આઇપીઓ અને બજારમાં નાણાંનો ધરખમ ધોધ, ઇકૉનૉમીમાં જબ્બર ગ્રોથ

04 December, 2023 08:39 AM IST  |  Mumbai | Jayesh Chitalia

શૅરબજારના તેજીના ટ્રેન્ડ સાથે આઇપીઓનું માર્કેટ ધમધમતું થયું છે. પબ્લિક ઇશ્યુ અનેકગણા છલકાવાના કિસ્સા ચર્ચાનો વિષય બનવા લાગ્યા છે. રોકાણકારોનો રસ એટલો વધી રહ્યો છે કે તેઓ આઇપીઓને છપ્પર ફાડીને નાણાં આપી રહ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

તાજેતરમાં ચોક્કસ આઇપીઓએ બજારમાં ધૂમ મચાવીને માર્કેટને અને ઇન્વેસ્ટર્સને નવા જ રંગ અને ઉમંગ આપ્યા છે. તાતા ટેક્નૉના ઇશ્યુની ચર્ચા વિશેષ રહી અને એને પરિણામે બીજા કેટલાક ઇશ્યુ પણ ચર્ચા અને રસનો વિષય બન્યા. આમ પણ સેકન્ડરી માર્કેટમાં ઊંચા વૅલ્યુએશન જણાતાં રોકાણકારોને નવા વિકલ્પો જોઈતા હતા, જે આઇપીઓ માર્ગે મળ્યા. આની અસર એ થઈ કે લાખો કરોડ રૂપિયાનું ભંડોળ નવા ઇશ્યુઓ તરફ વહેતું રહ્યું. જોકે મોટા ભાગના ઇશ્યુઓને મળેલા અસાધારણ પ્રતિભાવને જોઈએ એટલું ચોક્કસ ચર્ચામાં આવ્યું કે બજારમાં લોકો પાસે નાણાભંડોળ અને પ્રવાહિતા જોરમાં-જોશમાં છે. એટલું જ નહીં, રોકાણકારોનો પણ ટ્રસ્ટ વધ્યો છે. આને ઉત્સાહનો અતિરેક પણ કહી શકાય, પરંતુ ઇશ્યુ જે પ્રમાણમાં છલકાયા છે એ અચંબો પમાડે એવા છે. મહત્ત્વની વાત એ છે કે આમાંથી ઘણી કંપનીઓ મૂડીખર્ચ માટે માર્કેટમાં આવી છે, જે ઇકૉનૉમી માટે સારા સંકેત ગણાય. 

અર્થતંત્રમાં વધતો વિશ્વાસ
મૂડીબજાર માટે વધુ એક મહત્ત્વની બાબત એ પણ નોંધવી જોઈએ કે ભારતીય અર્થતંત્રના વિકાસમાં સતત વિશ્વાસનું લેવલ ઊંચું જઈ રહ્યું છે. કંપનીઓ ગ્રોથનો સારો લાભ લઈ શકશે એ આશાએ કંપનીઓની ઇ​ક્વિટીમાં વિશ્વાસ વધી રહ્યો છે. હાલ સેબીમાં ૭૭ જેટલા ડ્રાફ્ટ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ ફાઇલ થયા છે, જેમાંથી ૨૯ કંપનીઓને મંજૂરી મળી છે. ઘણી કંપનીઓ આગામી ટૂંક સમયમાં લિસ્ટેડ થવાની છે. તાજેતરમાં તાતા ટેક્નૉ સહિતની કેટલીક કંપનીઓમાં ઇશ્યુ જે પ્રમાણમાં છલકાયા અને લિસ્ટિંગમાં એના જે ભાવો ખૂલ્યા તેણે સોનામાં સુગંધ ભેળવી દેવાનું કામ કર્યું છે.  

