દેશમાંથી સ્ટીલની નિકાસમાં જાન્યુઆરીમાં ૩૩ ટકાનો વધારો

11 February, 2023 07:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે એપ્રિલથી જાન્યુઆરીની નિકાસ ગયા વર્ષની તુલનાએ અડધી થઈ ગઈ

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

કેન્દ્ર સરકારે સ્ટીલની નિકાસ ડ્યુટી નાબૂદ કર્યાના બે મહિના બાદ જાન્યુઆરીમાં ભારતીય સ્ટીલની નિકાસમાં સુધારો થયો હતો. ડિસેમ્બરની તુલનાએ નિકાસ ૩૩ ટકા વધીને ૫.૯ લાખ ટનની થઈ છે, જ્યારે ગયા વર્ષની તુલનાએ ૨૮ ટકાનો ઘટાડો થયો છે.

દેશમાંથી એપ્રિલ-જાન્યુઆરીના સમયગાળા માટે ફિનિશ્ડ સ્ટીલની નિકાસ એક વર્ષ અગાઉ ૧૧૧.૪ લાખ ટનની સરખામણીએ અડધી ઘટીને ૫૩.૩ લાખ ટન થઈ ગઈ છે, જે વૈશ્વિક મંદીનું દબાણ અને માગમાં મંદીનો સતત સંકેત આપે છે. ફિનિશ્ડ સ્ટીલમાં નૉન-ઍલૉય્ડ સ્ટીલ ઑફરિંગ, ઍલૉય્ડ ઑફરિંગ અને સ્ટેનલેસ સ્ટીલનો સમાવેશ થાય છે.

સ્ટીલ મંત્રાલયના અહેવાલ મુજબ, ભારતની નૉન-ઍલૉય્ડ સ્ટીલની નિકાસ - મુખ્ય ઑફર - જાન્યુઆરીમાં ૫.૨ લાખ ટન હતી, જે ૨૭ ટકા નીચે છે. જોકે ડિસેમ્બરમાં નિકાસ ૩.૨૩ લાખ ટન હતી એની તુલનામાં આંકડામાં ૬૦ ટકાનો સુધારો થયો હતો. વર્ષના પહેલા ૧૦ માસ દરમ્યાન નૉન-ઍલૉય્ડ સ્ટીલની નિકાસ ૬૮ ટકા ઘટીને ૩૨.૪૭ લાખ ટન થઈ હતી.

આ પણ વાંચો: દેશમાં સ્ટીલના ઉત્પાદનમાં ૨૦૨૨માં ૫.૮૦ ટકાનો વધારો જોવાયો

બીજી તરફ, ઍલૉય અને સ્ટેનલેસ સ્ટીલની નિકાસ ૩૦ ટકા ઘટીને ૭૦,૦૦૦ ટન થઈ છે. જાન્યુઆરી ૨૦૨૨માં નિકાસ ૧ લાખ ટન હતી. ૧૦ મહિનાની સંયુક્ત સેગમેન્ટમાં નિકાસમાં ૧૧૬ ટકાનો વધારો જોવા મળ્યો હતો અને કુલ ૨૦.૮૨ લાખ ટનની નિકાસ થઈ હતી, જે આગલા વર્ષે ૯.૬ લાખ ટનની નિકાસ થઈ હતી.

વેપારી સૂત્રોએ જણાવ્યું હતું કે સેગમેન્ટમાં ડ્યુટી વસૂલવામાં આવતી ન હોવાથી કેટલીક મિલોએ ઍલૉય્ડ સ્ટીલની નિકાસ કરવાનું પસંદ કર્યું હતું. નિકાસ ડ્યુટી પાછી ખેંચી લીધા પછી નવેમ્બરના મધ્યમાં સેન્ટિમેન્ટમાં થોડો સુધારો થયો અને એ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં નિકાસ સંખ્યામાં ક્રમિક વધારા સાથે દેખાઈ રહ્યો છે.

સ્ટીલના નિકાસકારો કહે છે કે છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં, અમે આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો થતો જોયો છે. ડૉલરના આધારે, મને લાગે છે કે ચાઇનામાં લગભગ ૧૦૦ ડૉલર ટન સુધી ભાવ વધ્યા છે. યુરોપિયન ૧૪૦ ડૉલરથી વધુ વધ્યા છે અને અમે ભારતમાં એનું પ્રતિબિંબ જોઈ રહ્યા છીએ અને દેશમાં પણ ભાવ ઊંચકાવા લાગ્યા છે.

business news commodity market tata steel