ભારત : સંકટગ્રસ્ત વિશ્વમાં ઝગમગી રહેલો એક તારલો

20 November, 2023 02:46 PM IST  |  Mumbai | Amit Trivedi

વિકસિત વિશ્વ ફુગાવાનો ઊંચો દર, યુદ્ધ, ખાદ્ય પદાર્થોની અછત અને ઊર્જા સંકટનો સામનો કરી રહ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

થોડા દિવસ પહેલાં એક એનઆરઆઇ મિત્ર સાથે વાત થઈ. તે હવે ભારત પાછો આવવાનું વિચારે છે. મેં તેને આ નિર્ણયનું કારણ પૂછ્યું, ‘સીધી વાત છે : વિકાસ. આખી દુનિયામાં આટલો વિકાસ ક્યાં જોવા મળે?’

આઇસીસી વર્લ્ડ કપની સેમી ફાઇનલના દિવસે વિખ્યાત ફુટબૉલર ડેવિડ બેકહૅમ મુંબઈ આવ્યો હતો. સચિન તેન્ડુલકર સાથે વાત કરતાં તેણે કહ્યું, ‘ભારતમાં આવ્યા પછી હું થોડાં બાળકોને મળ્યો. તેઓનો આત્મવિશ્વાસ જોઈને હું ખૂબ પ્રભાવિત થઈ ગયો. દુનિયાના ખૂબ ઓછા દેશોમાં આ સ્તરનો આત્મવિશ્વાસ જોવા મળે છે.’

આ બન્ને ઉદાહરણો એક વસ્તુને પ્રકાશિત કરે છે - વધતી જતી અર્થવ્યવસ્થા અને અત્યંત આત્મવિશ્વાસ ધરાવતા લોકો.

આ સંદર્ભમાં વિશ્વની સ્થિતિ તદ્દન નાજુક લાગે છે. વિકસિત વિશ્વ ફુગાવાનો ઊંચો દર, યુદ્ધ, ખાદ્ય પદાર્થોની અછત અને ઊર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. ઘણા મોટા દેશો તેમના જીડીપીની તુલનામાં મોટા દેવાનો બોજ ધરાવે છે. બીજી બાજુ, કેટલાક દેશો અતિ ફુગાવો અને નબળી આર્થિક સ્થિતિનો સામનો કરી રહ્યા છે.

મોટા કદની અર્થવ્યવસ્થા અને ઉચ્ચ વૃદ્ધિદર

૧૯ નવેમ્બરે ભારતીય અર્થતંત્રે પ્રથમ વખત યુએસ ૪ ટ્રિલ્યન ડૉલરનો આંકડો પાર કર્યો. ઝડપી દરે વૃદ્ધિ પામતા આ કદની જીડીપી ઝડપી વૃદ્ધિ પામતા નાના દેશ કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે

૧ ટ્રિલ્યન ડૉલરની અર્થવ્યવસ્થા માટે ૧૦ ટકા વૃદ્ધિ = ૧૦૦ બિલ્યન ડૉલર

૪ ટ્રિલ્યન ડૉલરની અર્થવ્યવસ્થા માટે ૭ ટકા વૃદ્ધિ = ૨૮૦ બિલ્યન ડૉલર

ડેમોગ્રાફિક ડિવિડન્ડ

આજથી લગભગ બે દાયકા પહેલાં, ગોલ્ડમૅન સાક્સ નામની જાણીતી કંપની દ્વારા એક વિશ્લેષણ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ રિપોર્ટમાં ભારતના યુવાધનની તાકાત વિશે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી. ઘણા સંશયવાદીઓ આ મોટી વસ્તીને જવાબદારી તરીકે ગણતા હતા. જોકે છેલ્લા બે દાયકામાં આપણે જે જોયું એ કોઈ ચમત્કારથી ઓછું નથી.

આજે તે જ યુવા તકો માટે ભૂખ્યા છે અને વિશ્વની શ્રેષ્ઠતાઓ સાથે પણ સંપર્કમાં આવ્યા છે. ભારતીયોની આવક અને સંપત્તિમાં સરેરાશ વધારો થયો છે અને એની સાથે શિક્ષણનું સ્તર પણ વધ્યું છે.

વિકાસદર નીચો હોવા છતાં જ્યારે અર્થતંત્ર મોટું થાય છે ત્યારે જીડીપીમાં વાસ્તવિક ઉમેરો ઘણો વધારે હોય છે. એ જ સમયે, અર્થતંત્રનું કદ મોટું છે, પરંતુ વસ્તી સૌથી મોટી છે. આવી સ્થિતિમાં, માથાદીઠ જીડીપી તદ્દન નીચી છે.

