06 March, 2023 03:55 PM IST | Mumbai | Biren Vakil
પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર
રૂપિયામાં શુક્રવારે શાનદાર ઉછાળો આવ્યો હતો. શૅરબજારમાં બ્રૉડ રિકવરી, ચુંનદા શૅરોમાં વિદેશી રોકાણકારની ખરીદીથી ડૉલરના પુરવઠામાં વધારો, રિઝર્વ બૅન્ક દ્વારા ૮૨.૮૦-૮૩ના લેવલે ડૉલરની વેચવાલી જેવાં કારણોથી વીતેલા સપ્તાહમાં રૂપિયો ૮૩.૦૦થી સુધરીને ૮૧.૯૬ બંધ રહ્યો હતો. ઑફશૉર બજારમાં સાંજે ૮૧.૭૨ જેવા ભાવ ક્વોટ થતા હતા. એક અગ્રણી ઉદ્યોગ જૂથના શૅરોમાં તાજેતરમાં મોટો ઘટાડો થયા પછી અંદાજે ૧.૯ અબજ ડૉલર જેટલું રોકાણ આવતાં આ જૂથના શૅરોમાં સ્પ્રિંગ જેવો ઉછાળો આવ્યો હતો, ઘણા ખરા મિડકૅપ શૅરો વધ્યા હતા. ગ્લોબલ સપ્લાય ચેઇન રિશફલિંગને કારણે ચીનમાંથી ઘણા ખરા ઉત્પાદકો ભારતમાં ઉત્પાદન શિફ્ટ કરી રહ્યા છે. સીધા વિદેશી રોકાણ મામલે સ્થિતિ સાનુકૂળ છે.
વૈશ્વિક બજારમાં ડૉલર ટકેલો હતો. અમેરિકામાં જૉબડેટા, ફુગાવો, રીટેલ સેલ્સ જેવા ડેટા સતત મજબૂત આવી રહ્યા છે અને ફેડ દ્વારા આગામી માર્ચ તેમ જ મે અને જૂનમાં પણ ૨૫ બેસિસ પૉઇન્ટના વ્યાજદર વધારા નક્કી છે એ મામલે બજારમાં સર્વસંમતિ જેવો માહોલ હોવાથી ડૉલર ઇન્ડેક્સ ૧૦૪.૫૩ આસપાસ સ્ટેબલ જેવો છે. અમેરિકી બૉન્ડ યીલ્ડ વધ્યાં છે, પણ ઇક્વિટી રિટર્ન થોડાં ધીમાં પડ્યાં છે. મોટા રોકાણકારો સેફ બેટ માટે પોર્ટફોલિયોમાં ૬૦ ટકા શૅરો અને ૪૦ ટકા બૉન્ડ રાખવાનો અભિગમ અપનાવે એમ લાગે છે. ફેબ્રુઆરીમાં એસઍન્ડપી ૫૦૦માં વળતર ૫.૪૧ ટકા હતું અને ૧૦ વરસનાં બૉન્ડ યીલ્ડમાં ૩.૯૪ ટકા હતું. ફેડના વ્યાજદર વધારા ચાલુ રહેશે એવી અટકળોએ શૅરોની ઇન્વેસ્ટમેન્ટ અપીલ થોડી ઝાંખી પડી છે. બજાર શુક્રવારના જૉબડેટા, ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલની કૉન્ગ્રેસ સમક્ષ આર્થિક ચિતાર- ટેસ્ટીમનીની રાહ જુએ છે.