ઇન્વેસ્ટર્સ કઈ ભૂલો કરે છે?
જોકે આ ઉત્સાહ સાથે પણ રોકાણકારો શું ભૂલ કરે છે એ સમજી લેવું જોઈએ. ઘણા ખરા માત્ર લિસ્ટિંગ ગેઇન માટે અરજી કરે છે. અર્થાત્ શૅર ફાળવવામાં આવે અને લિસ્ટિંગમાં ભાવ સારો મળે તો વેચીને નીકળી જવાનો તેમનો અભિગમ હોય છે. બીજું, ઘણા રોકાણકારો ગમે એ આઇપીઓમાં અરજી કરી બેસે છે, તેમને બધા આઇપીઓમાં કમાણી થશે એવો ભ્રમ હોય છે. ખરેખર તો સારા આઇપીઓમાં તરત નફાના બુકિંગને બદલે હોલ્ડ કરી રાખવા જોઈએ. આઇપીઓ લાવનાર કંપનીઓના ટ્રેકરેકૉર્ડ, મૅનેજમેન્ટ જોઈને અરજી કરવી જોઈએ, માત્ર તેજી જોઈને નહીં. સારી કંપનીઓના ભાવ લિસ્ટિંગ વખતે નીચે જાય તો પણ શૅર જાળવી રાખવા જોઈએ. ઇન-શૉર્ટ, ઇશ્યુના ક્રેઝ નહીં, ફન્ડામેન્ટલ્સ પર ધ્યાન રાખવું હિતાવહ છે. ઘણા વળી આઇપીઓ ફાઇનૅન્સ મેળવીને અરજી કરતા હોવાથી લિસ્ટિંગ પર જે મળે-નફો કે નુકસાન લઈ નીકળી જતા હોય છે. સેબી પોતે માને છે કે આઇપીઓના શૅરના ભાવ યોગ્ય રીતે નક્કી થતા નથી, એને ઘણી વાર બિનસત્તાવાર માર્કેટમાં ચગાવવામાં આવે છે, જેને કારણે રોકાણકાર વર્ગ ગેરમાર્ગે દોરાઈ જાય છે.

શું ધ્યાન રાખવું જોઈએ?
આઇપીઓ લાવતી કંપનીઓ કયા સેક્ટરની છે? કયા ગ્રુપ અને કેવા મૅનેજમેન્ટ હેઠળની છે? એના સેક્ટરમાં હાલ કેટલી અને કેવી કંપનીઓ કાર્યરત છે? એમાં સ્પર્ધા કેવી છે? ડિમાન્ડ-સપ્લાયની સ્થિતિ શું છે? ભાવિ સ્કોપ કેટલો છે? કંપની સામેનાં જોખમી પરિબળો કયાં અને કેવાં છે? કંપનીના હરીફો કેવા મજબૂત છે? અર્થતંત્રના બદલાતા સંજોગો અને ગ્લોબલાઇઝેશનના માહોલમાં કંપની કેટલું ટકી શકવા સમર્થ છે? એનું વિઝન શું છે? લક્ષ્ય શું છે? એના ગ્રુપની અન્ય કંપનીઓના ટ્રેકરેકૉર્ડ કેવા રહ્યા છે? વગેરે જેવી બાબતો પણ ધ્યાનમાં લેવી જોઈએ. જોકે વ્યવહાર-જગતમાં મોટા ભાગના રોકાણકારોને આ બધું સમજવું નથી, તેમને તો શૅર લાગે અને લિસ્ટિંગમાં ઊંચા ભાવ ખૂલે કે નફો લઈ નીકળી જવું હોય છે. એમ છતાં અમારું માનવું છે કે આ દૃષ્ટિ શૉર્ટ ટર્મની છે, રોકાણકારોએ નફો બુક કરવો પણ હોય તો ટૅક્સની અસર વિચારવી જોઈએ. જેમને શૅરની ફાળવણી મળી નથી, તેઓ લિસ્ટિંગ બાદ પણ બજારમાંથી શૅર ખરીદવાનો અભિગમ અપનાવી શકે છે, જો તેમની મધ્યમ કે લાંબા ગાળાની તૈયારી હોય તો આ તક પણ ઉપાડવી જોઈએ. કંપનીના ફન્ડા સારા છે તો લાંબે ગાળે નવો લાભ થશે જ.  

