બહુવર્ષીય આરોગ્ય વીમા યોજનાના લાભ

21 December, 2022 05:12 PM IST  |  Mumbai | Nisha Sanghvi

આપણામાંથી મોટા ભાગના લોકો વાર્ષિક ધોરણે આરોગ્ય વીમો ખરીદે છે, જે દર વર્ષે રિન્યુ કરાવવાનો હોય છે, પરંતુ શું તમે જાણો છો કે તમે બહુવર્ષીય આરોગ્ય વીમા પૉલિસી ખરીદીને ઘણા આકર્ષક લાભનો આનંદ માણી શકો છો?

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

જ્યારથી કોવિડ-19એ આપણા જીવનમાં પ્રવેશ કર્યો છે ત્યારથી આરોગ્ય વીમો આપણી પ્રાથમિકતાઓની યાદીમાં ટોચ પર આવી ગયો છે. આપણામાંથી મોટા ભાગના લોકો વાર્ષિક ધોરણે આરોગ્ય વીમો ખરીદે છે, જે દર વર્ષે રિન્યુ કરાવવાનો હોય છે, પરંતુ શું તમે જાણો છો કે તમે બહુવર્ષીય આરોગ્ય વીમા પૉલિસી ખરીદીને ઘણા આકર્ષક લાભનો આનંદ માણી શકો છો?

બહુવર્ષીય આરોગ્ય વીમા યોજનામાં અપગ્રેડ કરવાના પાંચ ફાયદા

બહુવર્ષીય આરોગ્ય યોજનાઓ સામાન્ય રીતે બે અથવા ત્રણ વર્ષની પૉલિસી મુદત માટે ઉપલબ્ધ હોય છે. બહુવર્ષીય આરોગ્ય વીમા યોજનાઓના કેટલાક લાભ આ પ્રમાણે છે...

આ પણ વાંચો :  સ્ટાર્ટઅપ્સના સ્થાપકો માટે જીવન વીમાની જરૂરિયાત

૧. લાંબા ગાળાના પૉલિસી ડિસ્કાઉન્ટનો લાભ

બહુવર્ષીય આરોગ્ય યોજના ખરીદવાથી તમે લાંબા ગાળાના પૉલિસી ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. મોટા ભાગની વીમા કંપનીઓ બે વર્ષની પૉલિસી મુદત પસંદ કરનારને ૧૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઑફર કરે છે. એવી જ રીતે, તમે ત્રણ વર્ષની આરોગ્ય વીમા પૉલિસી પસંદ કરીને તમારી પ્રીમિયમની રકમ ૧૫ ટકા સુધી ઘટાડી શકો છો.

ઉદાહરણ તરીકે જો તમારી વાર્ષિક આરોગ્ય વીમા પૉલિસીનું પ્રીમિયમ ૬૦૦ રૂપિયા હોય તો તમે બે વર્ષની પૉલિસી પસંદ કરીને એને વાર્ષિક ૫૪૦ રૂપિયા સુધી ઘટાડી શકો છો. એવી જ રીતે જો તમે ત્રણ વર્ષની બહુવર્ષીય પૉલિસી પસંદ કરો તો તમે તમારું પ્રીમિયમ વાર્ષિક ઘટાડીને ૫૧૦ રૂપિયા કરી શકો છો.

૨. દર વર્ષે પૉલિસી રિન્યુ કરવાની કોઈ ઝંઝટ નહીં

જો તમારી પાસે વાર્ષિક આરોગ્ય વીમા યોજના હોય તો તમારે દર વર્ષે પૉલિસી રિન્યુ કરાવવી પડે. જો તમે તમારી પૉલિસીને સમયસર રિન્યુ કરાવો નહીં તો કવરેજ બંધ થઈ જાય છે અને મેડિકલ ઇમર્જન્સીની સ્થિતિમાં નાણાકીય મુશ્કેલી સર્જાઈ શકે છે. આ ઉપરાંત, જો તમારી પૉલિસીમાં કોઈ સમયાંતર હશે તો તમારો વેઇટિંગ પિરિયડ સંબંધિત અને ક્યુમ્યુલેટિવ બેનિફિટ (સંચિત લાભ) જેવા લાભ પણ ગુમાવવા પડે છે.

