03 April, 2023 03:11 PM IST | Mumbai | Khyati Mashru Vasani
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
પહેલી એપ્રિલનો દિવસ એપ્રિલ ફૂલની પ્રથાને કારણે પ્રચલિત છે. જોકે આ દિવસ બીજી અનેક રીતે અગત્યનો હોય છે. એ દિવસે બૅન્કોનું ક્લોઝિંગ હોય છે અને સાથે જ નવા નાણાકીય વર્ષનો પ્રારંભ હોવાથી નાણાકીય ક્ષેત્રે આ દિવસનું ઘણું જ મહત્ત્વ હોય છે. પગારદાર વર્ગને પણ નવા નાણાકીય વર્ષની શરૂઆતને લીધે આ દિવસથી જ નાણાકીય આયોજન અને કરવેરાનું આયોજન કરવાનું હોય છે. જો નાણાકીય વર્ષની શરૂઆત સારી રીતે થાય તો આખું વર્ષ સરળતાથી વીતે છે. આથી આજે આપણે નવા નાણાકીય વર્ષના પ્રારંભે કરવાનાં અગત્યનાં કાર્યો વિશે વાત કરીશું.
૧. ઍસેટ એલોકેશનની સમીક્ષા કરવી
નાણાકીય આયોજનમાં ઍસેટ એલોકેશનનું મહત્ત્વ અદકેરું હોય છે. દરેક વ્યક્તિએ જોખમ ખમવાની પોતાની ક્ષમતા અને નાણાકીય લક્ષ્યોના આધારે ઍસેટ એલોકેશન કરી રાખેલું હોય છે અથવા એ કરવાનું હોય છે. જેમણે પહેલેથી એ કરી રાખ્યું છે તેમણે નવા નાણાકીય વર્ષના પ્રારંભે એની સમીક્ષા કરવી અને જરૂર પડ્યે એમાં ફેરફાર કરવો.
ધારો કે કોઈ વ્યક્તિએ ઇક્વિટીમાં ૭૫ ટકા, ડેટમાં ૨૫ ટકા અને સોનામાં ૫ ટકા રોકાણ રાખવાનું નક્કી કર્યું હોય. નાણાકીય વર્ષ ૨૦૨૧-’૨૨માં ઇક્વિટીમાં ૨૧ ટકાના દરે, ડેટમાં ૫.૫ ટકા અને સોનામાં ૧૫.૪ ટકાના દરે વૃદ્ધિ થઈ. હવે સ્વાભાવિક છે કે ઇક્વિટીના ઊંચા વળતરને લીધે એનું પ્રમાણ કુલ રોકાણમાં એનો હિસ્સો વધી ગયો હશે. આપણી ગણતરી મુજબ હવે ઇક્વિટીમાં ૭૨.૫ ટકા, ડેટમાં ૨૨.૬ ટકા અને સોનામાં ૪.૯ ટકા રોકાણ થયું કહેવાય. હવે એને પહેલેથી નક્કી કરેલા પ્રમાણમાં લઈ આવવા માટે ઇક્વિટીમાં નફો અંકે કરીને એ રકમનું ડેટ અને સોનામાં રોકાણ કરવું, કારણ કે ડેટ અને સોનામાં રોકાણનો હિસ્સો ઘટી ગયો છે. આ ફેરફાર એસઆઇપીમાં પણ કરી શકાય છે. એના માટે ડેટ અને સોનામાં એસઆઇપીનું પ્રમાણ વધારી દેવું.
