12 December, 2022 04:53 PM IST | Mumbai | Khyati Mashru Vasani
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આજકાલ ભારતમાં સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી)ની વાતો થઈ રહી છે, કારણ કે રિઝર્વ બૅન્કે હોલસેલ બાદ હવે રીટેલ સીબીડીસીનો પ્રયોગ શરૂ કરી દીધો છે. દેશમાં નોટબંધી તો અચાનક આવી હતી અને એને પગલે ડિજિટલ પેમેન્ટ ઝડપથી વિસ્તર્યું, પણ હવે સીબીડીસીના અખતરા થયા બાદ એનો દેશવ્યાપી અમલ કરવામાં આવશે અને ડિજિટલ પેમેન્ટની ચરમસીમા પ્રાપ્ત કરી કહેવાશે. આપણે એનો ઉપયોગ કરવા માટે એની સમજ પ્રાપ્ત કરવી આવશ્યક છે. તો ચાલો, આજે સીબીડીસીની સફરે ઊપડીએ.
સીબીડીસીને સાદા શબ્દોમાં કહીએ તો રિઝર્વ બૅન્કે બહાર પાડેલા નોટ અને સિક્કા સ્વરૂપના ચલણને બદલે ડિજિટલ ચલણ. આ ચલણની હાથોહાથ લેવડદેવડ કરવાને બદલે એની ઇલેક્ટ્રૉનિકલી એટલે કે ડિજિટલી લેવડદેવડ થશે.
સીબીડીસીને આપણે લેધરના વૉલેટ કે પર્સમાં નહીં, પણ મોબાઇલમાં રાખી શકીશું અને રોકડની જેમ જ એનો વપરાશ કરી શકીશું. સીબીડીસીનું બીજું નામ ઈ-રૂપી રાખવામાં આવ્યું છે. રિઝર્વ બૅન્કના ગવર્નરની સહી સાથે ચલણી નોટો બહાર પડે છે એ જ રીતે સીબીડીસી પણ રિઝર્વ બૅન્કના ગવર્નરની ડિજિટલ સહી સાથે બહાર પડશે.
અત્યાર સુધી આપણે જોયું છે કે ચલણી નોટો પર લખેલું હોય છે, ‘મૈં ધારક કો .... રૂપયે અદા કરને કા વચન દેતા હૂં.’ એનો અર્થ એવો થયો કે એ નોટ જેની પાસે હશે એને અમુક રૂપિયા મૂલ્ય આપવાનું રિઝર્વ બૅન્કના ગવર્નરનું વચન છે. આ રીતે, તમે મને નોટ આપો તો હું એનો સ્વીકાર કરું, કારણ કે મને રિઝર્વ બૅન્કના ગવર્નર પાસેથી વચન મળેલું છે. આ જ રીતે સીબીડીસી માટે પણ વચન મળેલું છે. તમે મને ચલણી નોટ આપો કે સિક્કા આપો કે પછી ડિજિટલ ટ્રાન્સફર દ્વારા સીબીડીસી આપો, રિઝર્વ બૅન્કના ગવર્નરના વચનને કારણે એનું મૂલ્ય છે.
સીબીડીસીનો પ્રયોગ
દેશમાં ચલણી નોટો અને સિક્કાનો સંપૂર્ણ વ્યવહાર સરકાર વતી રિઝર્વ બૅન્ક સંભાળે છે. રિઝર્વ બૅન્કને બૅન્કોની બૅન્ક કહેવાય છે. આથી એણે પોતાનાં અનેક કામ માટે બૅન્કોની નિમણૂક કરી છે. તમામ બૅન્કો એના નિયમન હેઠળ કામ કરે છે. હાલ રિઝર્વ બૅન્કે મુંબઈ, નવી દિલ્હી, બૅન્ગલોર અને ભુવનેશ્વરમાં સીબીડીસીનો પ્રયોગ શરૂ કર્યો છે. ત્યાર બાદ અમદાવાદ, ગૅન્ગટૉક, ગુવાહાટી, હૈદરાબાદ, ઇન્દોર, કોચી, લખનઉ, પટના અને શિમલાને આવરી લેવાશે.
