મકાઈની વધતી માગ જોતાં પાંચ વર્ષમાં ઉત્પાદનમાં ૧૦૦ લાખ ટનનો વધારો થશે

25 April, 2023 05:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇથેનૉલ ઉત્પાદન વધતાં અને પોલ્ટ્રી સેક્ટરની વધતી માગથી વપરાશ વધશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

દેશમાં મકાઈની બજારો હાલ ઊંચી સપાટીથી ઘટી રહી છે, પંરતુ સરકાર દ્વારા મકાઈના વધતા વપરાશને ધ્યાનમાં રાખીને ઉત્પાદન વધારવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરાઈ રહ્યું છે. ભારત સરકારે જણાવ્યું હતું કે જો ઇથેનૉલ ઉત્પાદન અને પોલ્ટ્રી ઉદ્યોગની વધતી જતી માગને સંતોષવી હોય તો આગામી પાંચ વર્ષમાં મકાઈનું ઉત્પાદન ૧૦૦ લાખ ટન વધારવાનો અંદાજ છે. ફિક્કી દ્વારા આયોજિત ઇન્ડિયા મકાઈ સમિટનું ઉદ્ઘાટન કરતાં કેન્દ્રીય કૃષિ સચિવ મનોજ આહુજાએ મકાઈની સમગ્ર મૂલ્ય શૃંખલામાં વ્યવસ્થિત રીતે નુકસાન ઘટાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આહુજાએ વધુમાં કહ્યુ કે દેશમાં અત્યારે મકાઈનું ઉત્પાદન ૩૩૦થી ૩૪૦ લાખ ટન વચ્ચે થાય છે અને આ જરૂરિયાત આગામી પાંચ વર્ષમાં વધીને ૪૪૦થી ૪૫૦ લાખ ટન થવાનો અંદાજ છે. ઇથેનૉલ સેક્ટરની માગ વધી રહી છે અને પોલ્ટ્રી સેક્ટરમાં પણ એકધારો વપરાશ વધી રહ્યો છે, પરિણામે બન્ને સેક્ટરની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે ઉત્પાદન વધારવું જરૂરી છે. દેશમાં મકાઈનું ઉત્પાદન ૩૪૬.૧ લાખ ટન થવાનો અંદાજ છે, જે ગયા વર્ષે ૩૩૭.૩ લાખ ટન થયું હતું. 

business news commodity market