વ્યાજદર અને મજબૂત ડૉલરના કમઠાણમાં વિશ્વબજારોના તાલે સેન્સેક્સમાં નરમાઈ

18 February, 2023 12:16 PM IST  |  Mumbai | Anil Patel

અદાણીના ૧૦માંથી ૬ શૅર વધ્યા, માર્કેટ કૅપમાં વધુ ૧૦,૪૩૬ કરોડ રૂપિયાનું ધોવાણ ઃ બૅન્કિંગના ૩૭માંથી માત્ર બે શૅર સમ ખાવા પૂરતા સુધર્યા, ફાઇનૅન્સ પણ ઢીલું ઃ લાર્સનના જોરમાં કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ સામા પ્રવાહે સુધારામાં રહ્યો, અલ્ટ્રાટેક સિમેન્ટ વર્ષની...

પ્રતીકાત્મક તસવીર

ફેડના ઉચ્ચ પદાધિકારી વતુળો તરફથી ફુગાવાને ડામવા વ્યાજદરમાં વધારાનું ચક્ર ચાલુ રાખવાનો સ્પષ્ટ નિર્દેશ આવતાં અમેરિકન ડાઉ સવા ટકો તથા નૅસ્ડેક પોણાબે ટકા ઘટીને ગુરુવારે બંધ થતાં વિશ્વબજારો વળતા દિવસે એના અનુસરણમાં દેખાયાં છે. સિંગાપોરના અડધા ટકા જેવા સુધારાને બાદ કરતાં તમામ અગ્રણી એશિયન બજારો શુક્રવારે ઘટ્યાં છે. હૉન્ગકૉન્ગ સવા ટકો, સાઉથ કોરિયા એક ટકો, ચાઇના-થાઇલૅન્ડ તથા જપાન પોણા ટકાની આસપાસ અને તાઇવાન અડધો ટકો ડાઉન હતાં. યુરોપ પણ નબળા ઓપનિંગ પછી અડધોથી સવા ટકાની રેન્જમાં રનિંગમાં નીચે દેખાતું હતું. બજારનાં વર્તુળો માને છે કે ફેડમાં અડધા ટકાનો નવો વધારો નક્કી છે. બૉન્ડના યીલ્ડ વધીને ૨૦૨૩ની ટોચે ગયાં છે. ડૉલર વધુ મજબૂત બન્યો છે. 

ઘરઆંગણે બજાર આગલા બંધથી સવાત્રણસો પૉઇન્ટ નીચે ખૂલી ત્યાંથી ૩૦૦ પૉઇન્ટ વધી ૬૧,૩૦૩ થયું હતું. આ ઇન્ટ્રા-ડે ટૉપ પછી બજાર સતત ઘસાતું જઈ નીચામાં ૬૦,૮૧૧ થઈ ૩૧૭ પૉઇન્ટના ઘટાડે ૬૧,૦૦૨ બંધ થયું છે. નિફ્ટી ૯૨ પૉઇન્ટની નરમાઈમાં ૧૭,૯૪૪ હતો. આ સાથે સેન્સેક્સમાં વીકલી ધોરણે ૩૧૯ પૉઇન્ટ અને નિફ્ટીમાં ૮૮ પૉઇન્ટના સુધારા સાથે સપ્તાહ પૂરું થયું છે. સેન્સેક્સ અને નિફ્ટીના અડધા ટકાના સુધારા સામે બૅન્ક નિફ્ટી સપ્તાહમાં ૪૨૮ પૉઇન્ટ કે એક ટકા ડાઉન થયો છે. રિયલ્ટી ત્રણ ટકા ડાઉન તો મેટલ બેન્ચમાર્ક બે ટકા જેવો વધ્યો છે. ડિસ્ક્રિશનરી કન્ઝ્યુમર્સ ગુડ્સ ઇન્ડેક્સ સાતેક ટકા ઊછળ્યો છે. 

