09 January, 2023 02:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વિશ્વના વિકસિત દેશો સ્ટૅગફ્લેશનમાંથી પસાર થઈ રહ્યા છે. સ્ટૅગફ્લેશન એટલે દેશના અર્થતંત્રની એવી સ્થિતિ કે જેમાં આર્થિક વિકાસદરથી અધિક સતત ઊંચા ફુગાવાના દર સાથે બેરોજગારીનું ઊંચું પ્રમાણ અને સ્થગિત થઈ ગયેલી માગ હોય. આમાં સપ્લાય ખોરવાય એટલે ફુગાવાનું દબાણ સતત વધતું રહે છે. અર્થશાસ્ત્રમાં એને કૉસ્ટ પુશ ઇન્ફ્લેશન કહે છે. અમેરિકામાં ફુગાવાનો દર ૭.૧ ટકા જેવો ઊંચો છે અને વાર્ષિક વિકાસદર ૫.૭ ટકા છે. એવું જ યુરોપનાં રાષ્ટ્રોનું છે, જ્યાં ફુગાવાનો દર ૧૦.૧ ટકા છે અને વિકાસદર માત્ર ૨.૩ ટકા છે. પ્રારંભમાં કોવિડ આધારિત સ્ટિમ્યુલસ પૅકેજ અને પુષ્કળ પ્રવાહિતાને કારણે ફુગાવો વધ્યો હતો અને એ પછી રશિયા-યુક્રેન સંઘર્ષે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હતું અને એને પરિણામે પુરવઠાના મોરચે પરિસ્થિતિ વણસવા લાગી હતી. આવશ્યક એવો ઑઇલ અને ગૅસનો પુરવઠો ખોરવાઈ ગયો હતો. એમાં વળી ચીને એની રિયલ એસ્ટેટ કટોકટીનો સામનો કરવાનો આવ્યો અને કડક કોવિડ સંબંધિત નિયંત્રણો લાદવાં પડ્યાં હતાં.
ક્રૂડના ભાવ અને ફુગાવો
વિશ્વ આર્થિક મંદીમાં સરી પડશે એવા ભયે કૅલેન્ડર વર્ષ ૨૦૨૨ના ઉત્તરાર્ધમાં ક્રૂડના ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડો આવ્યો, જે ઘટીને બેરલદીઠ આશરે ૧૩૦ ડૉલર થયો અને હાલ ૮૦ ડૉલર પર છે. ભારત ક્રૂડ તેલનો મોટો આયાતકાર દેશ છે અને એ આયાતથી આપણા અર્થતંત્રમાં પણ ફુગાવો પ્રવેશી શકે એમ હતો, પરંતુ ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો થયો એને પગલે ભારત વિકાસનો ભોગ લીધા વિના ફુગાવાના દબાણને અંકુશમાં રાખી શક્યો. છેલ્લામાં છેલ્લા આંકડા પ્રમાણે ફુગાવો ઘટીને ૫.૯ ટકા થયો છે, જ્યારે વિકાસ ઊંચો થયો છે. જોદેશમાં ફુગાવાના દરને આ વર્ષે
અંકુશમાં રાખી શકાશે તો વિશ્વમાં આપણું એકમાત્ર એવું અર્થતંત્ર હશે જે સતત વિકાસ કરતું હશે. આમ વિશ્વ જ્યારે સ્ટૅગફ્લેશનનો સામનો કરી રહ્યું છે ત્યારે વિશ્વ માટે ભારતીય અર્થતંત્ર રણમાં મીઠી વીરડી સમાન બની રહેશે.
ભારત વૈશ્વિક સમસ્યાથી અલિપ્ત રહી શકશે નહીં
હવે સવાલ એ થાય છે કે શું ભારત વૈશ્વિક સમસ્યાથી અલિપ્ત રહી શકશે? તો જવાબ છે ના. જો આપણી આસપાસ આગ લાગેલી હોય તો થોડો ધુમાડો આપણા ઘરમાં પણ આવી શકે એ નિશ્ચિત છે. એટલે અહીં રોકાણપાત્ર ભાવો આકર્ષક બની રહે ત્યાં સુધી ઘટે એવી સંભાવના છે, પરંતુ હકારાત્મક બાબત એ છે કે ભારતનું અર્થતંત્ર મોટે ભાગે સ્થાનિક માગના જોરે ચાલે છે એટલે એની કામગીરી સતત સારી રહેશે. નિકાસ મોરચે જોઈએ તો આપણે મોટે ભાગે ફાર્મા, આઇટી સૉલ્યુશન્સ અને ઑટો એન્સિલિયરીઝની નિકાસ કરીએ છીએ અને એનું ઉત્પાદન
આપણે વિશ્વના દેશોની તુલનાએ ઓછા ખર્ચે કરીએ છીએ એટલે આપણા દેશની કંપનીઓને વધુ ઑર્ડરો મળતા રહેશે. વિકસિત દેશોનાં અર્થતંત્રોની હાલત ખાસ્તા હોવાથી તેઓ નીચી કિંમતે માલ પૂરો પાડે એ દેશના સપ્લાયરોને અગ્રક્રમ આપશે એ નિશ્ચિત છે.
૨૦૨૩નું રોકાણનું વળતર કેવું રહેશે
ઉપરોક્ત કારણો અને વધી રહેલી માગ સાથે માથાદીઠ આવકમાં થઈ રહેલો વધારો અને મજબૂત નાણાકીય સિસ્ટમને પગલે ભારતનો વિકાસદર આખા વિશ્વમાં ઉત્કૃષ્ટ રહેશે. વિશ્વમાં જે આર્થિક સમસ્યાઓ છે એને પગલે વિદેશી સંસ્થાકીય રોકાણનો બહાર જતો પ્રવાહ વેગ પકડી શકે છે અને એને પગલે શૅરોના ભાવ આકર્ષક સ્તરે આવી શકે છે. જોકે અંતે મૂડીરોકાણ વધતું રહેશે. આમ ૨૦૨૩ એવું વર્ષ છે કે જેમાં કરેલું રોકાણ પાંચ-સાત વર્ષે સારું વળતર આપશે. આ વર્ષ આકર્ષક મૂલ્યે મોટા પાયે મૂડીરોકાણ કરવાનું વર્ષ છે. આપણે મુખ્યત્વે ખાનગી બૅન્ક્સ, ફાર્મા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, આઇટી અને એફએમસીજી ક્ષેત્રની કંપનીઓમાં રોકાણ કરીએ છીએ, પરંતુ નવાં ક્ષેત્રો તરફ નજર દોડાવવાની જરૂર છે.