21 March, 2023 05:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દેશમાંથી તેલીબિયાં ખોળની નિકાસમાં જબ્બર વધારો જોવા મળી રહ્યો છે. તેલીબિયાં ખોળની નિકાસ ફેબ્રુઆરીમાં આગલા મહિનાની તુલનાએ સ્ટેબલ છે, પંરતુ ગયા વર્ષની તુલનાએ ૧૫૨ ટકાનો જંગી વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને સોયા ખોળની નિકાસ વધતાં કુલ નિકાસ વધી છે.
સૉલ્વન્ટ એક્સટ્રૅક્ટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયાના આંકડાઓ પ્રમાણે દેશમાંથી ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ ૨૦૨૨થી ફેબ્રુઆરી ૨૦૨૩ દરમ્યાન એટલે કે ૧૧ મહિનાની કુલ નિકાસ ૩૭.૬૯ લાખ ટનની થઈ છે જે ગયા વર્ષે ૨૧.૩૨ લાખ ટનની હતી. આમ ખોળની કુલ નિકાસમાં ૭૭ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.
સોયાબીનના ભાવ એપ્રિલ ૨૦૨૨માં ૭૬૪૦ રૂપિયા હતા જે હાલ ઘટીને ૫૨૦૦ રૂપિયાની નીચી સપાટી પર આવી ગયા હોવાથી સોયા ખોળમાં નિકાસ પેરિટે બેસી રહી છે જેને પગલે ખોળની નિકાસ વધી હતી. ભારતીય સોયા ખોળના ભાવ અત્યારે ૫૬૦ ડૉલર પ્રતિ ટન છે, જેની તુલનાએ આર્જેન્ટિનાના ખોળના ભાવ ૬૦૮ ડૉલર પ્રતિ ટન ક્વોટ થાય છે. વળી ભારતીય ખોળ નૉન જીએમઓ હોવાથી એનો પણ ભારતને ફાયદો મળે છે જેને પગલે નિકાસ-વેપારો વધ્યા છે.
દેશમાંથી ફેબ્રુઆરી મહિનામાં તેલીબિયાં ખોળની કુલ નિકાસ ૪.૭૧ લાખ ટનની થઈ હતી જે જાન્યુઆરીમાં ૪.૭૨ લાખ ટનની હતી, આમ નજીવો ઘટાડો થયો છે. સોયા ખોળની નિકાસ ૧૦૯ ટકા વધીને ૨.૩૦ લાખ ટનની થઈ છે જે આગલા મહિને ૧.૧૦ લાખ ટનની થઈ હતી. ફેબ્રુઆરીમાં એ સિવાય તમામ ખોળની નિકાસ આગલા માહિના કરતાં ઘટી છે. રાયડા ખોળની નિકાસમાં ૪૧ ટકાનો ઘટાડો થઈને ૧.૪૧ લાખ ટનની નિકાસ થઈ છે, જ્યારે એરંડા ખોળની નિકાસ ૨૪ ટકા ઘટીને ૩૦ હજાર ટનની થઈ હતી.