19 August, 2024 07:16 AM IST | Mumbai | Jayesh Chitalia
પ્રતીકાત્મક તસવીર
શૅરબજાર હાલ ગ્લોબલ ઘટનાઓ આધારિત ચાલ ચાલી રહ્યું છે. હિંડનબર્ગના રિપોર્ટને કારણે હાલ તો બજારની બૅન્ડ વાગી નહીં, પરંતુ બજાર સામે ચોક્કસ અનિશ્ચિતતાઓની તલવાર લટકતી હોવાનું ગણીને ચાલવું. ઇઝરાયલ-ઈરાન વચ્ચેનો તનાવ-સંઘર્ષ મિડલ-ઈસ્ટને અસર કરી શકે, જેની અસર ગ્લોબલ બની શકે. જો કોઈ પણ કારણોસર કરેક્શન સતત ચાલે તો એને ખરીદીની તક બનાવી શકાય, માર્કેટમાં વધઘટ ચાલ્યા કરશે. બાકી શુક્રવારનો ઉછાળો અમેરિકાનાં પરિબળોને આભારી હતો
ગયા સોમવારે હિંડનબર્ગના અદાણી અને સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI) વિરુદ્ધના ગંભીર આક્ષેપોથી મુક્ત રહેનાર બજારે સાધારણ ઘટાડાની ચાલ બતાવી હતી. અદાણી ગ્રુપના સ્ટૉક્સમાં પણ કોઈ મોટી ઊથલપાથલ નહોતી. દરમ્યાન રીટેલ ઇન્ફ્લેશનનો દર નીચો આવતાં એને એક સકારાત્મક પરિબળ ગણાયું હતું. જોકે હાલના સંજોગોમાં આની ખાસ અસર નહોતી. મંગળવારે બજાર ધીમે-ધીમે કરેક્શન મોડમાં જતું ગયું અને અંતમાં સેન્સેક્સ ૬૯૨ પૉઇન્ટ અને નિફ્ટી ૨૦૦ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યો હતો. આમ તો સ્મૉલ-મિડકૅપ સહિત સમગ્ર બજાર જ ડાઉન ટ્રેન્ડમાં રહ્યું હતું. ગ્લોબલ સંકેતો પણ નબળા જ હતા. બુધવારે ફરી માર્કેટ વધઘટ બાદ સાધારણ સુધારા સાથે બંધ રહ્યુ હતું. ગુરુવારે બજાર ૧૫ ઑગસ્ટના સ્વાતંત્ર્યદિન નિમિત્તે બંધ રહ્યું હતું.
શુક્રવારે અમેરિકાના પૉઝિટિવ ઇકૉનૉમિક ડેટાને કારણે ભારતીય માર્કેટ એક્સ્ટ્રા-ઑર્ડિનરી બુલિશ રહ્યું, અમેરિકાના આર્થિક ડેટાના સંકેત મુજબ અમેરિકા રિસેશનમાં જવાની શક્યતા નહીં હોવાના અહેવાલે અહીં સેન્સેક્સ ૧૩૩૦ પૉઇન્ટ અને નિફ્ટી ૪૦૦ પૉઇન્ટની છલાંગ સાથે બંધ રહ્યા હતા. સેન્સેક્સ પુનઃ એક વાર ૮૦ હજારને પાર અને નિફ્ટી ૨૪,૫૦૦ને પાર કરી બંધ રહ્યો હતો. નવા સપ્તાહમાં પ્રૉફિટ-બુકિંગની સંભાવના વધી જશે એમ સમજીને ચાલવું જોઈશે. જોકે વધુ સારા ગ્લોબલ સંકેતો આવશે તો બજાર તેજીની એકતરફી ચાલ કન્ટિન્યુ રાખી શકે છે.
ગ્લોબલ સંજોગો મુખ્ય પરિબળ
અત્યારે તો ભારતીય શૅરબજાર પર ગ્લોબલ સ્તરેથી ઉદ્ભવતી અસરો જ મુખ્ય પરિબળ બને એવો માહોલ છે જે ગમે ત્યારે ત્રાટકી શકવાની પણ શક્યતા રહે છે, પરંતુ ભારતીય અર્થતંત્ર હાલ અકબંધ છે. જોકે માર્કેટ ગ્લોબલ અસરોથી મુક્ત રહી શકશે નહીં, જેથી વધઘટ થયા કરશે, જેમાં ડર અને ડેરિંગ (વધારેપડતા જોખમ લેવાથી) બન્નેથી દૂર રહેવું. કરેક્શન તક બની શકે, પરંતુ કરેક્ટ સમયે અને કરેક્ટ સ્ટૉક્સ સાથે જ એમ થઈ શકે. માત્ર એકાદ કરેક્શન કે સાધારણ કરેક્શનમાં આવું ન કરી શકાય. કરેક્શનનાં કારણ સમજીને નિર્ણય લેવો પડે. આવા સમયમાં સ્ટૉક-સિલેક્શન ફન્ડામેન્ટલ્સ આધારિત અને મોટે ભાગે લાર્જકૅપમાંથી થવું જોઈએ.
