નવા વર્ષમાં લેવાના વિવિધ પ્રકારના વીમા

04 January, 2023 03:38 PM IST  |  Mumbai | Khyati Mashru Vasani

નવું વર્ષ હોય કે જૂનું, દરેક વર્ષમાં આ વીમા અકબંધ હોવા જોઈએ, જેથી વર્તમાન અને આગામી બધાં વર્ષોમાં આર્થિક રક્ષણ મળી શકે. તમારા પોર્ટફોલિયોમાં આ અગત્યના વીમા હોવા જોઈએ. 

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

નવા વર્ષમાં સમયનું પાલન કરવું, વજન ઉતારવું, બચત કરવી વગેરે અનેક સંકલ્પો લેવાતા હોય છે. આજે આપણે વીમા બાબતે લેવાના સંકલ્પોની વાત કરીએ. નવું વર્ષ હોય કે જૂનું, દરેક વર્ષમાં આ વીમા અકબંધ હોવા જોઈએ, જેથી વર્તમાન અને આગામી બધાં વર્ષોમાં આર્થિક રક્ષણ મળી શકે. તમારા પોર્ટફોલિયોમાં આ અગત્યના વીમા હોવા જોઈએ. 

૧. આરોગ્ય વીમો : તમે કોઈ એક વ્યક્તિ માટે અથવા પરિવાર માટે આ વીમો ખરીદી શકો છો. સામાન્ય રીતે પરિવારના દરેક સભ્ય માટે આરોગ્ય વીમો લેવાનો હોય છે. ન કરે નારાયણ ને કોઈ પરિવારજનને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે તો આરોગ્ય વીમો આર્થિક રક્ષણ આપનારો બની રહે છે. એમાં હૉસ્પિટલનું બિલ, ઍમ્બ્યુલન્સનો ખર્ચ, દવાનો ખર્ચ વગેરે અનેક ખર્ચ આવરી લેવાતા હોય છે. વર્તમાન સમયમાં તબીબી સારવાર મોંઘી થઈ ગઈ હોવાથી આરોગ્ય વીમો અનિવાર્ય બની ગયો છે. 

૨. જીવન વીમો : આરોગ્ય વીમો પરિવારના દરેક સભ્યનો હોવો જોઈએ, જ્યારે જીવન વીમો મુખ્યત્વે ઘરની કમાનારી વ્યક્તિઓ માટે જ લેવામાં આવતો હોય છે. કમાતી વ્યક્તિના અવસાનના સંજોગોમાં પરિવારના જીવનનિર્વાહ માટે જરૂરી રકમ પ્રાપ્ત કરવા માટે જીવન વીમો ઉપયોગી થાય છે. આ વીમાની પૉલિસીઓ અલગ-અલગ પ્રકારની હોય છે, જેમાં ટર્મ પ્લાન, એન્ડોવમેન્ટ પ્લાન, મની બૅક પ્લાન, યુનિટ લિન્ક્ડ ઇન્શ્યૉરન્સ પ્લાનનો સમાવેશ થાય છે. આજની તારીખે ભારતમાં ટર્મ પ્લાન સૌથી સસ્તો પ્લાન હોય છે. એમાં ઓછા પ્રીમિયમે વધુ રિસ્ક કવર મળે છે.

૩. પર્સનલ ઍક્સિડન્ટ વીમો : સામાન્ય રીતે જીવન વીમામાં ઍડ ઑન કવર તરીકે આ વીમો મળતો હોય છે. આજકાલ અલગથી પર્સનલ ઍક્સિડન્ટ વીમો લેવાનું ચલણ પણ વધ્યું છે. સામાન્ય રીતે જીવન વીમાનું જે રિસ્ક કવર હોય એ ઍડ ઑન કવર દ્વારા પર્સનલ ઍક્સિડન્ટમાં બમણું થઈ જતું હોય છે. અકસ્માતમાં મૃત્યુ થાય, દવાનો ખર્ચ થાય, આવક ગુમાવવી પડે કે પંગુતાને લીધે બીજા ખર્ચ થાય એ બધા આ પૉલિસી હેઠળ આવરી લેવાતા હોય છે. 

૪. ક્રિટિકલ ઇલનેસ વીમો : વર્તમાન યુગમાં ઘણા લોકોને ગંભીર બીમારીઓ થાય છે. આ બીમારીઓને તબીબી ભાષામાં ક્રિટિકલ ઇલનેસ કહેવાય છે. કૅન્સર, પક્ષાઘાત, હૃદયરોગનો હુમલો, કિડની ફેલ્યર વગેરે જેવી બીમારીઓનો ક્રિટિકલ ઇલનેસમાં સમાવેશ થાય છે. તમે જેટલી રકમનો વીમો લીધો હોય એટલી પૂરેપૂરી રકમ તમને આ બીમારીઓનું નિદાન થયે પ્રાપ્ત થઈ જાય છે. તમારો સારવારનો ખર્ચ ઓછો આવે કે વધારે આવે, તમને વીમામાં નિશ્ચિત થયેલી રકમ મળતી હોય છે. ગંભીર બીમારીની સ્થિતિમાં આવી પડતા આર્થિક સંકટનો સામનો કરવામાં આ પૉલિસી ઉપયોગી થાય છે. 

૫. વાહનનો વીમો : ભારતમાં કાર, મોટરસાઇકલ અને કમર્શિયલ વેહિકલ ખરીદવામાં આવે ત્યારે એની સાથે ઓછામાં ઓછું થર્ડ પાર્ટી ઇન્શ્યૉરન્સ કવર લેવાનું ફરજિયાત છે. વાહન લીધા બાદ એને માર્ગ અકસ્માતમાં કોઈ નુકસાન થાય, વાહનની ચોરી થઈ જાય, કુદરતી કે મનુષ્યસર્જિત દુર્ઘટનાઓને લીધે નુકસાન થાય, આગ કે વિસ્ફોટમાં હાનિ થાય અથવા થર્ડ પાર્ટીની 
પ્રૉપર્ટીને નુકસાન થાય ત્યારે આ વીમો ઉપયોગી થાય છે. થર્ડ પાર્ટીની સાથે-સાથે પોતાના નુકસાનને આવરી લેનારો સર્વાંગી વાહન વીમો પણ ખરીદી શકાય છે. તમે જૂના વાહન સંબંધે ક્યારેય કોઈ ક્લેમ કર્યો ન હોય તો તમને નવા વાહન માટે નો ક્લેમ બોનસ પણ મળી શકે છે. 

૬. ઘરનો વીમો : મુંબઈ જેવા શહેરમાં માણસ આયુષ્યભરની મહેનતથી માંડ એક ઘર ખરીદી શકતો હોય છે. આવા આ સૌથી મોટા ખર્ચ બાદ ઘરમાં શાંતિપૂર્વક રહેવા મળે એ જરૂરી છે. ઘરનો વીમો ઘરને અનેક સ્થિતિમાં થનારા નુકસાન સામે રક્ષણ પૂરું પાડે છે. ઘરને અથવા એમાં રહેલી વસ્તુઓને કોઈ હાનિ થાય તો એની સામેનું રક્ષણ આ વીમા હેઠળ મળે છે. અહીં જણાવવું રહ્યું કે ઘરમાં પહેલેથી નબળું બાંધકામ હોય તો એને લીધે રહેલી માળખાકીય ખામીઓની સામે રક્ષણ મળતું નથી. 

ઉક્ત વીમા ખરીદ્યા બાદ નવા વર્ષને તમે આનંદપૂર્વક માણી શકશો એ નિશ્ચિત છે. 

business news