હાલ પૂરતું ગ્રાહકો અને વેપારીઓના નિર્ધારિત સમૂહ (જેને ક્લોઝ્ડ યુઝર ગ્રુપ કહેવાયું છે) મારફત આ અખતરો પાર પડશે. નિશ્ચિત શહેરોના નિર્ધારિત ગ્રાહકોના વૉલેટમાં સીબીડીસી ઉમેરવામાં આવશે. એમાં રિઝર્વ બૅન્કની સહી સાથેની ચલણી નોટો ડિજિટલી પ્રિન્ટ થયેલી હશે.
ઉક્ત પ્રયોગ માટે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, આઇસીઆઇસીઆઇ બૅન્ક, યસ બૅન્ક અને આઇડીએફસી ફર્સ્ટ બૅન્કને પ્રથમ ચાર શહેરો માટે આવરી લેવાઈ છે. ત્યાર બાદ બૅન્ક ઑફ બરોડા, યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા, એચડીએફસી બૅન્ક અને કોટક મહિન્દ્ર બૅન્કને સાથે લેવામાં આવશે. સમય જતાં વધુ બૅન્કો, વધુ ગ્રાહકો અને વધુ સ્થળોનો ઉમેરો કરવામાં આવશે.
ઈ-રૂપી (સીબીડીસી)નો ઉપયોગ કરવાની રીત
હાલમાં જે મૂલ્યના સિક્કા અને નોટો મળે છે એ જ મૂલ્યમાં ડિજિટલ કરન્સી આપવામાં આવશે. એનું વિતરણ બૅન્કો મારફત થશે. પ્રયોગમાં સહભાગી થયેલી બૅન્કોએ ઑફર કરેલા ડિજિટલ વૉલેટ મારફત વ્યવહાર થશે. આ વૉલેટ મોબાઇલ ફોનમાં અને ડિવાઇસિસમાં આપવામાં આવ્યાં છે. હાલમાં એકથી બીજી વ્યક્તિ અને વ્યક્તિથી વેપારી એમ બન્ને રીતે વ્યવહાર થઈ શકશે. દરેક વેપારીને ત્યાં ક્યુઆર કોડ રાખવામાં આવશે, જે અત્યાર સુધીના ક્યુઆર કોડ કરતાં અલગ હશે.
યુઝર હાલમાં જે રીતે બૅન્કમાંથી રોકડ ઉપાડે છે એ જ રીતે ડિજિટલ ટોકન ઉપાડી શકાશે. એ ડિજિટલ ટોકન ડિજિટલ વૉલેટમાં રાખી શકાશે અને બીજી વ્યક્તિને કે વેપારીને આપવા માટે ઍપનો ઉપયોગ કરવામાં આવશે.
અન્ય વૉલેટ સાથે તુલના
વૉલેટ શબ્દ હવે પ્રચલિત થઈ ગયો છે. સૌથી પહેલાં પેટીએમ જેવાં પેમેન્ટ વૉલેટ આવ્યાં હતાં. હવે એમાં ગૂગલપે, ફોનપે વગેરેનો ઉમેરો થઈ ગયો છે. એ વૉલેટ પણ ડિજિટલ છે, પરંતુ એમાં રખાયેલા પૈસાના વ્યવહાર બૅન્કો મારફત થાય છે. બૅન્ક વચ્ચે ન હોય તો એ વ્યવહાર શક્ય નથી. એનાથી વિપરીત, સીબીડીસી એટલે કે ઈ-રૂપીમાં તમે બૅન્કમાંથી ડિજિટલ રોકડનો ઉપાડ કરી લીધા બાદ જાતે કોઈને પણ આપી શકો છો. એ વ્યવહારો બૅન્ક મારફત નહીં થાય. દા.ત. અત્યારે તમે દૂધવાળાને ૫૦ રૂપિયાની નોટ આપો છો એ જ રીતે તમે ડિજિટલ વૉલેટમાંથી ૫૦ રૂપિયાની સીબીડીસી ટ્રાન્સફર કરશો. અત્યારે યુપીઆઇ મારફત તમે જે પેમેન્ટ કરો છો એમાં દિવસના અંતે બૅન્કો એકબીજા સાથે હિસાબ કરે છે. બૅન્કોનું નેટવર્ક ખોટકાયેલું હોય તો તમારા યુપીઆઇના વ્યવહાર થઈ શકતા નથી. ઇન્ટરનેટ નેટવર્ક મળતું ન હોય એ જગ્યાએ પણ યુપીઆઇના વ્યવહાર થઈ શકતા નથી. આ વિષયે કેટલાક મુદ્દાઓ હજી બાકી રહી જાય છે, જેના વિશે આવતા વખતે વાત કરીશું.