13 December, 2024 08:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ક્રિપ્ટોકરન્સી એક્સઆરપીનો ઉપયોગ રિયલ એસ્ટેટ, વીમો અને ટ્રેડ ફાઇનૅન્સ ક્ષેત્રે કરી શકાય એ માટે સંબંધિત ઉદ્યોગના અગ્રણીઓએ એની સર્જનકાર કંપની રિપલને નિમંત્રિત કરી છે. ફાઇનૅન્સબ્રો નામની નાણાકીય ક્ષેત્રની કંપનીએ પ્રકાશિત કરેલા વિડિયોમાં રિપલના સીઈઓ બ્રાડ ગાર્લિંગ્ટન કહે છે કે ઓળખની ચકાસણીથી લઈને રિયલ એસ્ટેટમાં ટાઇટલના સંચાલન તથા ટ્રેડ ફાઇનૅન્સ સહિતનાં ક્ષેત્રોમાં બ્લૉકચેઇનનો ઉપયોગ થઈ રહ્યો છે. બ્લૉકચેઇન ટ્રેડ ફાઇનૅન્સ ક્ષેત્રે ઝડપ વધારવામાં અને ખર્ચ ઘટાડવામાં એ સહાયક નીવડી શકે છે અને રિયલ એસ્ટેટમાં વ્યવહારોની પારદર્શકતા અને સલામતી વધારી શકે છે. વીમા ક્ષેત્રે પણ એનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ શકે છે.
બીજી બાજુ, અન્ય એક અહેવાલ મુજબ બિલ્યનેર થોમસ પીટરફીએ કહ્યું છે કે પોર્ટફોલિયોમાં બિટકૉઇનનું એક્સપોઝર ૧૦ ટકા કરતાં વધારે હોય એ મોટું જોખમ છે. બિટકૉઇન માટે પોર્ટફોલિયોમાં બેથી ત્રણ ટકા જેટલી જ ફાળવણી હોવી જોઈએ એવું તેમનું માનવું છે. ૮૦ વર્ષના આ અમેરિકન બિલ્યનેર કહે છે કે ડિજિટલ ઍસેટ્સમાં ઘણી ચંચળતા હોય છે, એમાં કંઈ નક્કર હોતું નથી.
દરમ્યાન, ગુરુવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સુધારો નોંધાયો હતો. ૨૪ કલાકના ગાળામાં બિટકૉઇન ૨.૩૭ ટકા વધીને ૧,૦૧,૨૦૮ ડૉલરના સ્તરે પહોંચી ગયો હતો. ઇથેરિયમમાં ૫.૨૫
ટકા વૃદ્ધિ સાથે ભાવ ૩૯૩૭ ડૉલર થયો હતો. એક્સઆરપીમાં ૧.૧૪ ટકા વૃદ્ધિ થતાં ભાવ ૨.૪૧ ડૉલર થયો હતો. કાર્ડાનો ૫.૧૪ ટકા, ટ્રોન ૬.૯૪ ટકા, અવાલાંશ ૧૦.૧૮ ટકા અને ચેઇનલિંક ૧૭.૮૨ ટકા વધ્યા હતા.