કરેક્શન કન્ટિન્યુ થવાના સંકેત હાઈ વૅલ્યુએશન બાદ બજાર હવે વાજબી વૅલ્યુએશન તરફ

11 November, 2024 08:48 AM IST  |  Mumbai | Jayesh Chitalia

ચીનના જંગી સ્ટિમ્યુલસ પૅકેજની સંભાવના બાદ ચીન અને યુએસ માર્કેટમાં વધુ રોકાણ વળવાની ધારણાએ ભારતીય માર્કેટમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સની વેચવાલી કન્ટિન્યુ રહેવાનો ભય છે જેને લીધે અત્યારે તો કરેક્શન જ બજાર પર રાજ કરશે એવું જણાય છે

શેરબજારની પ્રતીકાત્મક તસવીર

હવે શું લાગે છે શૅરબજારમાં? હવે પછી નક્કર રિકવરી ચાલુ થશે કે કરેક્શન ચાલુ રહેશે? યુએસ ચૂંટણીનાં પરિણામ બાદ બજારને કરેક્શન અટકવાની આશા હતી, પરંતુ ચીનના જંગી સ્ટિમ્યુલસ પૅકેજની સંભાવના બાદ ચીન અને યુએસ માર્કેટમાં વધુ રોકાણ વળવાની ધારણાએ ભારતીય માર્કેટમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સની વેચવાલી કન્ટિન્યુ રહેવાનો ભય છે જેને લીધે અત્યારે તો કરેક્શન જ બજાર પર રાજ કરશે એવું જણાય છે

નવા વર્ષમાં બજારની ચાલ સમજવા માટે એના આરંભ સમયના સમય-સંજોગો પારખવા જરૂરી છે. વિક્રમ સંવતના નવા વર્ષમાં બજારના પ્રથમ દિવસની શરૂઆત ધબડકાથી થઈ હતી, સેન્સેક્સ ૧૩૦૦ પૉઇન્ટથી વધુ તૂટીને પાછો ફર્યો હતો અને આખરે ૧૦૦૦ પૉઇન્ટ જેટલો માઇનસ બંધ રહ્યો હતો. અલબત્ત, મંગળવારે કરેક્શન બાદ યુએસ ઇલેક્શનના ટ્રમ્પતરફી સંકેતને પરિણામે માર્કેટે રિકવરી તરફ વળાંક લીધો હતો. બુધવારે યુએસ ઇલેક્શનનાં પરિણામ સાથે માર્કેટે રિકવરીનો માર્ગ જ પસંદ કર્યો હતો. ઇન શૉર્ટ, ભારતીય શૅરબજારે ટ્રમ્પના પુનઃ આગમનને આવકાર્યું હતું. બીજા દિવસે એટલે કે ગુરુવારે બજાર ફેડરલ રિઝર્વની મીટિંગમાં શું નિષ્કર્ષ આવે છે એની પ્રતીક્ષામાં ફરી વાર કરેક્શન તરફ વળ્યું હતું. જોકે માત્ર પા (૦.૨૫) ટકાના રેટ-કટના અહેવાલને પગલે શુક્રવારે પરત કરેક્શનનો તાલ જોવા મળ્યો હતો. જોકે ઘટાડો બહુ મોટો નહોતો. જોકે ચીન અને યુએસનાં પરિબળો ભારતીય બજારમાં કરેક્શનને હજી અવસર આપશે એવાં એંધાણ છે. રોકાણકારો આ બન્ને મહાસત્તાઓના ડેવલપમેન્ટ પર નજર રાખવા સાથે કરેક્શન માટે માનસિક તૈયારી કરી લેવાનો અભિગમ રાખે એ જરૂરી છે. આવા સંજોગોમાં લાર્જકૅપના સ્ટૉક્સ અને બેન્ચમાર્ક ઇન્ડેક્સના સ્ટૉક્સમાંથી સિલેક્ટિવ બની રહેનાર વર્ગ લાભમાં રહેશે. હાલ તો સેન્સેક્સની ગતિ ૭૫,૦૦૦ અને નિફ્ટીની ગતિ ૨૩,૦૦૦ તરફ જઈ રહી હોવાનું જોવા મળી રહ્યું છે. પરિણામે બજારમાં હવે હાઈ વૅલ્યુએશનની ફરિયાદો દૂર થવા લાગી છે અને માર્કેટ વાજબી વૅલ્યુએશન તરફ આગળ વધી રહ્યું હોવાની ચર્ચા થવા લાગી છે. ફૉરેન ઇન્વેસ્ટર્સની વેચવાલી ચાલુ રહેવાના અણસાર મજબૂત બની રહ્યા છે અને સ્થાનિક સંસ્થાઓ-ફન્ડ્સ બજારને કેટલે સુધી ટકાવી શકશે એ જોવા માટે રોકાણકારોએ ધીરજ રાખવી પડશે.

