અનરજિસ્ટર્ડ પર્સન દ્વારા ચૂકવાયેલા જીએસટીનું રીફન્ડ

20 January, 2023 03:28 PM IST  |  Mumbai | Shrikant Vaishnav

સીબીઆઇસીએ ૨૦૨૨ની ૨૭ ડિસેમ્બરે પરિપત્ર ક્રમાંક ૧૮૮/૨૦/૨૦૨૨ બહાર પાડ્યું છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટૅક્સિસ ઍન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી)ને અમુક સંજોગોમાં અનરજિસ્ટર્ડ પર્સન/ખરીદદાર દ્વારા ચૂકવવામાં આવેલા જીએસટીનો ક્લેમ કરવા સંબંધે અનેક પ્રશ્નો મળ્યા છે. આ સંબંધે ખુલાસા કરવા માટે બોર્ડ સમક્ષ રજૂઆત પણ થઈ છે.

આથી સીબીઆઇસીએ ૨૦૨૨ની ૨૭ ડિસેમ્બરે પરિપત્ર ક્રમાંક ૧૮૮/૨૦/૨૦૨૨ બહાર પાડ્યું છે, જેમાં અનરજિસ્ટર્ડ પર્સને અમુક સંજોગોમાં ચૂકવેલા એક્સ્ટ્રા જીએસટીના રીફન્ડ માટે કેવી રીતે અરજી કરવી એની રીત દર્શાવવામાં આવી છે. 

અનરજિસ્ટર્ડ પર્સન નીચે જણાવ્યા મુજબના સંજોગોમાં ચૂકવાયેલા જીએસટીનું રીફન્ડ ક્લેમ કરી શકે છેઃ

કૉન્ટ્રૅક્ટ રદ થયો હોય

બિલ્ડિંગ/ફ્લૅટના બાંધકામ માટે સર્વિસ સપ્લાય કરવાનો કરાર રદ થયો હોય અને

લાંબા સમયગાળા માટેની વીમા પૉલિસી રદ કરાવવામાં આવી હોય

ઉપરોક્ત વ્યવહારોમાં જો કૅન્સલેશનની સ્થિતિમાં જો ક્રેડિટ નોટ ઇશ્યુ કર્યાનો સમયગાળો સીજીએસટી ઍક્ટ, ૨૦૧૭ની કલમ ૩૪ની જોગવાઈઓ હેઠળ પૂરો થઈ ચૂક્યો હોય તો અનરજિસ્ટર્ડ પ્રાપ્તકર્તા/ખરીદદાર એ વ્યવહારો પર ચૂકવાયેલા જીએસટીના રીફન્ડ માટે ક્લેમ કરી શકે છે. 

જો ક્રેડિટ નોટનો સમયગાળો પૂરો થયો ન હોય તો સંબંધિત સપ્લાયરે અનરજિસ્ટર્ડ પર્સનને ક્રેડિટ નોટ ઇશ્યુ કરવી ફરજિયાત છે. આવા કિસ્સામાં સપ્લાયર અનરજિસ્ટર્ડ પર્સન પાસેથી લેવામાં આવેલો જીએસટી જાતે જ ચૂકવવાની સ્થિતિમાં હોય છે અને એથી એ સ્થિતિમાં અનરજિસ્ટર્ડ પર્સને જીએસટીના રીફન્ડ માટે અરજી કરવાની જરૂર નહીં પડે.

આ પણ વાંચો : આઇટીસી સંબંધે વેન્ડરે રિપોર્ટિંગમાં અજાણતાં કરેલી ભૂલ વિશે સીબીઆઇસીનું પરિપત્રક

જીએસટીના રીફન્ડને લગતી વૈધાનિક જોગવાઈઓ અને એમનું અર્થઘટન

સીજીએસટી ઍક્ટ, ૨૦૧૭ની કલમ ૫૪ની પેટા કલમ ૧માં એવી જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ કરવેરો અને એના પર જો કોઈ વ્યાજ ચૂકવવામાં આવ્યું હોય તો એના માટે ચુકવણીની તારીખથી બે વર્ષ પૂરાં થવા સુધીના સમયગાળામાં નિર્ધારિત સ્વરૂપે અને રીતે એના રીફન્ડ માટે ક્લેમ કરી શકે છે. 

જો અનરજિસ્ટર્ડ પર્સને કરવેરો ભોગવ્યો હોય અને અન્ય કોઈ વ્યક્તિ પર એનો બોજ નાખ્યો ન હોય તો સીજીએસટી ઍક્ટની કલમ ૫૪ની પેટા કલમ ૮ના ક્લૉઝ ‘ઈ’ મુજબ એ કરવેરાના રીફન્ડની રકમ

કન્ઝ્યુમર વેલ્ફેર ફન્ડમાં જમા કરવાને બદલે અનરજિસ્ટર્ડ પર્સનને ચૂકવવામાં આવશે. 

સીબીઆઇસીના પરિપત્ર અને જાહેરનામા મારફત ચોખવટ

ઉક્ત સંજોગોના ઉપાય તરીકે જીએસટી ખાતાએ જીએસટી પોર્ટલ પર નવી ફન્ક્શનાલિટી શરૂ કરી છે, જેની મદદથી અનરજિસ્ટર્ડ પર્સન કામચલાઉ ધોરણે જીએસટી રજિસ્ટ્રેશન લઈ શકે છે અને ‘રીફન્ડ ફૉર અનરજિસ્ટર્ડ પર્સન’ની શ્રેણી હેઠળ રીફન્ડ માટે અરજી કરી શકે છે.

જીએસટી ખાતાએ ૨૬-૧૨-૨૦૨૨ના રોજ નોટિફિકેશન ક્રમાંક ૨૬/૨૦૨૨-સેન્ટ્રલ ટૅક્સ બહાર પાડ્યું છે, જેના દ્વારા ફૉર્મ જીએસટી આરએફડી-૦૧માં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર જીએસટીનું રીફન્ડ ક્લેમ કરવા સંબંધે કરવામાં આવ્યો છે અને ક્લેમ માટે સુપરત કરવાના દસ્તાવેજોની યાદી ધરાવતું સ્ટેટમેન્ટ ક્રમાંક ૮ બહાર પાડવામાં આવ્યું છે. આ વિષયે આપણે આવતા લેખમાં વધુ વાત કરીશું.

business news goods and services tax