22 March, 2025 07:44 AM IST | Mumbai | Kanu J Dave
પ્રતીકાત્મક તસવીર
ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સની ગાડી આગળ વધી, ટીસીએસ સાનુકૂળ સમાચારે સુધર્યો, ભારતી ઍરટેલમાં ૪ ટકાની તેજી, ઍનલિસ્ટોનો આશાવાદ વધ્યો
ગુરુવારે સેન્સેક્સ વધુ 899 પૉઇન્ટ્સ, 1.19 ટકાના દૈનિક સુધારા સાથે 76,348ની સપાટીએ અને નિફ્ટી ડેઇલી બેસિસ પર વધુ 283 પૉઇન્ટ્સ, 1.24 ટકા વધીને 23,190ના સ્તરે વિરમ્યા હતા. બજારની ત્રીજી, ચોથી માર્ચથી શરૂ થયેલી આ કરેક્ટિવ તેજીના અત્યાર સુધીના 12 ટ્રેડિંગ દિવસોમાં તાતા મોટર્સથી લઈને રિલાયન્સ સુધીના ફ્રન્ટલાઇન શૅરોએ નિફ્ટીની કુલ 1,226 પૉઇન્ટ્સ, 5.58 ટકાની તેજીમાં ફાળો આપી ચોથી માર્ચના લો લેવલથી ઇન્ડેક્સને આ લેવલે ગુરુવાર 20 માર્ચે પહોંચાડ્યો છે. આ ઝડપી રિકવરીમાં નિફ્ટીના 50માંથી 46 પ્રતિનિધિઓએ રોકાણકારોને યથાશક્તિ વળતર આપ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને આઇસીઆઇસીઆઇ બૅન્ક જેવા ઇન્ડેક્સ હેવીવેઇટ શૅરોએ આ અપ મૂવમાં મુખ્ય ફાળો આપી ઇન્વેસ્ટરોના હૈયે હામ બંધાવી છે. ચોથી માર્ચે નિફ્ટી ફિફ્ટી ઇન્ડેક્સ 21,964.60ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. એ લેવલથી પાંચ સેશનમાં 712 પૉઇન્ટ્સ વધી ચાર દિવસ સાઇડવેઝ મૂવ દેખાડી 18-19-20 માર્ચનાં ત્રણ સેશનમાં વધીને 23,216.70 સુધી ગયા પછી 23,190.65 બંધ રહ્યો છે. હવે ઍનલિસ્ટો એ સાતસો પૉઇન્ટ્સની ઇનિશિયલ મૂવના આધારે 23,500-700 આસપાસનું ટાર્ગેટ લઈ આવ્યા છે. ઇન્ડેક્સ હેવીવેઇટ કંપનીઓએ કૉપી બુક સ્ટાઇલમાં આ ઝડપી ઇનિંગમાં ધુઆંધાર બૅટિંગ કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને આઇસીઆઇસીઆઇ બૅન્કે આ અવધિમાં 9-9 ટકાના સુધારા સાથે નિફ્ટી-સેન્સેક્સને બૉટમેથી ઊંચક્યા છે. રિલાયન્સ ગુરુવારે 1.69 ટકા સુધરી 1268 રૂપિયા અને આઇસીઆઇસીઆઇ બેન્ક 0.42 ટકાના ગેઇને 1318 રૂપિયાના સ્તરે બંધ હતા. આ 11 ટ્રેડિંગ સત્રો દરમ્યાન અન્ય ટોચના ગેઇનર્સમાં તાતા સ્ટીલ જેવી ભારતની સૌથી મોટી સ્ટીલ કંપનીનું નામ આવે છે. ચીનના સ્ટીમ્યુલસ અને ઘરઆંગણે ચોક્કસ પ્રકારના સ્ટીલની આયાત પર સેફગાર્ડ ડ્યુટીના કારણે છેલ્લાં ૧૧ ટ્રેડિંગ સત્રોમાં નિફ્ટી ૫૦ ઇન્ડેક્સમાં સૌથી વધુ 14 ટકાના પ્રમાણમાં આ શૅર વધ્યો છે. ગુરુવારે અડધો ટકો વધી 159 રૂપિયાના સ્તરે વિરમેલો આ શૅર વિશ્લેષકોના સકારાત્મક અભિપ્રાયના લીધે મજબૂત અન્ડરટોન દેખાડવાની સંભાવના છે. ભારત ઇલેક્ટ્રૉનિક્સે ૨૦૨૫ના નાણાકીય વર્ષ માટે 25 હજાર કરોડ રૂપિયાના ઑર્ડર ઇન્ફ્લો માર્ગદર્શનને પૂર્ણ કરવા માટે હજી વધુ આઠ હજાર કરોડ રૂપિયાના ઑર્ડર મેળવવાની જરૂર છે અને એ મેળવીને જ રહેશે એવા આશાવાદે શૅરનો ભાવ ગુરુવારે વધુ સવાબે ટકા વધીને 296 રૂપિયા બંધ હતો. ચોથી માર્ચથી શૅરનો ભાવ 12 ટકા વધ્યો છે. સન ફાર્માએ પણ આ અવધિમાં 11.7 ટકા અને એક દિવસમાં સવા ટકાના ગેઇને 1754 રૂપિયા બંધ આપ્યું છે. તાતા મોટર્સે આ સમયગાળા દરમ્યાન શૅર 606 રૂપિયાના બાવન અઠવાડિયાંના નીચલા સ્તરથી રિકવરી મોડમાં આવી 11.4 ટકાના ગેઇને અને દૈનિક 1.70 ટકા વધી 689 રૂપિયા બંધ આપ્યું છે. કંપનીના