કરેક્શનનાં કારણો વચ્ચે થોડી આશા

બજારમાં કરેક્શનનાં કારણોમાં એફઆઇઆઇની આક્રમક વેચવાલી, ઑટો સેલ્સના નબળા આંકડા, કૉર્પોરેટ અર્નિંગ્સની ગતિવિધિ, ગ્લોબલ સંજોગોના સંકેત, રૂપિયાનો ડૉલર સામે સતત ઘટાડો, વૉલેટિલિટી અને કંઈક અંશે પ્રૉફિટ-બુકિંગની માનસિકતા જેવા મુદા પણ ભળ્યા છે. દરમ્યાન, એક સારાે અહેવાલ એ છે કે ગ્લોબલ ઇન્ડેક્સ પ્રોવાઇડર એમએસસીઆઇ ભારતનું વેઇટેજ વધારવાનું છે. આ પચીસમી નવેમ્બરે ઇન્ડેક્સમાં સુધારો થવા સાથે ભારતીય કંપનીઓનું વેઇટેજ વધશે જેને પરિણામે ભારતીય માર્કેટમાં વિદેશી પૅસિવ ફન્ડ્સ તરફથી ૨.૫ અબજ ડૉલરનું નેટ રોકાણ આવવાની આશા છે. એમએસસીઆઇએ એના સ્ટાન્ડર્ડ ઇન્ડેકસને રીબૅલૅન્સ કરી એમાં બીએસઈ, વોલ્ટાસ, અલ્કેમ લૅબ, કલ્યાણ જ્વેલર્સ, ઑબેરૉય રિયલ્ટીનો સમાવેશ કર્યો છે. જોકે એમાં અદાણી ગ્રીન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇસીઆઇસીઆઇ બૅન્ક, ઇન્ફોસિસ અને જીએમઆર ઍરપોર્ટ્સનું વેઇટેજ ઓછું કરાયું છે. આનો અર્થ એ થાય કે જેનો સમાવેશ કરાયો છે એ સ્ટૉક્સમાં ફન્ડ્સનું ઇન્વેસ્ટમેન્ટ વધશે. મહત્ત્વની વાત એ પણ ખરી કે આ ઇન્ડેક્સમાં ભારતીય સ્ટૉક્સની સંખ્યા આ સાથે ૧૫૬ થઈ ગઈ છે. આ સ્ટૉક્સના ધારકો અથવા એમાં રોકાણ કરવા ઇચ્છતા રોકાણકારો માટે આ એક મહત્ત્વનો સંકેત કહી શકાય.

ટ્રમ્પના પૉલિસી-નિર્ણયો પર નજર

ટ્રમ્પના આગમન સાથે ભારતીય સ્ટૉક માર્કેટ ભલે રિકવરી તરફ વળ્યું, પરંતુ ટ્રમ્પ સરકાર આયાતજકાત ભારેખમ કરી દેશે એવો ભય ભારતીય નિકાસકાર કંપનીઓને થઈ રહ્યો છે. જોકે હાલ તો આ મામલે અનિશ્ચિતતા છે. તેમ છતાં, રોકાણકારો એવી કંપનીઓમાં રોકાણ પસંદ કરશે જેમને સ્થાનિક ડિમાન્ડથી લાભ થવાની શક્યતા વધુ હોય. નિષ્ણાતોના મતે યુએસ ચીનથી થતી આયાત પર વધુ જકાત લાદે એવું બની શકે છે, એ આ પ્રોડક્ટ્સનું યુએસમાં ઉત્પાદન થાય યા વધે એવા પ્રયાસ કરશે. ભારતના આઇટી અને ફાર્મા સેક્ટર સામે પડકારો વધવાની ધારણા મુકાય છે જ્યારે કેમિકલ્સ અને ઇલેક્ટ્રૉનિક્સ મૅન્યુફૅક્ચરિંગ સર્વિસ સેક્ટરને લાભ થવાની આશા છે. બીજી બાજુ ફેડરલ રિઝર્વના રેટ-કટ અને ટ્રમ્પ-પૉલિસીના સંકેતને પરિણામે ફૉરેન ઇન્વેસ્ટમેન્ટનો પ્રવાહ ભારત તરફ ઘટવાની શક્યતા છે અને ચીનના રાહત-પૅકેજને કારણે ગ્લોબલ રોકાણકારો ચીન તરફ પણ વધુ ઢળે એવું જણાય છે. આની અસરરૂપે ભારતીય માર્કેટ હાલ નબળું પડે એવો ભય છે.

