ફન્ડ ઑફ ફન્ડ્સ : એક તીર વિવિધ નિશાન

23 February, 2023 10:40 AM IST  |  Mumbai | Jayesh Chitalia

આપણે મ્યુચ્યુઅલ ફન્ડ વિશે અને એની વિવિધ યોજનાઓ કે એનાં ફન્ડ્સ વિશે સતત ચર્ચા કરતા રહીએ છીએ. આજે આપણે મ્યુચ્યુઅલ ફન્ડના એક નોખા ફન્ડ વિશે વાત કરીએ. આને ફન્ડ ઑફ ફન્ડ્સ (એફઓએફ) કહે છે. શું છે આ ફન્ડ ઑફ ફન્ડ્સ? ચાલો સમજીએ

પ્રતીકાત્મક તસવીર

આ એક એવું ફન્ડ છે, જે વિવિધ સ્ટૉકસ, બૉન્ડ્સ કે અન્ય સિક્યૉરિટીઝમાં રોકાણ કરવાને બદલે વિવિધ મ્યુચ્યુઅલ ફન્ડ્સના પોર્ટફોલિયોમાંથી એક ફન્ડ ઊભું કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો મ્યુચ્યુઅલ ફન્ડ જેમાં રોકાણ કરે છે એ ફન્ડ્સમાં એફઓએફના ભંડોળનું રોકાણ કરાય છે, એટલે જ તો એને ફન્ડ ઑફ ફન્ડ્સ કહે છે. હજી સરળીકરણ કરીએ તો ફન્ડ ઑફ ફન્ડ્સ વિવિધ મ્યુચ્યુઅલ ફન્ડનાં યુનિટ્સમાં રોકાણ કરે છે. એક વધુ સાદો દાખલો જોઈએ તો ‘એ’ ફન્ડ, ‘બી’ ફન્ડ, ‘સી’ ફન્ડ અને ‘ડી’ ફન્ડ એમ જુદાં-જુદાં ફન્ડ છે, તેમનાં દરેકનાં ફન્ડ્સના યુનિટમાં ફન્ડ ઑફ ફન્ડ્સ રોકાણ કરે છે, આમાં એને જુદી-જુદી ઍસેટ્સમાં રોકાણનો લાભ મળે છે, એ તો જ્યાં ઑલરેડી રોકાણ થયું છે એ રોકાણ કરનારામાં જ રોકાણ કરે છે.

સ્થાનિક અને ગ્લોબલ પણ

ફન્ડ ઑફ ફન્ડ્સ સ્થાનિક અને ગ્લોબલ હોઈ શકે છે. અર્થાત સ્થાનિક ફન્ડ અન્ય ફન્ડ્સની ઇક્વિટી સ્કીમ, ડેટ સ્કીમ ઈટીએફ (એકસચેન્જ ટ્રેડેડ ફન્ડ) વગેરેમાં રોકાણ કરે છે. આ ફન્ડમાં રોકાણકારોને પ્રવાહિતા મળે છે તેમ જ ડીમૅટ અકાઉન્ટ વિના પણ રોકાણ કરવાનો વિકલ્પ મળે છે. આ ફન્ડ ઑફ ફન્ડ્સ ઇક્વિટીલક્ષી ફન્ડ ગણાય છે અને એને ઇક્વિટીને લાગતા કરવેરાના નિયમ લાગુ પડે છે. આ માટે તેણે પોતાનું ૯૦ ટકા કૉર્પસ ઇક્વિટીમાં રોક્યું હોવું જરૂરી છે. આમાં સ્થાનિક કંપનીઓની ઇક્વિટી હોવી જોઈએ, જ્યારે ઇન્ટરનૅશનલ ફન્ડ્સમાં રોકાણ કરનાર ફન્ડ ઑફ ફન્ડ્સને ડેટ સ્કીમની ટૅક્સ ટ્રીટમેન્ટ મળે છે એટલે કે યુનિટ્સનું વેચાણ ૩૬ મહિનાની અંદર થયું હોય તો એને શૉર્ટ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સ લાગુ થાય અને ૩૬ મહિના બાદ થયું હોય તો લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સ લાગુ થાય છે.