એશિયામાં બજારનું ધ્યાન ચીનમાં નૅશનલ પીપલ્સ કૉન્ગ્રેસ પર હતું. ચીને ૨૦૨૩ માટે પાંચ ટકાનો વિકાસદર લક્ષ્યાંક રાખ્યો છે જે બજારની અપેક્ષા કરતાં ઓછો છે. સરકારે મોટા રાહત પૅકેજની જાહેરાત કરવાનું પણ ટાળ્યું છે. શૅરબજારને કામચલાઉ રીતે આ વાત ન ગમે પણ લૉન્ગ ટર્મ ક્વૉલિટી ગ્રોથ માટે આ અભિગમ સારો ગણી શકાય. યુરોપમાં પાઉન્ડ અન યુરો થોડા સુધર્યા હતા. ઈસીબીમાં રેટ પિક ૪ ટકા આસપાસ અંદાજાય છે. અમેરિકામાં રેટ પિક ૬-૬.૫ ટકા રેટ પિક અને એક વર્ગ એમ માને છે કે જૂનમાં રેટ પિક આવી જાય અને ડિસેમ્બર સુધીમાં પહેલો રેટ કટ પણ આવી જશે. ફુગાવો કાબૂમાં આવતો નથી, વ્યાજદર વધારા અંગે બૅન્કરો ઘણા આક્રમક રહ્યા હોવાથી હવે એક ડિબેટ એવી પણ ચાલી છે કે વ્યાજદર વધારામાં બહુ અગ્રેસિવ બનવાની જરૂર નથી. જોકે તમામ મોરચે બધું અણધાર્યું જ બની રહ્યું છે એટલે અટકળોને કેટલી ગંભીરતાથી લેવી એ સ્વવિવેકનો પ્રશ્ન છે.
યુરોપમાં આર્થિક રિકવરી અપેક્ષા કરતાં ઘણી સારી છે. અમેરિકાની તેજી અને યુરોની નરમાઈનો લાભ યુરોપને મળી રહ્યો છે. ગૅસના ભાવ ૩૦૦ યુરોથી ઘટીને ૫૦ યુરો થઈ ગયા એ પણ છૂપા આશીર્વાદ છે. યુક્રેન-રશિયા વચ્ચે સંઘર્ષ અટકતો નથી. રશિયન રુબલ હવે તૂટવા લાગ્યો છે. રુબલ ૧૫૪થી ઊછળી ૫૧ થઈ ગયા પછી હવે ૭૫ થયો છે.
ઇમર્જિંગ બજારોમાં બ્રાઝિલ રિયાલ, મેક્સિન પેસોની આગેવાની હેઠળ લેટામ કરન્સીમાં સરસ રિકવરી આવી છે. ચાઇના રીઓપનિંગનો ફાયદો લેટામ કૉમોડિટી ઉત્પાદક દેશોને મળશે. યેન અને યુઆન નરમ હોવાથી ઇમર્જિંગ એશિયાઈ કરન્સી થોડી નરમ હતી. એશિયામાં અલ નીનો ચિંતાનો વિષય છે. ભારતમાં હીટવેવને કારણે ઘઉં, રાયડો, ચણા જેવા રવિ પાકોના ઉત્પાદન પર પ્રતિકૂળ અસરની આશંકા છે. ક્રૂડ ઑઇલમાં ફરી તેજી શરૂ થઈ છે. ક્રૂડ ૧૦૦ ડૉલર પહોંચવાની વાતો છે. કોલસો, ગૅસ, ઑઇલ બાસ્કેટમાં તેજી શરૂ થાય તો ભારતનું આયાત બિલ વધે. રૂપિયો મધ્યમ અરસામાં નબળો પડે.
રૂપિયા માટે શૉર્ટ ટર્મ રેન્જ ૮૧.૨૦-૮૨.૮૦ અને બ્રૉડ રેન્જ ૮૦.૮૦-૮૪.૪૦ ગણાય. આયાતકારો ઘટાડે ડૉલર ઇમ્પોર્ટ હેજ વધારી શકે. નિકાસકારોએ દરેક ઉછાળે સિલેક્ટિવ હેજ કરી એક્સપોર્ટ રિયલાઇઝેશન ઑપ્ટિમાઇઝ કરી શકાય. ડૉલેક્સની રેન્જ ૧૦૨.૮૦-૧૦૬.૨૦, યુરોની રેન્જ ૧.૦૪-૧.૦૮, પાઉન્ડની રેન્જ ૧.૧૭૫૦-૧.૨૧૫૦, યેન ૧૩૫-૧૪૦ ગણી શકાય.