જ્યારે માથાદીઠ જીડીપી નીચી હોય અને આકાંક્ષાઓ વધુ હોય, ત્યારે શક્ય છે કે યુવાનો વધુ પ્રયત્નો કરે. થોડા સમય પહેલાં નારાયણ મૂર્તિએ કંઈક આવું જ કહ્યું હતું, ‘ભારતમાં તકોને ધ્યાનમાં રાખીને યુવાનો દર અઠવાડિયે ૭૨ કલાક કામ કરવાનું પસંદ કરશે.’

ભારતની કેટલીક સિદ્ધિ

આટલી મોટી વસ્તી ધરાવતા દેશને ચલાવવા માટે હંમેશાં એક મોટો પડકાર માનવામાં આવતો હતો. એ છતાં આપણે ઘણું હાંસલ કર્યું છે.

આજના સમયમાં ભારતની ક્ષમતાઓ પર ઘણો વધુ વિશ્વાસ છે. જોકે જ્યારે આત્મવિશ્વાસ આટલો ઊંચો નહોતો ત્યારે પણ અમે એ કરી શક્યા જે વિશ્વનો સૌથી વિકસિત દેશ ન કરી શક્યો. ૨૦૧૯ની યુનિયન ચૂંટણીમાં ૫૦ કરોડથી વધુ મતદારોએ મતદાન કર્યું હતું. આ વિશ્વના ત્રીજા સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ - યુનાઇટેડ સ્ટેટ્સની કુલ વસ્તીના ૧.૫ ગણું છે. આટલા મોટા ટર્ન આઉટ હોવા છતાં, પરિણામો યુ.એસ.માં લે છે એની સરખામણીમાં ઘણા ઓછા સમયમાં જાહેર કરવામાં આવે છે. કોવિડ-19 રસીનું રોલ આઉટ એ બીજી સફળતા છે, જે ભારતે હાંસલ કરી છે.

ભારતીય અર્થતંત્રનું ઔપચારીકરણ

આ સિદ્ધિઓ સાથે, કંઈક રસપ્રદ બની રહ્યું છે. ભારતીય અર્થતંત્ર ધીમે-ધીમે અને સતત ઔપચારિક બની રહ્યું છે. ચાલો કેટલાક આંકડાઓ પર નજર કરીએ

૧. ડાયરેક્ટ ટૅક્સ ટૂ જીડીપી રેશિયો

૨૦૦૦-૦૧ : ૩.૨૫ ટકા

૨૦૨૧-૨૨ : ૫.૯૭ ટકા

૧. ડિજિટલ ટ્રાન્ઝૅક્શન્સ

૨૦૧૬ : ૪.૪ ટકા ઑફ જીડીપી

૨૦૨૩ : ૭૬.૧ ટકા ઑફ જીડીપી

૧. શરૂઆતનાં નવ વર્ષમાં જન ધન ખાતાંઓ નવ કરોડના આંકડાને વટાવી ચૂક્યાં છે.

એની સાથે મૂડીબજારમાં ભારતીય રોકાણકારોની ભાગીદારી પ્રોત્સાહક છે.

મ્યુચ્યુઅલ ફન્ડ AUM

જૂન ૨૦૨૩ : ૪૩.૧૦ લાખ કરોડ રૂપિયા

જૂન ૨૦૧૩ : ૮.૪૬ લાખ કરોડ રૂપિયા

જેમ-જેમ વધુ ને વધુ ભારતીયો ઔપચારિક અર્થવ્યવસ્થામાં સામેલ થાય છે, એ દેશ માટે સારી વાત છે.

વિદેશી ભંડોળનો પ્રવાહ

તાજેતરમાં જેપી મૉર્ગન ગવર્નમેન્ટ બૉન્ડ ઇન્ડેક્સમાં ભારતીય સરકારી બૉન્ડનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ એક બાબત અંદાજે યુએસ ૨૦ બિલ્યન ડૉલરના વધારાના પ્રવાહમાં પરિણમી શકે છે. પ્રતિષ્ઠિત અને પ્રભાવશાળી ઇન્ડેક્સમાં આવો સમાવેશ અર્થતંત્રની સ્થિરતા તેમ જ ધિરાણની સરળતા તરફ દોરી શકે છે.

અંતમાં

જેમ ઘણા નિષ્ણાતોએ અભિપ્રાય આપ્યા છે, આગામી દાયકા કે એથી વધુ સમય ભારતનો હશે. આપણે એક મોટા પરિવર્તનના સાક્ષી થવાની સંભાવના છે જે માત્ર ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનતું જોશે નહીં, પરંતુ માથાદીઠ જીડીપીમાં પણ ભારે વૃદ્ધિ જોવા મળશે.

indian economy india business news