ભારત વિશ્વમાં સૌથી રસપ્રદ માર્કેટ: જેફરીઝ ફાઇનૅન્શિયલ
વૉલ સ્ટ્રીટની ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ કંપની જેફરીઝ ફાઇનૅન્શિયલ ગ્રુપના પ્રેસિડન્ટ બ્રાયન ફ્રેડમૅન કહે છે કે વિશ્વમાં બહુ ઓછા દેશો ઇન્વેસ્ટમેન્ટ માટે આકર્ષક છે જેમાં હાલ વિશ્વમાં સૌથી રસપ્રદ અને ધ્યાનાકર્ષક સ્થાન ભારત ધરાવે છે જે રોકાણકારોને પોતાની તરફ ખેંચે છે. ભારતીય માર્કેટ માટે પૅનિક થવાનો આ સમય નથી. જોકે જાગ્રત રહેવામાં સાર ખરો. ભારતમાં સરકારની નીતિઓ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપનારી છે. તાજેતરમાં ફૉરેન ઇન્વેસ્ટર્સ દ્વારા સતત અને આક્રમક વેચવાલી ભારતીય માર્કેટમાં થઈ હોવા છતાં જેફરીઝનું આમ માનવું છે. હાલમાં કોઈ મોટું જોખમ હોય તો એ જિયોપૉલિટિકલ રિસ્ક છે જેના પ્રત્યે સાવચેત રહેવું પડે.

આર્થિક દૃષ્ટિએ વિશ્વમાં ભારતનું મહત્ત્વનું સ્થાન
ભારતના નામાંકિત બૅન્કર કે. વી. કામથે પણ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે વિશ્વમાં ભારત ઇકૉનૉમિક દૃષ્ટિએ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ચીન ભલે એના રિવાઇવલનાં પગલાં લે, પરંતુ ભારતનું આગવું સ્થાન ગ્લોબલ સ્તરે ઊંચું રહી શકે એવા સંજોગો છે અને આપણી નીતિઓ પણ એ દિશામાં આગળ વધી રહી છે. લાંબા ગાળાના રોકાણકારો માટે આ વિધાન અને સંકેત મહત્ત્વના ગણાય. બીજી બાજુ જાણીતા બ્રોકર અને માર્કેટ એક્સપર્ટ રમેશ દામાણીનું કહેવું છે કે ભારતીય બજાર હાલ કૉન્સોલિડેશન તરફ આગળ વધી રહ્યું છે જેથી બેથી ૩ મહિના આવો જ સમય રહેશે. યુએસના ડેવલપમેન્ટ પર બજારની સતત નજર રહેશે. હાલનો સમયગાળો કરેક્શનનો માનીને ચાલવામાં શાણપણ રહેશે. દામાણીના મતે ભારતીય શૅરબજાર તંદુરસ્ત રીતે આગળ વધે અને એના વૅલ્યુએશન વાજબી સ્તરે જળવાય એ સમયની માગ છે. હાલમાં રોકાણકારો-ફન્ડ્સ સારી એવી રોકાણપાત્ર રકમ હાથ પર રાખી બેઠાં છે, જેમને બહેતર તક જણાશે ત્યારે તેઓ ખરીદી કરવા સક્રિય બનશે.

વિશેષ ટિપ
શૅરબજાર બહુ ઊંચાઈ પર હોય ત્યારે એનો ભય લાગવો જોઈએ, સવાલ થવો જોઈએ; બાકી નીચા સ્તરે ખરીદવાની તક ગણવી જોઈએ. 

stock market share market sensex nifty us elections donald trump business news