મોબાઇલની નિકાસ ૧૦ અબજ ડૉલરને પાર કરશે : અશ્વિની વૈષ્ણવ

01 March, 2023 12:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આગામી વર્ષોમાં ઇલેક્ટ્રૉનિક ઉત્પાદન, ટેલિકૉમ મૅન્યુફૅક્ચરિંગ ઝડપથી વધતું જોવા મળશે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારતમાં ટેલિકૉમ ઉદ્યોગ રોકાણલક્ષી બની ગયો છે અને વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩માં રોજગાર જનરેટર બનવાની સાથે મોબાઇલની નિકાસ ૧૦ અબજ ડૉલરને પાર થવાની ધારણા છે.

પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે તમામ ઘટક સિસ્ટમો ભારતમાં છે. આગામી વર્ષોમાં ઇલેક્ટ્રૉનિક ઉત્પાદન, ટેલિકૉમ મૅન્યુફૅક્ચરિંગ ઝડપથી વધતું જોવા મળશે.

એની આત્મનિર્ભર યોજનાના ભાગરૂપે, સરકારે ભારતીય ઉત્પાદકોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા, રોકાણ આકર્ષવા, નિકાસ વધારવા, ભારતને વૈશ્વિક પુરવઠા શૃંખલામાં એકીકૃત કરવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે વિવિધ ક્ષેત્રોમાં પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઇ) યોજનાઓ શરૂ કરી.

સેક્ટરમાં રોજગાર વિશે વૈષ્ણવે જણાવ્યું હતું કે આઇફોન ઉત્પાદક કંપની ઍપલે છેલ્લા દોઢ વર્ષમાં ભારતમાં એક લાખ નવી નોકરીઓ પૂરી પાડી છે. ૧૦ વર્ષ પહેલાં મોબાઇલ ફોનના ઉત્પાદન માટે જરૂરી મોટા ભાગના પાર્ટ્સની આયાત કરવામાં આવતી હતી અને હવે ૯૯ ટકા પાર્ટ્સ સ્વદેશી છે. આ ઘણો મોટો ફેરફાર છે.

business news