૨. નાણાકીય લક્ષ્યોની સમીક્ષા કરવી
નવા વર્ષના અનુસંધાને નાણાકીય લક્ષ્યોની સમીક્ષા પણ લક્ષ માગી લે એવી બાબત છે. શક્ય છે કે તમે જે લક્ષ્યો નક્કી કર્યાં હોય એના માટે તમારે વધારે રોકાણ કરવું પડે. આવી સ્થિતિમાં તમારે બચતની અને રોકાણની રકમમાં પણ વધારો કરવો પડે. દા.ત. તમે કાર ખરીદવા માગો છો. મોંઘવારીને લીધે કારનો ભાવ ગયા વર્ષની તુલનાએ હાલ વધી ગયો હોય તો તમારે એટલી રકમ વધારે ખર્ચવી પડે. તમે હાલમાં વધારે રકમ ખર્ચો તો બીજા ખર્ચ માટેની જોગવાઈ ઓછી પડી શકે છે. આમ, ફક્ત એક વસ્તુના ભાવમાં આવેલા ફરકને લીધે બીજાં અનેક આનુસંગિક વસ્તુઓ અને લક્ષ્યો પર અસર થાય છે.
૩. પોર્ટફોલિયોની સમીક્ષા કરવી
લાંબા ગાળા માટે રોકાણ કરવાનો ઉદ્દેશ સંપત્તિસર્જનનો હોય છે. એનો અર્થ એવો નથી કે એક વખત રોકાણ કર્યા બાદ એની સમીક્ષા જ કરવી નહીં. સમયાંતરે પોર્ટફોલિયોની સમીક્ષા કરવી આવશ્યક છે. નવા નાણાકીય વર્ષની શરૂઆત એના માટે ઉત્તમ સમય છે.
તમે જ્યારે પોર્ટફોલિયોની સમીક્ષા કરો ત્યારે તમે જોઈ શકો છો કે કઈ ઍસેટમાં કેટલું વળતર મળ્યું છે. જે ઍસેટ કે સ્ટૉકમાં વધુ વળતર મળ્યું ન હોય એને વેચી દેવાનો વિચાર આવે એ સ્વાભાવિક છે, પરંતુ એ નિર્ણય લેતાં પહેલાં પૂરતો વિચાર કરી લેવો આવશ્યક છે. જેમાં વધુ વળતર મળ્યું ન હોય એવા મ્યુચ્યુઅલ ફન્ડમાંથી તરત જ ઉપાડ કરી લેવો જોઈએ નહીં. એમાં બીજા દોઢેક વર્ષ સુધી રાહ જોવી જોઈએ. ખરું પૂછો તો, તમારી ધારણા પ્રમાણે વળતર મળ્યું ન હોય એને ઓછું વળતર કહેવાય નહીં. વળતર બાબતે તટસ્થતાપૂર્વક વિચાર કરવાનો હોય છે. એના માટે સમાન શ્રેણીનાં અન્ય ફન્ડ્સ સાથે તુલના કરવાની હોય છે. જો તમારા ફંડમાં વળતર ઘટ્યું હોય, પરંતુ એ જ શ્રેણીનાં અન્ય ફન્ડ્સની સરખામણીએ ઓછો ઘટાડો થયો હોય તો તમારે પોતાના ફંડમાંથી નાણાં ઉપાડી લેવાય નહીં.
અહીં જણાવવું રહ્યું કે તમારાં નાણાકીય લક્ષ્યોમાં ફેરફાર થાય ત્યારે પણ પોર્ટફોલિયોની સમીક્ષા અગત્યની બની રહે છે. દા.ત. તમે નિવૃત્તિકાળને ૧૦થી ૧૫ વર્ષ બાકી હોય એવા સમયે ઇક્વિટી ફન્ડમાં રોકાણ શરૂ કર્યું હોય અને જો નિવૃત્તિનાં બે વર્ષ પહેલાં જ તમારા લક્ષ્ય જેટલાં નાણાં ભેગાં થઈ ગયાં હોય તો તમારે ભેગી થયેલી રકમનો વધુ હિસ્સો નિશ્ચિત આવકની પ્રોડક્ટ્સમાં રોકવો જોઈએ.
આ વિષયના હજી કેટલાક અગત્યના મુદ્દા બાકી રહી ગયા છે, જેના વિશે આપણે આવતા વખતના લેખમાં વાત કરીશું.