સારા સમાચારોનો પ્રવાહ પણ જોરમાં
માર્કેટ આ વખતે નવા રેકૉર્ડ બનાવવાના મૂડમાં છે. મંગળવારે દેશના જીડીપી દર માટે સારા સંકેતને પગલે બજારે તેજીના ટ્રેન્ડને જાળવી રાખતાં સેન્સેક્સ ૨૦૫ પૉઇન્ટ વધીને ૬૬ હજાર ઉપર બંધ રહ્યો અને નિફ્ટી ૯૫ પૉઇન્ટની વૃ​દ્ધિ સાથે ૧૯,૮૯૦ બંધ રહ્યો હતો. વધુ એક પૉઝિટિવ અહેવાલ એ હતા કે યુએસ ફેડરલ ગવર્નમેન્ટ રિટાયરમેન્ટ-પેન્શન ફન્ડનું જંગી રોકાણ ભારતીય માર્કેટમાં આવવાની શક્યતા છે. આવા વિવિધ દેશોના પેન્શન ફન્ડ વિકસિત માર્કેટમાંથી શિફટ થઈ વિકસતી બજારોમાં આવી રહ્યાં છે, જયાં ગ્રોથની સંભાવના ઊંચી જણાય છે, જેમાં ભારત અગ્રક્રમે છે. ઇન શૉર્ટ, ભારતીય માર્કેટમાં રોકાણ પ્રવાહ સતત વહેતો રહેવાના અહેવાલ અને આશાવાદે બજાર સતત ઊંચકાઈ રહ્યો છે. એથી જ જયારે પણ કડાકા કે મોટું કરેક્શન આવે કે ખરીદીની તક ઝડપી લેવામાં શાણપણ રહેશે.  

સંગીનતા અને સે​ન્ટિમેન્ટ મજબૂત
આ વાતને સમર્થન આપતી બજાર બુધવારે જબ્બર ઉછાળા સાથે બંધ થઈ હતી. સેન્સેક્સ ૭૨૭ પૉઇન્ટ અને નિફટી ૨૦૭ પૉઇન્ટ પ્લસ થયા, નિફટીએ ૨૦ હજારનું લેવલ વટાવ્યું હતું. ગુરુવારે પણ પૉઝિટિવ ચાલ સાથે માર્કેટ વધવાતરફી જ રહ્યું હતું. જીડીપી ગ્રોથ રિઝર્વ બૅન્કની ધારણા કરતાં ઘણો ઊંચો આવતાં ઇકૉનૉમીની સંગીનતા વધુ પુરવાર થઈ રહી છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વૉર્ટર માટે જાહેર થયેલો ૭.૬ ટકાનો જીડીપી દર ૬.૫ ટકાની અપેક્ષા કરતાં બહુ બહેતર છે. જીએસટી કલેક્શનની ઊંચાઈ ચાલુ રહી છે. માર્કેટને બૂસ્ટ કરવામાં આવાં વધુ મજબૂત પરિબળોનો પ્રવાહ મોટી ભૂમિકા ભજવી શકે. જેની પહેલી અસર રૂપે શુક્રવારે સેન્સેક્સની ૪૯૨ પૉઇન્ટ અને નિફટીની ૧૩૪ પૉઇન્ટની વૃ​દ્ધિ સાથે તેજીના આંક નવી ઊંચાઈ પર પહોંચ્યા હતા. 
આમ પ્રાઇમરી અને સેકન્ડરી માર્કેટ બન્નેનો બુલિશ ટ્રેન્ડ અર્થતંત્રની મજબૂતી અને ગ્લોબલ વિશ્વાસ-આશાવાદની પ્રતીતિ કરાવે છે. અહીં રાજી થવા સાથે સાવચેત રહેવું પણ જરૂરી છે. અત્યારે તો ભારતીય માર્કેટમાં ચારેકોરથી નાણાંનો સાગર ઠલવાઈ રહ્યો હોવાનું દેખાય છે, જેમાં ભારતીય ઇકૉનૉમીના નક્કર વિકાસ અને વિશ્વાસનું પ્રતિબિંબ પડે છે. જોકે હવે માર્કેટમાં ક્યાંક કરેક્શનની જરૂર છે અને એ નવા સપ્તાહમાં આવી શકે છે.

વીચાર-ટીપ                                                                                                                                                                                                                                        બજારની તેજીની દોડમાં ઘોડા સાથે ગધેડા પણ દોડતા હોય છે, કયા ઘોડા અને કયા ગધેડા એ રોકાણકારોએ પોતે ઓળખવા પડે.

stock market national stock exchange bombay stock exchange world trade centre share market nifty sensex business news