પરંતુ જો તમારી પાસે બહુવર્ષીય પૉલિસી હોય તો તમારે દર વર્ષે તમારી પૉલિસીની નિયત તારીખ યાદ રાખવાની ચિંતા કરવાની જરૂર નથી. ઉપરાંત, તમારે દર વર્ષે પ્રીમિયમ ચૂકવવા માટે નાણાં અલગ રાખવાની ચિંતા કરવાની જરૂર નથી. તમારે માત્ર પૉલિસી ખરીદતી વખતે ૩ વર્ષ માટે પ્રીમિયમ ચૂકવવાનું અને પછીનાં બે વર્ષ માટે નચિંત થઈ જવાનું.

૩. દર વર્ષે પ્રીમિયમમાં વધારાનું જોખમ નહીં

ફુગાવાને કારણે આરોગ્ય વીમાનું પ્રીમિયમ કોઈ પણ આગોતરી ચેતવણી વિના વધી શકે છે. આ ઉપરાંત, જેમ-જેમ તમારી ઉંમર વધે તેમ-તેમ પ્રીમિયમમાં વધારો થવાની શક્યતા પણ વધે છે. પરંતુ જો તમારી પાસે ત્રણ વર્ષની બહુવર્ષીય પૉલિસી હોય તો તમારું પ્રીમિયમ એ ત્રણ વર્ષ માટે સ્થિર રહે છે. 

૪. ઓછા ઈએમઆઇમાં પ્રીમિયમ ચૂકવો

તમે તમારી વાર્ષિક આરોગ્ય પૉલિસીની જેમ બહુવર્ષીય આરોગ્ય વીમા પૉલિસીનું પ્રીમિયમ પણ હપ્તામાં ચૂકવી શકો છો. આ તમને એક જ વારમાં ત્રણ વર્ષ માટે પ્રીમિયમની રકમની વ્યવસ્થા કરવાની મુશ્કેલીથી બચાવે છે. હકીકતમાં, વીમા કંપનીઓ તમારી પસંદગી મુજબના સમયાંતરે હપ્તાની ચુકવણી કરવાની મંજૂરી આપે છે. આનો અર્થ એ છે કે તમે તમારી બહુવર્ષીય પૉલિસીનું પ્રીમિયમ વાર્ષિક, અર્ધ-વાર્ષિક, ત્રિમાસિક તેમ જ માસિક હપ્તાઓમાં ચૂકવવાનું પસંદ કરી શકો છો.

આ પણ વાંચો : ભારતીયોએ લાંબા સમયની બીમારીઓ માટેનો આરોગ્ય વીમાનો પ્લાન શું કામ લઈ લેવો જોઈએ?

૫. દર વર્ષે કરલાભનો આનંદ માણો

તમે વાર્ષિક પૉલિસીની જેમ જ પ્રીમિયમની રકમ પર બહુવર્ષીય આરોગ્ય વીમા પૉલિસી માટે પણ કરલાભ મેળવી શકો છો. જોકે, તમે એક જ વર્ષમાં સંપૂર્ણ ત્રણ મહિનાના પ્રીમિયમનો દાવો કરી શકતા નથી. સરકારી માર્ગદર્શિકા મુજબ, તમે દર નાણાકીય વર્ષમાં કુલ પ્રીમિયમની પ્રમાણસર રકમનો દાવો કરી શકો છો.

દા.ત. જો ત્રણ વર્ષ માટે ચૂકવવામાં આવેલું મેડિક્લેમ પ્રીમિયમ ૫૪,૦૦૦ રૂપિયા હોય તો તમે આવકવેરા ધારાની કલમ ૮૦ડી હેઠળ ત્રણ વર્ષ માટે પ્રતિ નાણાકીય વર્ષમાં ૧૮,૦૦૦ રૂપિયાની કરકપાતનો દાવો કરી શકો છો.

અહીં નોંધવું ઘટે કે બહુવર્ષીય આરોગ્ય વીમા પૉલિસી ખરીદતાં પહેલાં એને લગતાં નિયમો અને શરતો જાણી લેવા જોઈએ.

business news