06 January, 2025 12:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કેવન પારેખ
ભારત અને ભારતીયો ‘અપના ટાઇમ આ ગયા હૈ’ એવું હવે વિશ્વાસપૂર્વક કહી શકે છે. વિશ્વની સંખ્યાબંધ વિખ્યાત અને અગ્રણી કંપનીઓના વડા તરીકે મૂળ ભારતીયો બિરાજી રહ્યા છે. એમાં હવે ઍપલ કંપનીના ચીફ ફાઇનૅન્શ્યલ ઑફિસર (CFO) બનેલા કેવન પારેખનું નામ જોડાયું છે. આ પહેલી જાન્યુઆરીથી ઍપલના CFO બનેલા કેવન પારેખને વર્ષે ૮.૫૭ કરોડ રૂપિયાનો પગાર ચૂકવાશે એવું પણ જાહેર થયું છે.
પારેખ જૂન ૨૦૧૩માં ઍપલ કંપનીમાં જોડાયા હતા. અત્યાર સુધીમાં તેમણે ફાઇનૅન્શ્યલ પ્લાનિંગ ઍન્ડ ઍનૅલિસિસ, સેલ્સ, માર્કેટિંગ અને રીટેલના વાઇસ પ્રેસિડન્ટ તરીકે કામગીરી બજાવી છે. ૧૯૭૨માં જન્મેલા મૂળ ભારતીય કેવન પારેખ યુનિવર્સિટી ઑફ મિશિગનમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા બાદ યુનિવર્સિટી ઑફ શિકાગોમાંથી MBA કરી ચૂક્યા છે. ઍપલમાં જોડાતાં પહેલાં તેઓ થૉમ્સન રૉઇટર્સ અને જનરલ મોટર્સમાં ઊંચા હોદ્દા પર કાર્યરત હતા. ઍપલમાં CFO તરીકે તેઓ લ્યુકા મેસ્ત્રીના અનુગામી બન્યા છે. ઍપલ કંપનીએ પારેખના નામની જાહેરાત ગત ૨૭ ઑગસ્ટે જ કરી દીધી હતી.
ઍપલના CEOએ શું કહ્યું કેવન પારેખ વિશે?
કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) ટિમ કુકે નિવેદનમાં કહ્યું હતું કે કેવન પારેખ એક દાયકા કરતાં વધારે સમયથી ઍપલમાં ફાઇનૅન્સ ક્ષેત્રે અનિવાર્ય બની ગયા છે, તેઓ કંપનીને ખૂબ જ સારી રીતે જાણે છે; તેઓ પોતાની વિચક્ષણ બુદ્ધિપ્રતિભા, સમજણશક્તિ અને નાણાકીય વિદ્વત્તાને કારણે ઍપલના CFO તરીકે શ્રેષ્ઠ પસંદગી બન્યા છે.