01 October, 2024 12:31 PM IST | Mumbai | Kanu J Dave
પ્રતીકાત્મક તસવીર
એક દિવસમાં રોકાણકારોના 3 લાખ કરોડ રૂપિયા માઇનસ, આવતી કાલે ગાંધી જયંતીની રજા, ચીનમાં એક સપ્તાહની રજા, એનએસઈની સબસિડિયરીને સેબીએ દંડી
બીજી ઑક્ટોબર ને બુધવારે મિડ-વીક રજાવાળા સપ્તાહની શરૂઆત જ નિફ્ટીમાં ઘટાડાનો દોર આગળ વધવા સાથે થતાં ઇન્ડેક્સ 368.10 પૉઇન્ટ્સ, 1.41 ટકાના ઘટાડે 26,000ની સપાટી ગુમાવી 25,810.85 બંધ રહ્યો હતો. 26,061.30 ખૂલી શરૂઆતમાં જ વધીને 26,134.70 સુધી ગયા પછી આખો દિવસ માઇનસ ઝોનમાં રહી 25,794.10નો લો બનાવી અંતે 25,810.85 બંધ રહ્યો હતો. પરિણામે શુક્રવારે જોવા મળેલ 26,277.35નો નવો રેકૉર્ડ હાઈ રેકૉર્ડ પર રહ્યો હતો. સેન્સેક્સનો ૨૭મી ને શુક્રવારે જોવા મળેલો 85,978.25નો રેકૉર્ડ હાઈ પણ ક્રૉસ થયો નહોતો. સેન્સેક્સ 84,299.78ના સ્તરે 1272.07 પૉઇન્ટ્સ, 1.49 ટકાના ગાબડા સાથે બંધ રહ્યો હતો. આપણા બજારના બે મહિનાના આ સૌથી મોટા દૈનિક ઘટાડા માટે સ્ટિમ્યુલસનાં અનેક પગલાંઓના જોરે ચીનના બજારમાં આવેલો જોરદાર ઉછાળો જવાબદાર ગણાય છે. રિલાયન્સ, આઇસીઆઇસીઆઇ બૅન્ક, એચડીએફસી બૅન્ક અને ઍક્સિસ બૅન્ક સહિતના હેવી વેઇટ્સમાં આવેલી ભારે વેચવાલી જોવા મળી હતી. FIIએ આપણા બજારમાં 9791.93 કરોડ રૂપિયાની નેટ વેચવાલી કરી અમુક ફન્ડ્સ ચીન તરફ, એ બજાર આજે મંગળવારથી એક સપ્તાહ માટે રજા પાળે એ પૂર્વે જ લઈ ગયાં હોવાની હવા હતી. ડીઆઇઆઇએ 6645.80 કરોડ રૂપિયાની નેટ ખરીદી કરી હોવા છતાં મુખ્ય ઇન્ડેક્સ આટલા ઘટ્યા હોવાથી એમની ખરીદી મિડકૅપ્સમાં થઈ હોવાનું અનુમાન કરાતું હતું. ચીનનો શાંઘાઇ કમ્પોઝિટ આંક આઠ ટકા સુધરી 3336 થઈ ગયો હતો. શેન્ઝેન કમ્પોનન્ટ ઇન્ડેક્સ 10.67 ટકા, શાંઘાઈનો ટેક હેવી સ્ટાર-50 ઇન્ડેક્સ 17.88 ટકા તો શેન્ઝેનનો એવો જ ઇન્ડેક્સ સીનેક્સ્ટ (આપણે ચીનેક્સ્ટ બોલી શકીએ) 15.36 ટકા ઊછળ્યો હતો. સોમવારની સવાર એશિયન બજારોમાં જાતજાતના સમાચારોને ડિસ્કાઉન્ટ કરવા સાથે થઈ હતી. જપાનમાં સત્તાધારી લિબરલ ડેમોક્રેટ્સ પક્ષે ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન શિગેરુ ઇસીબાને આજથી વડા પ્રધાન બનાવવાનો નિર્ણય જાહેર કર્યો હતો. વર્તમાન વડા પ્રધાન ફુમિઓ કિશિદા સત્તા છોડી દેશે. નવા વડા પ્રધાનની આર્થિક નીતિઓ માર્કેટ ફ્રેન્ડ્લી ન હોવાનું મનાય