હિંડનબર્ગ મામલે બાવીસમી પર નજર
દરમ્યાન SEBIનાં ચીફ માધબીપુરી બુચ સામે હિંડનબર્ગના રિપોર્ટમાં વધુ એક આક્ષેપ એ કરાયો છે કે તેમણે પોતાની સિંગાપોરસ્થિત અને ભારતસ્થિત કન્સલ્ટન્સી ફર્મમાંથી SEBIનાં ચૅરપર્સન બન્યા બાદ પણ આવક લેવાનું ચાલુ રાખીને નિયમનું ઉલ્લંધન કર્યું છે. બીજી તરફ કૉન્ગ્રેસ બાવીસમીએ હિંડનબર્ગ-SEBI-અદાણી મુદે આંદોલન કરવાની ચીમકીનો અમલ કરવાની છે, જે આ મામલે વાતનું વતેસર અને વિવાદ કરશે એવી શક્યતા છે. હિંડનબર્ગના આક્ષેપ-પ્રકરણમાં અત્યાર સુધી તો સરકારને કોઈ વધારાનું નિવેદન કરવાનું જરૂરી લાગ્યું નથી જે એની ગંભીરતા કેટલી છે એનો સંકેત આપે છે. જોકે બાવીસમીએ વિરોધ પક્ષના આરોપોના પ્રત્યુત્તરમાં સરકાર કોઈ ચોક્કસ નિવેદન કરશે ખરી.
હેવી કરેક્શન આવે તો શું કરવું?
માર્કેટમાં ચોક્કસ સ્ટૉક્સમાં ઊંચા વૅલ્યુએશનની ચિંતા પણ કરવી રહી, બજાર પાસે ટૂંકા ગાળામાં વધુપડતી આશા રાખવી નહીં, સિલેક્ટેડ સ્ટૉક્સ અને એ પણ લાંબા ગાળા માટે રાખવા. નબળા ફન્ડામેન્ટલ્સવાળા સ્ટૉક્સની પાછળ તણાઈ જવું નહીં, જો હાલ એ માર્કેટમાં ચાલતા હોય-વધતા હોય તો પણ એનાથી લલચાશો નહીં. હવે મહત્તમ નજર ગ્લોબલ ઘટનાઓ પર વધુ રાખવી જોઈશે. ગ્લોબલ સ્તરે કંઈક ભારે નેગેટિવ ઘટના બને તો જ બજારમાં હેવી કરેક્શન આવી શકે, પરંતુ એ આવે તો પણ એ લાંબું ચાલશે નહીં એવું અનુભવીઓ માને છે. સક્ષમ રોકાણકારો આ પડકારરૂપ સમયને તક બનાવી શકે અને જેઓ જોખમ લેવા સક્ષમ નથી તેમણે આવા સમયમાં વેઇટ ઍન્ડ વૉચનો અભિગમ રાખવો.
મહત્ત્વના આર્થિક સમાચાર-સંકેત
ગ્લોબલ સંસ્થા નોમુરાના મતે રિઝર્વ બૅન્ક આગામી સમયમાં વ્યાજદરમાં ૭૫ બેસિસ પૉઇન્ટ (પોણો ટકો) ઘટાડો કરે એવી ધારણા છે.
બજેટમાં શૅર્સ બાયબૅક પર ટૅક્સ લાગુ કરાતાં આ ટૅક્સ અમલમાં આવે એ પહેલાં ૧૬ જેટલી કંપનીઓ બાયબૅક પ્લાનની તૈયારીમાં છે.
રિઝર્વ બૅન્કે ચેક ક્લિયરન્સ માટેનો સમયગાળો ટી-પ્લસ-વનથી ઘટાડીને સમાન દિવસે અમુક કલાકમાં જ ચેક ક્લિયર થઈ જાય એવી તૈયારી કરી છે.
હેલ્થ અને લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસીના પ્રીમિયમ પર GSTના દર વિશે GST કાઉન્સિલની ટૂંક સમયમાં બેઠક થવાની છે.
પ્રથમ ક્વૉર્ટરમાં શહેરી બેરોજગારીનો દર નજીવો નીચે ગયો છે.
કેન્દ્ર સરકાર ભારતને ગ્લોબલ એવિયેશન હબ બનાવવાનું ધ્યેય રાખે છે.
બજાજ હાઉસિંગ ફાઇનૅન્સ સપ્ટેમ્બરમાં IPO લાવે એવી શકયતા છે.
ગણતરીપૂર્વકનું જોખમ લેવાનો અભિગમ રાખો : નીલેશ શાહ
કોટક મહિન્દ્ર ઍસેટ મૅનેજમેન્ટ કંપનીના CEO-મૅનેજિંગ ડિરેક્ટર નીલેશ શાહ બજારના વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને કહે છે, ‘આ સમયમાં બધાં જ ઈંડાં એક બાસ્કેટમાં ન મૂકવાની નીતિને અનુસરો. શૅર્સ સાથે કૉમોડિટીઝ, રિયલ એસ્ટેટ, ડેટ સાધનો સમાન વિવિધ ઍસેટ્સની બાસ્કેટમાં લાંબા ગાળા માટે રોકાણ કરો, ગણતરીપૂર્વકનું જોખમ ઉઠાવવાનો અભિગમ પણ રાખો. ઉતાવળે આંબા નહીં પાકે. ધીરજ રાખતાં શીખો. ભૂતકાળની કામગીરીને જ માત્ર આધાર બનાવો નહીં. શિસ્તબદ્ધ રીતે નિયમિત રોકાણ કરો.’