27 March, 2023 03:09 PM IST | Mumbai | Khyati Mashru Vasani
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
છેલ્લા કેટલાક મહિનાઓથી બધે જ આર્થિક મંદીની વાતો ચાલી રહી છે. આટલી બધી ચર્ચા થતી હોય તો સ્વાભાવિક છે કે લોકોને ચિંતા થાય. આવા સંજોગોમાં રોકાણોની બાબતે નવેસરથી વિચાર કરવો આવશ્યક છે. વાંચકોએ લક્ષમાં લેવા જેવા કેટલાક મુદ્દા આ પ્રમાણે છે...
૧. ઍસેટ એલોકેશન પોતાની જોખમ ખમવાની ક્ષમતા અનુસાર જ રાખવું
દરેક રોકાણકારે જોખમ ખમવાની ક્ષમતા અનુસાર અલગ-અલગ પ્રકારની ઍસેટમાં રોકાણ કરવાનું હોય છે. બાહ્ય સંજોગો ગમે એવા હોય, ઍસેટ એલોકેશનમાં ફેરફાર કરવાની આવશ્યકતા હોતી નથી. જેઓ સક્રિયપણે શૅરબજારમાં ટ્રેડિંગ કરતા હોય તેમણે બજારની સ્થિતિનો વિચાર કરવાનો હોય છે. લાંબા ગાળાના રોકાણકારોએ નહીં.
હાલની સ્થિતિમાં રોકાણનાં અનેક સાધનોમાં વૉલેટિલિટી રહેશે એ નક્કી છે. આવામાં જો તમે એક જ પ્રકારની ઍસેટમાં રોકાણ કર્યું હશે તો તમને વધુ જોખમ નડશે. વિવિધ પ્રકારની ઍસેટ્સમાં કરાયેલા રોકાણને વધુ વૉલેટિલિટી નડતી નથી. તમે ઇન્ડેક્સ ફન્ડ અને ઈટીએફ જેવા પૅસિવ ઇન્વેન્સ્ટમેન્ટ તરીકે ઓળખાતા વિકલ્પોનો વિચાર કરી શકો છો.
૨. ઇક્વિટીમાંથી ડેટમાં સ્થાનાંતર
આર્થિક મંદીની વાતો વચ્ચે કેન્દ્રીય બૅન્કોએ વ્યાજદરમાં વધારો કર્યો છે. આવા સંજોગોમાં ઇક્વિટીની તુલનાએ ડેટમાં વધુ વળતર મળવાની શક્યતા વધી જાય છે. આથી તમે પણ ઇક્વિટીને બદલે ડેટમાં રોકાણ કરવાનું વિચારી શકો છો. વ્યાજદરમાં વૃદ્ધિ થવાને લીધે ઇક્વિટી માર્કેટમાં ઘટાડો થતો હોવાનું સહજ છે. વળી, ડેટમાં કરાયેલું રોકાણ સલામત પણ હોય છે. જેઓ વધુ જોખમ લેવા તૈયાર હોતા નથી તેમના માટે ડેટ રોકાણ વધુ સારું રહે છે. જોકે અહીં નોંધવું ઘટે કે જો તમને ટૂંકા ગાળામાં નાણાંની જરૂર ન હોય તો ઇક્વિટીમાં કરાયેલું રોકાણ એમ ને એમ રહેવા દો. વધુ રોકાણ કરવાનું હોય તો જ ડેટનો વિચાર કરવો. લાંબા ગાળાના રોકાણકારો માટે શૅરબજારનું કરેક્શન રોકાણની સારી તક હોય છે.
૩. લાંબા ગાળે સંપત્તિસર્જન માટે સ્મૉલ કૅપ સ્ટૉક્સમાં રોકાણ કરો
મંદીના સમયગાળામાં સ્મૉલ કૅપ સ્ટૉક્સમાં રોકાણ કરવાની તકનો લાભ લેવો જોઈએ. આ રોકાણ તમે મ્યુચ્યુઅલ ફન્ડ્સ મારફતે કરી શકો છો. સ્મૉલ કૅપ મ્યુચ્યુઅલ ફન્ડ્સ રોકાણની રકમમાંથી ૬૫ ટકા સુધીનું રોકાણ સ્મૉલ કૅપ કંપનીઓની ઇક્વિટીમાં કરતાં હોય છે. આવા સ્ટૉક્સ મિડ કૅપ અને લાર્જ કૅપની તુલનાએ વધુ વૉલેટિલિટી ધરાવે છે, એ ધ્યાનમાં રાખવું, પરંતુ લાંબા ગાળે જેમ-જેમ કંપની વૃદ્ધિ કરતી જાય એમ-એમ એમાં વળતર વધારે મળવાની શક્યતા રહેલી છે.
આ પણ વાંચો: શું તમે સારા રોકાણકાર છો?
૪. લાંબા ગાળા માટે રોકાણ રહેવા દો
મંદીના સમયમાં રોકાણકારોને ઓછા ભાવે સારા સ્ટૉક્સ ખરીદવાનો મોકો મળતો હોય છે. આથી જેઓ લાંબા ગાળા સુધી રાહ જોવા તૈયાર હોય તેમણે રોકાણ એમ ને એમ રહેવા દેવું. શક્ય હોય તો વધુ રોકાણ કરવું. જોકે, દરેકે જોખમ સહન કરવાની પોતાની શક્તિના આધારે યોગ્ય સાધન પસંદ કરીને જ રોકાણ કરવું.
૫. ધીરજનાં ફળ મીઠાં
તમે એકસાથે મોટી રકમનું અથવા ટુકડે-ટુકડે નિશ્ચિત સમયાંતરે રોકાણ કરી શકો છો. ટૂંકમાં, તમારે રોકાણ કર્યા બાદ ધીરજ રાખવી ખૂબ જ જરૂરી હોય છે. એની સાથે-સાથે સતત રોકાણ કરતાં રહેવું. એસઆઇપીમાં સાતત્ય અને ધીરજ એ બન્નેનો સમન્વય થાય છે. પોતાના રોકાણનું મૂલ્ય ટૂંકા ગાળામાં ઘટી જાય તો પણ જેમના પેટનું પાણી હલે નહીં એટલી ધીરજ હોય તેમણે અત્યારે ચિંતા કરવી જ નહીં, કારણ કે બજાર લાંબા ગાળે હંમેશાં સારું વળતર આપતું હોય છે.
અર્થતંત્રમાં કપરા સંજોગો હોય, પણ જો તમારી પાસે ઇમર્જન્સી ફન્ડ હોય તો તમે આ સ્થિતિનો વધુ સારી રીતે સામનો કરી શકો છો. વર્તમાન સ્થિતિમાં રોકાણ કરવા માટે ધિરાણ લેવા જેવું નથી. વળી, પોતાનાં નાણાકીય લક્ષ્યો સુધી પહોંચ્યા ન હો તો અધવચ્ચેથી રોકાણ ઉપાડી લેવાની ભૂલ પણ કરવી નહીં.