવાય? કેટલા સમય માટે રખાય? શૅરબજારની બૉટમ શું માનીને ચાલવું? બજાર ઊંચામાં ક્યાં સુધી જઈ શકે? મ્યુચ્યુઅલ ફન્ડ કયાં સારાં? મ્યુચ્યુઅલ ફન્ડની કઈ યોજના સારી? શેમાં રોકાણ કરાય? એસઆઇપી કયા સારા? હાલ કયા સેક્ટરમાં રોકાણ કરવામાં લાભ ગણાય? જેવા સવાલો સતત ચર્ચામાં છે. આવા સવાલો વરસોથી થતા રહે છે. ભરપૂર તેજીમાં પણ સવાલો થાય, આકરી મંદીમાં પણ આ સવાલો થતા રહે છે. અનેક વાર બજારમાં નાનાં-મોટાં કૌભાંડો થતાં રહે છે, નાની-મોટી ગેરરીતિ થતી રહે છે. જૂના રોકાણકારો ચોક્કસ અનુભવ બાદ બજાર છોડી દે છે, ચોક્કસ સમયે નવા રોકાણકારો આવતા જાય છે અને ઘણી વાર ફરી તેજી વેગ પકડે ત્યારે જૂના રોકાણકારો પણ પાછા ફરતા હોય છે. આ ચક્ર ચાલતું જ રહે છે. છેલ્લાં બે-ત્રણ વરસમાં તો નવા રોકાણકારોના આગમનમાં જબ્બર ઉછાળો આવ્યો છે. નવા રોકાણકારો નવી જનરેશનના પણ છે, જેમનો માર્કેટને જોવા-સમજવાનો રવૈયો પણ જુદો હોય છે, જેથી થોડા નવા પરિપ્રેક્ષ્યમાં આ સવાલો અને એની પાછળનાં સાઇકોલૉજિકલ કારણો સમજવા જોઈએ.
બજારમાં રસ કયારે લેવો જોઈએ?
શૅરબજારમાં સફળતા વિશે વાતો કે સલાહ આપતાં ઘણાં પુસ્તકો છે, પરંતુ આ જ વાતને એક વાક્યમાં કહેવી હોય તો સફળતા શિસ્તબદ્ધ, નિયમિત અને કન્સિસ્ટન્ટ ઍક્શનમાં છે, બિગ ઍક્શનમાં નથી. કરેક્શનની આગાહી થઈ શકતી નથી, ઘણી વાર લોસને ટાળવા સ્ટૉક્સ વેચી દઈને તમે આગામી કમાણીની તકને ગુમાવી શકો છો. મોટા ભાગના લોકો શૅરબજારમાં ત્યારે રસ લે છે, જ્યારે બધા લેતા હોય છે અથવા તેની આસપાસના બહુ લોકો લેતા હોય છે. ખરેખર તો જ્યારે બીજા લોકો શૅરોમાં રસ ન લે ત્યારે તમારે રસ લેવો જોઈએ. શૅર લોકપ્રિય કે પૉપ્યુલર હોવાથી ખરીદવો જોઈએ એવું માનવું વાજબી નથી