માત્ર એક નાવ ટ્રૅક કરવાની

આ પ્રકારના ફન્ડમાં જોખમનું પ્રમાણ ઓછું રહે છે, કારણ કે એણે વૈવિધ્યીકરણ વ્યાપક રાખ્યું હોય છે. એણે વિવિધ મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં રોકાણ કર્યું હોવાથી જોખમ વહેચાઈ જાય છે. વધુ એક લાભ એ છે કે આમાં જ્યારે ફન્ડ મૅનેજર રિબૅલૅન્સિંગ કરે ત્યારે એને કૅપિટલ ગેઇન ટૅક્સ લાગુ થતો નથી. આમ ફન્ડ ઑફ ફન્ડ્સ ઇક્વિટી કે ડેટ્સમાં પોતાની મરજી મુજબ રિબૅલૅન્સ કરે ત્યારે એને કૅપિટલ ગેઇન ટૅક્સ ભરવો પડતો નથી. આમ માત્ર એક એફઓએફમાં રોકાણ કરવાથી માત્ર એક નેટ ઍસેટ વૅલ્યુ (નાવ)ને જોવાની કે ટ્રૅક કરવાની રહે છે. જુદાં-જુદાં ફન્ડમાં રોકાણ કરાય તો જુદી-જુદી નેટ ઍસેટ વૅલ્યુ જોતી રહેવું પડે છે. ઇન્વેસ્ટર એફઓએફને કારણે એક ફન્ડમાં રોકાણ કરી વિભિન્ન ફન્ડ્સનો લાભ મેળવી શકે છે અર્થાત્ મર્યાદિત મૂડી સાથે જુદી-જુદી ઍસેટ્સમાં રોકાણ કરવાની તક ધરાવે છે. ફન્ડ ઑફ ફન્ડ્સને કલેક્શન ઑફ મ્યુચ્યુઅલ ફન્ડ્સ પણ કહી શકીએ.

હાલ કયાં ફન્ડ ઑફ ફન્ડ્સ જાણીતાં

ભારતમાં ટોચનાં પાંચ ફન્ડ ઑફ ફન્ડ્સ (એફઓએફ)માં મોતીલાલ ઓસવાલ ઑફ નૅસ્ડેક-૧૦૦, મિરાઈ ઍસેટ ઇક્વિટી એલોકેટર્સ, ઍડલવાઇઝ યુએસ ટેક્નૉલૉજી ઇક્વિટી, ઍક્સિસ ગ્લોબલ ઇક્વિટી, આલ્ફા ફન્ડ ઑફ ફન્ડ્સનો સમાવેશ થાય છે. આમાં શરૂઆતથી લઈ અત્યાર સુધીમાં ૯ ટકાથી લઈ ૨૫ ટકાની રૅન્જમાં વળતર છૂટ્યાં હોવાનું નોંધાયું છે.

સવાલ તમારા…

ફન્ડ ઑફ ફન્ડ્સનું વિશેષ મહત્ત્વ શું ગણાય?

આમાં રોકાણ કરીને ઇન્વેસ્ટર એક કાંકરે ઘણાં પક્ષીઓના શિકાર કરી શકે અથવા કહો કે એક તીરે ઘણાં નિશાન સાધી શકે. દાખલા તરીકે વિવિધ ફન્ડ્સની વિવિધ સિક્યૉરિટીઝમાં રોકાણ કરવા કરતાં જેમની પાસે બીજાં ઘણાં વિભિન્ન ફન્ડ્સનો પોર્ટફોલિયો છે એમાં રોકાણ કરવા મળે છે. નાના રોકાણકાર વિવિધ ઍસેટ્સની સમજ મેળવવા સક્ષમ હોતા નથી, એથી તેમને ફન્ડ ઑફ ફન્ડ્સમાં એક જ છત્ર હેઠળ આ તક મળી જાય છે. આ સાથે ડોમેસ્ટિક અને ઇન્ટરનૅશનલ ફન્ડમાં રોકાણ કરવાનો અવસર પણ મળે છે. આમાં જોખમ વહેચાઈ જતું હોવાથી એકંદરે સલામત કહેવાય, પરંતુ વળતરનો આધાર વિવિધ ફન્ડ્સની કામગીરી પર રહે છે. 

business news jayesh chitalia