02 March, 2024 07:55 AM IST | Mumbai | Vinod Thakkar
ફાઇલ તસવીર
હાલ મુંબઈમાં શહેરી માળખાગત સુવિધાઓનું નિર્માણ અસંખ્ય પ્રમાણમાં પુરજોશમાં ચાલી રહ્યું છે. આખા શહેરમાં મેટ્રોની જાળ બિછાવવામાં આવી રહી છે. વર્લ્ડ ક્લાસ રસ્તાઓ જેવા કે અટલ સેતુ, નવી મુંબઈમાં એક અત્યાધુનિક ઍરપોર્ટ અને એ સિવાય અન્ય આગામી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને કારણે મુંબઈ અને મહારાષ્ટ્રનો આર્થિક વિકાસ વધુ વધશે. મુંબઈકરનો મુસાફરીનો સમય ઘટાડીને તેનું જીવન સરળ અને અનુકૂળ બનાવવા ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના વિકાસથી મુંબઈની રિયલ એસ્ટેટ માર્કેટ પર પણ નોંધપાત્ર અસર પડશે.
૧. મુંબઈ મેટ્રો
મુંબઈમાં આગામી મેટ્રો પ્રોજેક્ટ્સને કારણે શહેરના ટ્રાફિકમાં નોંધપાત્ર ઘટાડો થશે અને રેલવે નેટવર્ક ઉપરનું ભારણ ઘટવાની પણ ધારણા છે. આ મેટ્રોનું કામ એકવાર પૂર્ણ થઈ ગયા પછી, મુંબઈ મેટ્રોનો ફેલાવો લગભગ ૩૫૦ કિલોમીટરની આજુબાજુ થઈ જશે જે શહેરના ખૂણેખૂણાને જોડશે. આ વ્યાપક મેટ્રોની જાળને કારણે કમર્શિયલ રિયલ એસ્ટેટને ફાયદો થશે. સાથે જ મેટ્રો રેલવે સસ્તા અને વૈભવી બન્ને પ્રકારના રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સની માગમાં પણ વધારો કરશે.
૨. નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ
નવી મુંબઈમાં નિર્માણાધીન ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ એક સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ છે. એક વાર એનું કામ પૂરું થઈ જશે ત્યાર બાદ આ ઍર પોર્ટ નવી મુંબઈના વિસ્તાર માટે એક મધ્યબિંદુની જેમ એની આજુબાજુ વિકાસનો માર્ગ મોકળો કરી શકે છે.
૩. કોસ્ટલ રોડ
નિર્માણાધીન મુંબઈ કોસ્ટલ રોડ ટોલ-ફ્રી હશે અને દક્ષિણ મુંબઈને પશ્ચિમી ઉપનગરો સાથે જોડશે. કોસ્ટલ રોડને તબક્કાવાર ખુલ્લો મૂકવામાં આવશે. પહેલો તબક્કો વરલી અને મરીન ડ્રાઇવ વચ્ચે અને બીજો તબક્કો બાંદરા-વરલી સી લિન્કને છેડેથી શરૂ કરીને કાંદિવલી સુધી બનશે. આ માર્ગને કારણે મુસાફરીના સમયમાં ૪૦ મિનિટ સુધીનો ઘટાડો થશે. આનો અર્થ એ છે કે આ રસ્તો શહેરના બે વિરુદ્ધ ભાગોને જોડશે.
રિયલ એસ્ટેટ માર્કેટ પર શું અસર થશે?
આ કોસ્ટલ રોડથી શહેરને બે ફાયદા મળશે. એક - ભીડ, ટ્રાફિક ઓછો કરવામાં મદદ મળશે અને બીજો એ કે પ્રવાસમાં લાગતા સમયમાં ઘટાડો થશે. દક્ષિણ મુંબઈને કાંદિવલીથી જોડવાને કારણે એ ઈસ્ટર્ન ફ્રીવે, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે તેમ જ લોકલ રેલવે લાઇન ઉપર ભારણ ઓછું કરવામાં મદદ કરશે જેથી કનેક્ટિવિટી બહેતર બનશે. આ પ્રોજેક્ટનો બીજો મુખ્ય ફાયદો એ થશે કે દક્ષિણ મુંબઈના કમર્શિયલ સ્થાનો ઉપર ઓછા સમયમાં પહોંચવાની સુવિધા કરી આપશે. આને કારણે ઉપનગરોમાં રહેઠાણની માગમાં ખૂબ જ વધારો થશે.
સરેરાશ મિલકતના ભાવ બહુવિધનાં પરિબળોને આધારે સ્થળ પ્રમાણે બદલાય છે. પરિબળો જેવા કે પ્રૉપર્ટીનો પ્રકાર, એનું લોકેશન, બિલ્ડરની શાખ વગેરે. કોસ્ટલ રોડથી પ્રભાવિત વિસ્તારોમાં પ્રૉપર્ટીના ભાવોમાં સરેરાશ ૧૦થી ૧૫ ટકા વધારો જોવા મળ્યો છે. બોરીવલી, કાંદિવલી, દહિસર, ગોરેગામ, મીરા રોડ, ભાઈંદર, બાંદરા, અંધેરી અને દક્ષિણ મુંબઈના વિસ્તારો જેવી માઇક્રો-માર્કેટ્સમાં આ પ્રોજેક્ટથી ફાયદો થવાની સંભાવના છે. કોલાબા, નેપિયન સી રોડ, વરલી અને બાંદરા-વેસ્ટ જેવા વિસ્તારો પ્રીમિયમ લાક્ષણિકતાઓવાળા છે, જ્યારે અંધેરી-વેસ્ટ, ગોરેગામ-વેસ્ટ અને ચારકોપ જેવા વિસ્તારો દક્ષિણ અને મધ્ય મુંબઈમાં રોજગાર કેન્દ્રો સાથે જોડાયેલાં હોવાથી અહીંની માગ જળવાય છે. આ પ્રોજેક્ટના મુખ્ય લાભાર્થી ચારકોપ અને ગોરેગામ-વેસ્ટ જેવા વિસ્તારો રહેશે અને વિકાસનો ફાયદો મેળવશે.
આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ જે સુવિધા આપશે એને કારણે મુંબઈમાં ફ્લેક્સિબલ કમર્શિયલ ઑફિસની તેમ જ પરવડે એવાં ઘરોની માગ આગામી વર્ષોમાં આકાશને આંબી જશે. એટલે મુંબઈમાં રોકાણ કરવું એ આગામી દાયકામાં એક મહત્ત્વનો નિર્ણય ગણાશે. ભાંડુપ, ડોમ્બિવલી, ભાયખલા અને કલ્યાણ જેવા વિસ્તારો પણ શ્રેષ્ઠ કનેક્ટિવિટીનો આનંદ માણી શકશે જેથી અહીંના વિસ્તારોમાં પણ હાઉસિંગ પ્રૉપર્ટીના ભાવો વધી જશે.
ટ્રાફિકને ઓછો કરવા ઉપરાંત મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ શહેરના રિયલ એસ્ટેટના લૅન્ડસ્કેપને એક નવો જ આકાર આપશે એવી ધારણા છે. જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી એ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ મુંબઈકરોની મુસાફરી કરવાની પદ્ધતિમાં ધરમૂળથી ફેરફાર કરશે સાથે જ રિયલ એસ્ટેટ માર્કેટમાં પણ જબ્બર ફેરફારો લાવશે.