રોકાણકારો NSEના MD અને CEO આશિષકુમાર ચૌહાણના બનાવટી ઑડિયો-વિડિયોથી ચેતે

12 June, 2024 07:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

NSE આવી સામગ્રી સંબંધિત સોશ્યલ મીડિયાનાં પ્લૅટફૉર્મ્સ પરથી દૂર કરવામાં આવે એ માટેના પ્રયત્નો અને વિનંતીઓ કરી રહ્યું છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE) દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ‘NSEના મૅનેજિંગ ડિરેક્ટર (MD) અને ચીફ એ​ક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) આશિષકુમાર ચૌહાણ મૂડીરોકાણ સંબંધિત સલાહ આપતા અને ભલામણ કરતા હોય એવા વિડિયો અને ઑડિયો મીડિયામાં ફરી રહ્યા છે, જે બનાવટી છે. રોકાણકારો આવા ઑડિયો અને વિડિયોથી સાવધ રહે અને તેમની સલાહ કે ભલામણને ન અનુસરે. રોકાણકારો એ નોંધે કે NSEના કર્મચારીઓને કોઈ પણ સ્ટૉકની ભલામણ કરવાની કે કામકાજ કરવાની સત્તા નથી. આ ઓડિયો અને વિડિયો અત્યાધુનિક ટેક્નૉલૉજી દ્વારા આશિષ ચૌહાણના અવાજ અને મુખના હાવભાવની નકલ કરીને બનાવવામાં આવે છે.’

NSE આવી સામગ્રી સંબંધિત સોશ્યલ મીડિયાનાં પ્લૅટફૉર્મ્સ પરથી દૂર કરવામાં આવે એ માટેના પ્રયત્નો અને વિનંતીઓ કરી રહ્યું છે. NSEની પ્રક્રિયા પ્રમાણે કોઈ પણ સત્તાવાર જાહેરાત NSEની સત્તાવાર વેબસાઇટ www.nseindia.com અને નીચે જણાવેલાં સોશ્યલ મીડિયા હૅન્ડલ્સ મારફત જ કરવામાં આવે છે એટલે NSE સંબંધિત કોઈ પણ માહિતીના સ્રોતને ચકાસી લેવાની વિનંતી છે.
ટ્‍વિટર-@NSEIndia, ફેસબુક: @NSE India, ઇન્સ્ટાગ્રામ: @nseindia, લિન્ક્ડઇન: @NSE India, યુટ્યુબ: NSE India.

business news national stock exchange cyber crime social media viral videos