12 April, 2023 05:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દેશમાં ઘઉંનું ઉત્પાદન સરકારી અંદાજ કરતાં નીચું થવાનો અંદાજ અમેરિકન કૃષિ વિભાગે વ્યક્ત કર્યો છે. અમેરિકન કૃષિ વિભાગની ફૉરેન ઍગ્રિકલ્ચરલ સર્વિસના મતે ભારતમાં આ વર્ષે ઘઉંનું ઉત્પાદન ૧૦૮૦ લાખ ટન થવાનો અંદાજ છે, જે સરકારના ૧૧૨૧.૮ લાખ ટનના અંદાજ કરતાં નીચું છે.
આ અંદાજ તાજેતરમાં ખાનગી એજન્સી ઍગ્રી વૉચના ૧૦૨૮.૯ લાખ ટનના અંદાજની નજીકનો અંદાજ પણ છે. ઘઉંના કેટલાક ટ્રેડરો કહે છે કે ઘઉંના પાકનો અંદાજ હજી થોડા દિવસ પછી આવી શકશે, જ્યારે આવકોમાં પીક ઉપર આવશે. એપ્રિલ મહિનામાં ઘઉંની આવકો કેવી થાય છે એના પર પણ પાકનો મોટો આધાર રહેલો છે.
અમેરિકન કૃષિ સંસ્થા કહે છે કે દેશમાં ૩૧૯ લાખ હેક્ટરમાં વાવેતરમાંથી ૧૦૮૦ લાખ ટન ઉત્પાદન થશે, જે ગયા વર્ષના ૧૦૦૦ લાખ ટનના ઉત્પાદન કરતાં સારા પાકની સ્થિતિ બતાવે છે. જોકે સરકારનો અંદાજ ખૂબ જ ઊંચો છે અને સરકારના અંદાજ બાદ માર્ચ મહિનામાં અનેક વાર વરસાદ અને બરફના કરા પણ પડ્યા છે, જેને પગલે પણ ઘઉંના પાકને નુકસાન પહોંચ્યું છે. આવી સ્થિતિમાં ઘઉંના પાકના નવા અંદાજ બધા જ નીચા આવી રહ્યા છે.
દેશમાં પ્રતિકૂળ હવામાનની અસર દેશનાં તમામ મોટા ઘઉં ઉત્પાદક રાજ્યોમાં થઈ છે અને તમામ રાજ્યોમાં થોડા-ઘણા અંશે પાકને નુકસાન થયું છે. ઘઉંના પાકમાં જથ્થા કરતાં પણ ક્વૉલિટીનું નુકસાન વધારે છે, જેને પગલે પાકનો અંદાજ ઊંચો હોય તો પણ સારી ક્વૉલિટીનો માલ બહુ ઓછો મળશે.