29 March, 2023 04:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
રિટાયરમેન્ટ ફન્ડ બૉડી એમ્પ્લૉઈઝ પ્રોવિડન્ટ ફન્ડ ઑર્ગેનાઇઝેશને એના ૬ કરોડથી વધુ ગ્રાહકો માટે ૨૦૨૨-’૨૩ માટે કર્મચારીઓના પ્રોવિડન્ટ ફન્ડ થાપણો પરના વ્યાજદરને નજીવો વધારીને ૮.૧૫ ટકા કર્યો છે.
માર્ચ ૨૦૨૨માં ઈપીએફઓએ ૨૦૨૧-’૨૨ માટે ઈપીએફ પરના વ્યાજદરને ઘટાડીને ૮.૧૦ ટકાના ચાર દાયકાના નીચા સ્તરે લાવી દીધા હતા, જે અગાઉના વર્ષે ૮.૫ ટકા હતા. બે વર્ષ સુધી સ્થિર રહ્યા બાદ હવે એમાં ૦.૦૫ ટકાનો વધારો કરાયો છે. ઈપીએફનો જૂનો દર વર્ષ ૧૯૭૭-’૭૮ બાદનો સૌથી નીચો દર હતો, એ વર્ષે દર આઠ ટકા હતો.
કેન્દ્રીય શ્રમ પ્રધાન ભૂપેન્દ્ર યાદવની આગેવાની હેઠળની ઈપીએફઓ, સેન્ટ્રલ બોર્ડ ટ્રસ્ટીઝની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થાએ શ્રમ મંત્રાલયે નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩ માટે સભ્યોના ખાતામાં ભંડોળ પર ૮.૧૫ ટકા વાર્ષિક વ્યાજદરની ભલામણ કરી હતી.
નાણાં મંત્રાલયની મંજૂરી પછી વ્યાજદર સત્તાવાર રીતે સરકારી ગૅઝેટમાં સૂચિત કરવામાં આવશે, જેના પગલે પીએફના સબ્સ્ક્રાઇબર્સના ખાતામાં વ્યાજ જમા કરશે, એમ તેણે જણાવ્યું હતું.