છે. પરિણામે જપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 4.80 ટકા ગબડી 37,919.55 થઈ ગયો હતો. બૅન્ક ઑફ જપાનના વ્યાજના દર લગભગ શૂન્ય સ્તરે છે એ વધારવાની તરફેણમાં ઇસીબા છે. ઉપરાંત તેમણે કૉર્પોરેટ ટૅક્સ વધારવાની વાત ભૂતકાળમાં કરી હોવાથી એનો પણ બજારમાં ગભરાટ હતો. ઉપરાંત ડૉલર સામે યેન મજબૂત થવાથી મોટા ભાગે નિકાસો પર નિર્ભર જૅપનીઝ કંપનીઓના શૅરોમાં વેચવાલીનું મોજૂં જોવા મળ્યું હતું. ટોયોટામાં સાડાત્રણ ટકા, હોન્ડામાં 4 ટકા અને નિસ્સાનના શૅરમાં 6 ટકાનો ઘટાડો જોવાયો હતો. ઘરઆંગણે નિફ્ટીનો હીરો મોટોકૉર્પ 3.28 ટકા ઘટી 5726 રૂપિયા થઈ ગયો હતો. ચીનના મેઇનલૅન્ડ શૅરોના ઉછાળાને ઝીલીને હૉન્ગકૉન્ગનો હૅન્ગસૅન્ગ અઢી ટકા સુધરી 21,133.68ના સ્તરે વિરમ્યો હતો. હૅન્ગસૅન્ગ મેઇનલૅન્ડ પ્રૉપર્ટી ઇન્ડેક્સ ચીનના સત્તાવાળાઓએ ચીન મેઇનલૅન્ડનાં અનેક શહેરોના પ્રૉપર્ટી માર્કેટને બૂસ્ટ મળે એવાં પગલાં જાહેર કર્યાં હોવાના સમાચારે સાડાછ ટકા સુધરી 1475 થઈ ગયો હતો. આ સ્ટિમ્યુલસની શુકનવંતી જાહેરાત ચીનના સત્તાવાળાઓએ દેશમાં કમ્યુનિસ્ટ શાસનનાં 75 વર્ષ પૂરાં થયાંની ખુશીમાં 1થી 7 ઑક્ટોબર સુધી એક સપ્તાહના રાષ્ટ્રીય રજા સપ્તાહની કરેલી જાહેરાતના પગલે લોકો લૉન્ગ વેકેશન પર જતા હતા ત્યારે જ કરી હતી. ચીનના સુધારા પાછળ નિફ્ટીના મેટલ શૅર જેએસડબ્લ્યુ 2.84 ટકા વધી 1030 રૂપિયા, હિન્દાલ્કો 1 ટકો વધી 755 રૂપિયા અને તાતા સ્ટીલ 0.94 ટકા સુધરી 168.11 રૂપિયા બંધ હતા. નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી અને મિડકૅપ સિલેક્ટમાં ઘટાડો એક ટકાથી ઓછો હતો. નેક્સ્ટ 50 ઇન્ડેક્સ 0.92 ટકા ઘટી 77,095 અને મિડકૅપ સિલેક્ટ ઇન્ડેક્સ 0.80 ટકાના ડિક્લાઇને 13,223ના સ્તરે બંધ રહ્યા હતા. બૅન્ક નિફ્ટી 1.59 ટકા અને નિફ્ટી ફાઇનૅન્શિયલ ઇન્ડેક્સ 1.72 ટકા ઘટી અનુક્રમે 52,978 અને 24,480ના લેવલે બંધ હતા. નિફ્ટીના રિલાયન્સમાં 3.09 ટકા, ભારત ઇલેક્ટ્રૉનિક્સમાં 3.08 ટકા, ઍક્સિસ બૅન્કમાં 3.26 ટકા અને ટ્રેન્ટમાં સાડાત્રણ ટકાનો ઘટાડો થતાં ભાવ અનુક્રમે 2958, 284, 1231 અને 7560 રૂપિયા બંધ રહ્યા હતા. ભારતી ઍરટેલ સ્પેક્ટ્રમ દેવાં પેટે સરકારના ડોટને વહેલાસર 8465 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. શૅર સવા ટકો ઘટીને 1713 રૂપિયા બંધ હતો.