ગઈ કાલે બન્ને બજારોનાં સેક્ટોરલ બહુધા નરમાઈમાં હતાં. રિયલ્ટી, આઇટી, ટેક્નૉલૉજી, બૅન્કિંગ, ફાઇનૅન્સ, ટેલિકૉમને લગતાં ઇન્ડાઇસિસ એકથી પોણાબે ટકો માઇનસ હતાં. લાર્સનના જોરમાં કૅપિટલગુડ્સ ઇન્ડેક્સ ૦.૯ ટકા કે ૩૧૦ પૉઇન્ટ ઊંચકાયો છે. હેલ્થકૅરમાં પોણા ટકાની નરમાઈ હતી. માર્કેટ બ્રેડ્થ નબળી પડી છે. એનએસઈમાં ૭૨૫ શૅર પ્લસ, ૧૨૯૦ જાતો નરમ હતી. 
લાર્સન સવાબે ટકા વધી ટૉપ ગેઇનર, નેસ્લેમાં ૬૧૨ રૂપિયાની ખરાબી 

સેન્સેક્સમાં ૩૦માંથી આઠ અને નિફ્ટીના ૫૦માંથી ૧૭ શૅર પ્લસ હતા. લાર્સન અઢી ગણા વૉલ્યુમે ઉપરમાં ૨૨૪૯ બતાવી ૨.૨ ટકાની મજબૂતીમાં ૨૨૨૭ બંધ થતાં સેન્સેક્સને ૫૦ પૉઇન્ટ તથા કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્કને ૩૬૦ પૉઇન્ટનો ફાયદો થયો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ ૭૩૯૧ની વર્ષની ટોચે જઈ ૧૨૯ રૂપિયા કે ૧.૮ ટકા વધી ૭૨૯૯ થયો છે. અન્યમાં ભારત પેટ્રો ૧.૭ ટકા, હીરો મોટોકૉર્પ ૧.૭ ટકા, કોલ ઇન્ડિયા એક ટકો, ગ્રાસિમ પોણો ટકો વધ્યા હતા. રિલાયન્સ સરેરાશ કરતાં અડધા કામકાજે સાધારણ સુધારામાં ૨૪૪૦ રહ્યો છે. 
ઇન્ડ્સ ઇન્ડ બૅન્ક ત્રણ ટકા ગગડ્યો છે તો નેસ્લે બમણા કામકાજે નીચામાં ૧૮,૮૩૮ બતાવી ૩.૧ ટકા કે ૬૧૨ રૂપિયા ખરડાઈને ૧૯,૦૦૯ હતો. મહિન્દ્ર, કોટક બૅન્ક, સ્ટેટ બૅન્ક, ટીસીએસ, એચસીએલ ટેક્નૉ, એચડીએફસી લાઇફ, ભારતી ઍરટેલ, ઇન્ફોસિસ, ઍક્સિસ બૅન્ક, સન ફાર્મા જેવાં કાઉન્ટર એકથી બે ટકા ડૂલ થયાં છે. ટીસીએનએસ ક્લોધિંગ્સ તાજેતરની ખરાબી બાદ ૧૩ ટકાના બાઉન્સ બૅકમાં ૫૦૦, ઈકેઆઇ એનર્જી ૫૧૨ના નવા તળિયે જઈ ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૬૨૬ નજીક બંધ થયો છે. મિન્ડા કૉર્પોરેશન તરફથી પ્રિકોલ લિમિટેડમાં ખુલ્લા બજારમાંથી શૅરદીઠ સરેરાશ ૨૦૯ના ભાવે ૪૦૦ કરોડ રૂપિયામાં ૧૫.૭ ટકા હિસ્સો હસ્તગત કરાયાના અહેવાલમાં પ્રિકોલ ૨૧૯ના શિખરે ગયો હતો, પણ આ માત્ર ઇન્વેસ્ટમેન્ટ છે, ટેકઓવરની વિચારણા નથી એવા નિર્દેશ આવતાં ભાવ ૪.૪ ટકા ગગડી ૧૯૯ રહ્યો છે. મિન્ડા કૉર્પ ઉપરમાં ૨૨૬ વટાવ્યા પછી ૪.૬ ટકા બગડી ૨૦૪ રહ્યા છે. 

અદાણીમાં ૧૦માંથી ૬ શૅરની હૅટ-ટ્રિક, પરંતુ માર્કેટ કૅપમાં ધોવાણ જારી 

અદાણી ગ્રુપના ૧૦માંથી ૬ શૅર વધ્યા છે. ફ્લેગશિપ અદાણી એન્ટર ૪.૨ ટકા ખરડાઈ ૧૭૨૨ના બંધમાં નિફ્ટી ખાતે ટૉપ લૂઝર બન્યો છે. અદાણી પોર્ટ્સ સાધારણ વધી ૫૭૯ હતો. અદાણી પાવર પાંચ ટકાની ઉપલી સર્કિટ મારીને ૧૫૫ થયો છે. અદાણી ટ્રાન્સ. નીચલી સર્કિટે ૯૧૯ નીચે નવા તળિયે જઈ ૪.૯ ટકા ગગડી ૯૨૦ તો અદાણી ટોટલ એક વધુ નીચલી સર્કિટમાં પાંચ ટકા લથડી ૯૭૪ અંદર નવી ઐતિહાસિક નીચી સપાટીએ બંધ હતો. અદાણી ગ્રીન બે ટકાના સુધારામાં ૬૨૯ તથા અદાણી વિલ્મર પાંચ ટકાની તેજીની સર્કિટે ૪૩૮ બંધ આવ્યા છે. એસીસી ૧૮૪૦ના લેવલે યથાવત તો અંબુજા સિમેન્ટ દોઢ ટકો વધી ૩૫૩ હતો. જ્યારે એનડીટીવી એક વધુ ઉપલી સર્કિટમાં પાંચ ટકા ઊછળી ૨૧૭ રહ્યો છે. આ બધાના સરવાળે ગઈ કાલે અદાણી ગ્રુપનું માર્કેટ કૅપ વધુ ૧૦,૪૩૬ કરોડ રૂપિયા ડૂલ થયું છે. આ સાથે છેલ્લા ૧૭ દિવસ દરમ્યાન અદાણીને કુલ મળીને ૧૦,૯૬,૪૯૩ કરોડ રૂપિયાનો જબ્બર અને વિક્રમી ફટકો પડી ચૂક્યો છે. મોનાર્ક દોઢ ટકાના ઘટાડે ૨૩૨, ક્વિન્ટ ડિજિટલ સાધારણ ઘટીને ૯૬ તથા બાબા રામદેવની પતંજલિ ફૂડ્સ બે ટકા ખરડાઈ ૯૧૮ બંધ રહી છે. હિંડનબર્ગ રિપોર્ટ જારી થયાના પૂર્વે, ૨૪ જાન્યુઆરીએ પતંજલિનો શૅર ૧૨૦૬ બંધ રહ્યો હતો. 

બૅન્કિંગ ફાઇનૅન્સમાં વ્યાપક નબળાઈ, બીએસઈ નવા તળિયે 

બૅન્કિંગ-ફાઇનૅન્સ વધુ બગડ્યું છે. બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૨ શૅરની બૂરાઈમાં સવા ટકા કે ૫૦૦ પૉઇન્ટ તથા પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરની ખરાબી સાથે દોઢ ટકા કટ થયો છે. બૅન્કિંગ ક્ષેત્રના ૩૭માંથી ૩૪ શૅર માઇનસ હતા. ઇન્ડ્સ ઇન્ડ બૅન્ક, બંધન બૅન્ક, કરૂર વૈશ્ય બૅન્ક પોણાત્રણથી સવાત્રણ ટકા ડાઉન હતા. જ્યારે આરબીએલ બૅન્ક, ફેડરલ બૅન્ક, એયુ બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, પીએનબી, યુનિયન બૅન્ક, બૅન્ક ઑફબરોડા, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક, સૂર્યોદય સ્મૉલ બૅન્ક પોણાબેથી સવાબે ટકા ડાઉન હતી. કોટક બૅન્ક ૧.૬ ટકા, ઍક્સિસ બૅન્ક સવા ટકો, સ્ટેટ બૅન્ક ૧.૭ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક પોણો ટકો અને એચડીએફસીબૅન્ક અડધો ટકો નરમ હતા. સેન્ટ્રલ બૅન્ક યથાવત હતી. 

ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૩૬માંથી ૧૦૨ શૅરના ઘટાડામાં એક ટકો ઢીલો હતો. બૅન્કિંગનો ભાર સ્પષ્ટ વર્તાતો હતો. આ ઉપરાંત જનરલ ઇન્શ્યૉરન્સ, ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ, ન્યુ ઇન્ડિયા એશ્યૉરન્સ, પૉલિસી બાઝાર, બીએફ ઇન્વેસ્ટમેન્ટ, યુટીઆઇ ઍસેટ મૅનેજમેન્ટ જેવાં કાઉન્ટર ત્રણથી ચાર ટકા બગડ્યાં હતાં. એલઆઇસી ૬૦૨ના સ્તરે ફ્લૅટ હતો. બીએસઈ લિમિટેડ ૪૭૪ની નવી ઐતિહાસિક બૉટમ બનાવી ૧.૭ ટકા ઘટી ૪૭૫ રહ્યો છે. બજાજ ફિન સર્વ એક ટકો ઘટ્યો છે. એચડીએફસી તથા
બજાજ ફાઇનૅન્સમાં સાધારણ પીછેહઠ હતી. ચોઇસ ઇન્ટર. પોણાપાંચ ટકા ઊછળી ૨૭૦ થયો છે. 

ઇન્ફી અને ટીસીએસની આગેવાની હેઠળ આઇટી સેક્ટરમાં નરમાઈ 

હેવી વેઇટ્સ સાથે સાઇડ કાઉન્ટર્સની નબળાઈમાં આઇટી ઇન્ડેક્સ એક ટકો ઘટ્યો છે. ઇન્ફી ૧.૨ ટકો, ટીસીએસ દોઢ ટકો, વિપ્રો એક ટકો, એચસીએલ ટેક્નૉ દોઢ ટકો અને લાટિમ ૧.૮ ટકા ડાઉન હતા. બે દિવસમાં ૧૧ ટકા પ્લસની તેજી બાદ ટેક મહિન્દ્ર નજીવા ઘટાડે ૧૧૨૯ રહ્યો છે. ન્યુક્લિયસ સૉફ્ટવેર તેજીના રંગમાં ૨.૩ ટકા વધી ૫૫૭ થયો છે. તેજસ નેટ, વોડાફોન, ઇન્ડ્સ ટાવર, ઑપ્ટિમસ, એમટીએનએલ, તાતા ટેલીની દોઢથી ચાર ટકાની નબળાઈ સાથે ભારતી ઍરટેલના એક ટકાના ઘટાડામાં ટેલિકૉમ બેન્ચમાર્ક સવા ટકા કટ થયો છે. 
લાર્સનની મજબૂતી ઉપરાંત સેફલર ઇન્ડિયા ૩.૮ ટકા, ટીમકેન ૪.૬ ટકા, ગ્રાઇન્ડવેલ નોર્ટન ૧.૮ ટકા વધતાં કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૦.૯ ટકા સુધર્યો છે. રિયલ્ટી ઇન્ડેક્સ ૧૦માંથી ૭ શૅરની ખરાબીમાં ૧.૯ ટકા ડાઉન હતો. લોઢાની મેક્રોટેક ડેવલપર્સ ૪ ટકા ગગડી ૮૯૭ રહી છે. હેલ્થકૅર બેન્ચમાર્ક ૯૬માંથી ૬૫ શૅરની નબળાઈમાં ૦.૯ ટકા ઢીલો પડ્યો છે, પણ શિલ્પા મેડી ૧૪ ટકાની તેજીમાં ૨૯૬ થઈ છે. સુપ્રિયા લાઇફ આઠ ટકા ઊછળી ૨૧૯ હતી. બાયોકોન સવાચાર ટકા અને ઇપ્કા લૅબ પોણાચાર ટકા માઇનસ હતા. સન ફાર્મા સવા ટકો ઘટી ૯૮૩ થયો છે. દીવીસ લૅબ, સિપ્લા, લુપિન, ટૉરન્ટ ફાર્મા, લૌરસ લૅબ, અપોલો હૉસ્પિટલ્સ, ઓરોબિંદો ફાર્મા પણ માઇનસમાં હતા. અશોક લેલૅન્ડ, ટીવીએસ મોટર્સ તથા મહિન્દ્ર દોઢથી પોણાબે ટકા નરમ હતા. મારુતિ ૮૮૦૬ના લેવલે ફ્લૅટ રહ્યો છે. 

business news sensex stock market