ચીફ ફાઇનૅન્શ્યલ ઑફિસરે આ જૂથની કંપની જેએલઆર દ્વારા ચોથા ક્વૉર્ટર અને આખા વર્ષ માટે અપાયેલું ગાઇડન્સ પૂર્ણ કરવા વિશે વિશ્વાસ વ્યક્ત કર્યો હોવાથી આ રિકવરી શરૂ થઈ છે. અદાણી પોર્ટ્સમાં ચોથી માર્ચના લેવલેથી 11.3 ટકાનો વધારો જોવાયો છે. ગુરુવારે 0.13 ટકાના નજીવા ગેઇને 1175 રૂપિયા બોલાતો હતો. પાવર ગ્રીડ અને હિન્દાલ્કો પણ આ સમયગાળા દરમ્યાન 10 ટકાથી વધુ સુધર્યા છે. ગુરુવારે બન્ને શૅરો 0.87 ટકા અને 1.07 ટકા વધી અનુક્રમે 279 રૂપિયા અને 706 રૂપિયાના સ્તરે વિરમ્યા હતા. એચડીએફસી લાઇફમાં આ 12 દિવસોમાં 9 ટકાથી વધુનો ગેઇન થયો છે. ગુરુવારે શૅર 1.14 ટકા વધી 672 રૂપિયાના લેવલે બંધ હતો. આ અવધિ દરમ્યાન જોકે ચાર નિફ્ટી શૅરોએ નકારાત્મક વળતર આપ્યું એમાં ઇન્ડસઇન્ડ બૅન્ક ગુરુવારે 1.11 ટકા ઘટી 685 રૂપિયા જેવો હતો. બાવન સપ્તાહનો લો ભાવ 606 રૂપિયા 12મી માર્ચના રોજ નોંધાયો છે. બૅન્કે સામે આવેલી અનેક સમસ્યાઓના પગલે ટોચથી 30 ટકાનો ઘટાડો દેખાડ્યો છે. આ શૅર હજી પણ એફઍન્ડઓમાં બૅન હેઠળ હોવાથી એ સેગમેન્ટમાં નવા સોદા થતા નથી. આશ્ચર્યજનક રીતે અન્ય ત્રણ નબળા પ્રદર્શન કરનારા શૅરોમાં IT શૅરો ટેક મહિન્દ્ર, ઇન્ફોસિસ અને વિપ્રોનો સમાવેશ થાય છે. યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજકપાત ન કરવાનો નિર્ણય લઈ 2025માં વધુ બે ઘટાડાનો સંકેત આપ્યો છે. જોકે હવે 75 બેસિસ પૉઇન્ટ્સના ઘટાડાનો આશાવાદ છે. ડૉલરની થોડી નબળાઈ અને એના કારણે ફુગાવાનું દબાણ પણ થોડું વધી રહ્યું હોવાથી ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC) થોભો અને રાહ જુઓનો માર્ગ અપનાવ્યો છે. સિટી જૂથે પ્રથમ ક્વૉર્ટરમાં યુએસ અર્થતંત્રમાં 0.1 ટકા સંકોચનની આગાહી કરી છે. મિશ્ર છૂટક વેચાણ ડેટા અને નબળા ગ્રાહક અને વ્યાવસાયિક વિશ્વાસના આંકડા આર્થિક અનિશ્ચિતતામાં વધારો કરી રહ્યા હોવાનું આ ગ્રુપ માને છે. ટ્રમ્પની નવી ટૅરિફ નીતિઓની અસર સમજાવી સિટી ગ્રુપ જણાવે છે કે જો ટૅરિફ મજબૂત ડૉલરને ટેકો આપે તો વ્યાપક વૈશ્વિક અનિશ્ચિતતાઓ આવી અસરનો સામનો કરી શકે છે. જોકે એથી વિપરિત નબળા ડૉલરથી ઊભરતાં બજારો રોકાણકારોની સંપત્તિ પર વધુ આકર્ષક વળતર મેળવી ફાયદામાં રહે છે. આ કારણસર જ ગુરુવારે સેન્સેક્સ નિફ્ટી સુધર્યા હોવાનું મનાય છે. હવે બીજી એપ્રિલથી અમલમાં આવનાર ટૅરિફ અને એની ડૉલર પરની અસર બજાર માટે નિર્ણાયક બની રહેશે. ગઈ કાલે ગુરુવારે નિફ્ટી વિક્લી ઑપ્શન્સની એક્સપાયરીના કારણે વેચાણો કપાતાં આ સુધારો જોવાયો છે. તેજીની આગેકૂચમાં એનએસઈના 124 ઇન્ડેક્સોમાંથી 119 પ્લસમાં બંધ થયા હતા. નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી ઇન્ડેક્સ વધુ 0.57 ટકા વધી 355 પૉઇન્ટ્સના ગેઇન સાથે 62,309 અને નિફ્ટી મિડકૅપ સિલેક્ટ વધુ 0.11 ટકા, 12 પૉઇન્ટ્સ સુધરી 11,365 બંધ હતા. નાણાકીય ક્ષેત્રના પ્રતિનિધિ બૅન્ક નિફ્ટી 0.72 ટકા સુધરી 50,062 અને ફાઇનૅન્શ્યલ સર્વિસિસ 0.70 ટકા વધી 24લ309ના સ્તરે વિરમ્યા હતા. એનએસઈના ઇન્ડેક્સોમાં નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ ગુરુવારે વધુ પોણાબે ટકા સુધરી 6172, નિફ્ટી કