17 January, 2025 07:39 AM IST | Mumbai | Kanu J Dave
પ્રતીકાત્મક તસવીર
રિલાયન્સ, ઇન્ફોસિસ અને અ.ક્સિસ બૅન્કનાં ત્રિમાસિક પરિણામો આવે એ પૂર્વે બજારમાં સુધારો જળવાઈ રહ્યો હતો. ઇઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધવિરામના કરાર છેક છેલ્લી ઘડીએ થતાં-થતાં અટકી ગયાના અહેવાલો આવતા હતા. ગુરુવારે નિફ્ટીના સાપ્તાહિક ઑપ્શન્સ સેટલ થયાં હતાં. બુધવારે બૅન્કિંગ અને ફાઇનૅન્સ શૅરોનો અંડરટોન ઢીલો હતો પણ ગુરુવારે આ સેક્ટર્સે સારું પર્ફોર્મ કર્યું હતું. ફાઇનૅન્શ્યલ સર્વિસ ઇન્ડેક્સ 1.16 ટકા વધી 22,943.75ની સપાટીએ અને બૅન્ક નિફ્ટી 1.08 ટકાના ગેઇને 49,278.70 બંધ રહ્યા હતા. નિફ્ટી નેક્સ્ટ 50 1.45 ટકાના સુધારાએ 64,564.50 અને મિડકૅપ સિલેક્ટ ઇન્ડેક્સ 0.73 ટકાના ગેઇને 12,218 બંધ જોવા મળ્યા હતા. મુખ્ય આંક નિફ્ટી 0.42 ટકા વધી 23,311.80ના સ્તરે વિરમ્યો હતો. શુક્રવારે બજાર વધવાની ધારણા ઍનલિસ્ટોએ વ્યક્ત કરી હતી.
FIIની નેટ વેચવાલી
ગુરુવારે FIIની 4341 કરોડ રૂપિયાની નેટ વેચવાલી રહી હતી. DIIની 2928 કરોડ રૂપિયાની નેટ લેવાલી જોવા મળી હતી. પરિણામે કૅશ સેગમેન્ટમાં ઓવરઑલ 1413 કરોડ રૂપિયાની નેટ વેચવાલી જોવા મળી હતી.
ઇન્ફોસિસે સતત ત્રીજી વાર રેવન્યુ ગ્રોથ ગાઇડન્સ વધારી 4થી 5 ટકા જાહેર કર્યું
ઇન્ફોસિસ 1949.65 રૂપિયાના બુધવારના બંધ સામે ગુરુવારે 1965.95 રૂપિયાના સ્તરે ખૂલીને માત્ર એક રૂપિયો વધી 1966.95નો દૈનિક હાઈ બનાવી બજાર બંધ થતાં પૂર્વે 1916.85નો લો બનાવી છેવટે 1.52 ટકા, 29.60 ઘટી 1920.05 રૂપિયા બંધ રહ્યો હતો. 2006.45ના બાવન સપ્તાહના હાઈથી ત્રણેક ટકા જ દૂર છે. બજાર બંધ થયા પછી જાહેર થયેલાં પરિણામોમાં કંપનીનો કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યુ ગ્રોથ સપ્ટેમ્બર ત્રિમાસિકની સરખામણીએ 0.9 ટકા રહેવાની ઍનલિસ્ટોની ધારણા સામે 1.7 ટકા આવ્યો હતો. આ આંકડો ટીસીએસના આવા ફ્લૅટ ગ્રોથ કરતાં વધુ પણ એચસીએલ ટેકના 3.8 ટકા કરતાં ઓછો છે. રૂપિયામાં ગણતરીએ ડિસેમ્બર ક્વૉર્ટરમાં પ્રીવિયસ ક્વૉર્ટરના 40,986 કરોડ રૂપિયાની સામે આવક (ઍનલિસ્ટોની 41,281 કરોડ રૂપિયાની ધારણાથી સહેજ વધારે) 41,764 કરોડ રૂપિયાની થઈ જે બે ટકાનો વધારો ગણાય. વ્યાજ અને કરવેરા પૂર્વેનો નફો પણ વધી 8912 કરોડ રૂપિયા (8791 કરોડ રૂપિયાનો ઍનલિસ્ટોનો અંદાજ અને સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં 8649 કરોડ રૂપિયા) આવતાં 3 ટકાની વૃદ્ધિ થઈ છે. એબીટ માર્જિન 21.1 ટકાથી થોડું સુધરીને 21.3 ટકા આવવાની ધારણા હતી અને એટલું જ રહ્યું છે. કરવેરા પછીનો નફો સપ્ટેમ્બર ત્રિમાસિકના 6506 કરોડથી 4.6 ટકા વધી 6806 કરોડ રૂપિયા થયો છે, ઍનલિસ્ટોની 6753 કરોડ રૂપિયાની ધારણાથી એ વધુ છે. કંપનીનું કૉન્સ્ટન્ટ કરન્સી રેવન્યુ ગ્રોથ ગાઇડન્સ 3.75 ટકા-4.5 ટકાનું હતું એ વધારી સાડાચારથી પાંચ ટકાનું કરાયું છે. નાણાકીય વર્ષની શરૂઆતમાં 1થી 3 ટકાનું રેવન્યુ ગ્રોથ ગાઇડન્સ હતું એ જૂન ક્વૉર્ટરના અંતે 3થી 4 ટકા, સપ્ટેમ્બર ક્વૉર્ટરના અંતે 3.75થી 4.5 ટકા અને હવે ડિસેમ્બરના અંતે વધારીને 4થી 5 ટકા કરાયું છે. માર્જિન ગાઇડન્સ 20થી 22 ટકા યથાવત રખાયું છે. ડિસેમ્બર ત્રિમાસિકમાં કંપનીને 2.5 બિલ્યન ડૉલરનાં ડીલ્સ મળ્યાં છે, આ પ્રમાણ સપ્ટેમ્બરના 2.4 બિલ્યન ડૉલરથી વધારે છે. આ ત્રિમાસિકમાં 5591 કર્મચારીનો વધારો થયો હતો. કંપનીએ એન્ટરપ્રાઇસ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) વધારવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ડિસેમ્બર ત્રિમાસિક ગાળો સામાન્ય રીતે કંપની માટે નબળો ગણાતો હોવા છતાં સારાં પરિણામો રજૂ કરી શકવાનો સંતોષ વ્યક્ત કરી કંપનીએ પૂરા વર્ષનું ગાઇડન્સ વધાર્યું હતું. હવે ઇન્ફોસિસ કંપનીના ગ્રાહકો તરફથી ડિસ્ક્રેશનરી ડિમાન્ડ સુધરવાના મુદ્દે શું જણાવે છે?, વેતનવૃદ્ધિ ક્યારે અને એની અસર કેવી હશે એ મુદ્દે કંપનીનું વલણ, 2026 માટેનો એનો આઉટલુક તેમ જ કંપનીના મુખ્ય વર્ટિકલ્સ બૅન્કિંગ, ફાઇનૅન્શ્યલ સર્વિસિસ અને ઇન્શ્યૉરન્સ (BFSI), રીટેલ અને હાઇટેકને લઈને કંપનીની કૉન્ફરન્સ કૉલમાં કૉમેન્ટરી કેવી રહે છે? આ બાબતો અને રાત્રે યુએસ માર્કેટમાં રિઝલ્ટને ભાવમાં કેવો પ્રતિસાદ મળે છે એના આધારે ઇન્ફોસિસના ભાવનો ટ્રેન્ડ નક્કી થશે. ઍનલિસ્ટોનો આશાવાદ થોડો વધ્યો હોય એવું જણાય છે.
પોસ્ટ માર્કેટ નિફ્ટી પ્રતિનિધિ ઍક્સિસ બૅન્કે રજૂ કરેલાં ડિસેમ્બર કવૉર્ટરનાં રિઝલ્ટમાં માત્ર 4 ટકાના પ્રમાણમાં જ નેટ પ્રૉફિટ ગ્રોથ કર્યો અને છેલ્લા 15 ત્રિમાસિકમાં સૌથી ઓછી ડિપોઝિટ વૃદ્ધિ નોંધાવી છે. સાથે-સાથે જ ગ્રોસ અને નેટ નૉન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) રેશિયોમાં થોડો વધારો થયો છે. બૅન્કનો નફો ગત ડિસેમ્બર ક્વૉર્ટરની તુલનાએ 3.83 ટકા વધી 6304 કરોડ રૂપિયા, એ જ રીતે ડિપોઝિટ 9 ટકા વધી 10.95 લાખ કરોડ રૂપિયા થઈ હતી, જે છેલ્લા 15 ત્રિમાસિકનો સૌથી ઓછો ગ્રોથ હતો. સામે ઍડ્વાન્સિસ 8.8 ટકા વધી 10.14 લાખ કરોડ રૂપિયાના સ્તરે હતા. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ 13,606 કરોડ રૂપિયા થઈ હતી. શૅરનો ભાવ 1.68 ટકા વધી 1044 રૂપિયા બંધ હતો.
રિલાયન્સના ડિસેમ્બર ત્રિમાસિકમાં ટેલિકૉમનો સારો પર્ફોર્મન્સ ઊડીને આંખે વળગે એવો
નાણાકીય વર્ષના ત્રીજા ક્વૉર્ટરમાં ડિજિટલ, રીટેલ અને ઑઇલ ટુ કેમિકલ બિઝનેસના સારા દેખાવના કારણે નેટ પ્રૉફિટ ગત વર્ષના સમાન ગાળાની તુલનાએ 12 ટકા વધી 21,930 કરોડ રૂપિયા થયો હતો. કૉન્સોલિડેટેડ આવક 7.7 ટકા વધી 2.67 લાખ કરોડ રૂપિયા અને એબીડ્ટા (વ્યાજ, કરવેરા, ડેપ્રીસીએશન તથા એમોર્ટાઇઝેશન) પહેલાંનો નફો 7.8 ટકા વધી 48,003 કરોડ રૂપિયાએ પહોંચ્યો હતો. ડિજિટલ સેવાઓમાં ઍવરેજ રેવન્યુ પર યુઝર (ARPU) 203.30 રૂપિયા થવાનો મહત્ત્વનો ફાળો હતો. ડિજિટલનો એબીડ્ટા નફો 17 ટકા વધી 16,640 કરોડ રૂપિયા અને રીટેલનો એબીડ્ટા નફો 9 ટકા વધી 6840 કરોડ રૂપિયા થયો હતો. રીટેલની બિઝનેસની આવકમાં 8.8 ટકા વાર્ષિક તુલનાએ વધારો થતાં એ 90,351 કરોડ રૂપિયાએ પહોંચી હતી જે બજારની ધારણા કરતાં વધુ હતી. પુરોગામી સપ્ટેમ્બર ત્રિમાસિકમાં આ બિઝનેસની આવક 76,325 કરોડ રૂપિયા થઈ હતી. રિલાયન્સ રીટેલનો કરવેરા પછીનો નફો ગત વર્ષના એ જ ત્રિમાસિકની તુલનાએ 10.01 ટકા વધી 3485 કરોડ રૂપિયા થયો હતો. આ ક્વૉર્ટરમાં 779 નવા સ્ટોર્સ શરૂ કરાતાં કુલ સંખ્યા 19,102, ઑપરેશનલ એરિયા 774 લાખ સ્ક્વેર ફીટ અને ફુટફોલ 5 ટકા વધી 2960 લાખે પહોંચ્યો હતો. રીટેલના કુલ ટ્રાન્ઝેક્શન ગત ડિસેમ્બર ત્રિમાસિની તુલનાએ 10.9 ટકા વધી 3550 લાખ થયા હતા.
એચડીએફસી લાઇફની આગેવાની હેઠળ જીવન વીમાના શૅરો વધ્યા
નિફ્ટી ફિફ્ટી 23,213ના પુરોગામી બંધ સામે 23,377 ખૂલી ઘટીને 23,272 અને વધીને 23,391 થયા બાદ 98 પૉઇન્ટ્સ, 0.42 ટકા સુધરી 23,311 બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સના 33 શૅરો વધ્યા અને 17 શૅરો ઘટ્યા હતા. નિફ્ટીનો એચડીએફસી લાઇફ આઠ ટકા ઊછળી 641 રૂપિયા, ભારત ઇલેક્ટ્રૉનિક્સ સાડાત્રણ ટકા પ્લસ થઈ 277 રૂપિયા અને એસબીઆઇ લાઇફ 2.89 ટકા વધી 1515 રૂપિયાની સપાટીએ વિરમ્યા હતા. ઘટવામાં ટ્રેન્ટ અઢી ટકા ઘટી 6230 રૂપિયા અને ડૉ. રેડ્ડી 2.26 ટકા ઘટી 1307 રૂપિયા બંધ હતા. નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સનો ભેલ 4.17 ટકા વધી 210 રૂપિયા અને આઇઆરએફસી 3.95 ટકા સુધરી 143 રૂપિયા થઈ ગયા હતા. મિડકૅપ સિલેક્ટનો એસઆરએફ 3.78 ટકા વધી 2585 રૂપિયા અને પોલિકેબ સવાત્રણ ટકા સુધરી 6665 રૂપિયાના સ્તરે બંધ હતા. આ ઇન્ડેક્સના ઘટેલા શૅરોમાં નોંધ લેવા લાયક વૉલ્ટાસ સવાબે ટકા ઘટી 1588 રૂપિયા થઈ ગયો હતો. નિફ્ટી બૅન્કનો બૅન્ક ઑફ બરોડા સવાત્રણ અને કૅનેરા બૅન્ક ત્રણ ટકા વધી અનુક્રમે 229 રૂપિયા અને 97 રૂપિયાના સ્તરે વિરમ્યા હતા. એ.યુ. બૅન્ક પણ 3 ટકા સુધરી 604 રૂપિયા રહ્યો હતો. નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસના એચડીએફસી લાઇફ ઉપરાંત એસબીઆઇ કાર્ડ પણ પોણાચાર ટકા સુધરી 763 રૂપિયા બંધ હતો.