એનએસઈના 77માંથી 39 ઇન્ડેક્સ પ્લસમાં વિરમ્યા એમાં ઑઇલ ઍન્ડ ગૅસ ઇન્ડેક્સ 2.37 ટકા, નિફ્ટી પીએસઈ 1.51 ટકા, હેલ્થકૅર 1.25 ટકા, ફાર્મા 1.15 ટકા અને નિફ્ટી એનર્જી 0.91 ટકાના પ્રમાણમાં સુધર્યા હતા.
નિફ્ટીના 10 (29) શૅર વધ્યા અને 39 (20) ઘટ્યા હતા. નિફ્ટી નેક્સ્ટ 50ના 50માંથી 11 (32), નિફ્ટી બૅન્કના 12માંથી 3 (6), નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસના 20માંથી 1 (9) અને મિડકૅપ સિલેક્ટના 25માંથી 10 (18) શૅરો સુધર્યા હતા. સેન્સેક્સના 30માંથી 5 (16) અને બૅન્કેક્સના 10માંથી 1 (6) શૅરો વધ્યા હતા. એનએસઈના વેબસાઇટ પરની માહિતી અનુસાર 2896 (2895) ટ્રેડેડ શૅરોમાંથી 1154 (1420) વધ્યા, 1668 (1391) ઘટ્યા અને 74 (84) સ્થિર રહ્યા હતા. બાવન સપ્તાહના નવા હાઈ 160 (164) શૅરોએ અને નવા લો 72 (41) શૅરોએ નોંધાવ્યા હતા. ઉપલી સર્કિટે 125 (105) તો નીચલી સર્કિટે 108 (63) શૅરો ગયા હતા.
FIIની જંગી નેટ વેચવાલી, એક દિવસમાં રોકાણકારોના 3 લાખ કરોડ રૂપિયા ઘટ્યા
સોમવારે એફઆઇઆઇની 9791.93 કરોડ રૂપિયાની નેટ વેચવાલી સામે ડીઆઇઆઇની 6645.80 કરોડ રૂપિયાની નેટ લેવાલી રહેતાં સમગ્રતયા 3146.13 કરોડ રૂપિયાની નેટ વેચવાલી કૅશ સેગમેન્ટમાં જોવા મળી હતી. બીએસઈ લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન 3 લાખ કરોડ રૂપિયા ઘટી 474.35 (477.93) લાખ કરોડ રૂપિયાના સ્તરે હતું.
ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશને 22 હજાર કરોડ રૂપિયાનો પ્રસ્તાવિત રાઇટ ઇશ્યુ પડતો મૂક્યો
ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશને એનો પ્રસ્તાવિત 22 હજાર કરોડ રૂપિયાનો રાઇટ ઇશ્યુ પાછો ખેંચવાનો નિર્ણય બોર્ડ મીટિંગમાં લેવાયાની એક્સચેન્જોને જાણ કરી હતી. શૅરનો ભાવ 32 પૈસા ઘટીને 179.69 રૂપિયા રહ્યો હતો.
સેબીએ એનએસઈની સબસિડિયરી કંપની એનએસઈ ડેટા ઍન્ડ ઍનૅલિટિક્સને બાર લાખ રૂપિયાનો દંડ વિવિધ ક્ષતિઓ અને નિયમભંગ બદલ ફટકાર્યો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં હાથ ધરાયેલી તપાસમાં આ ઊણપો ઉજાગર થઈ હતી. એનએસઈ આઇપીઓ લાવવાની તૈયારી કરે છે ત્યારે બજાર નિયામક તરફથી લેવાતાં આવાં પગલાં એનએસઈની છબીને ઝાંખી પાડી શકે છે.
બ્રોકરેજ ફર્મ આનંદ રાઠી સિક્યૉરિટીઝને પણ એપ્રિલ ૨૦૨૨થી ઑક્ટોબર ૨૦૨૩ દરમ્યાનની ગેરરીતિઓ બદલ સેબીએ 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.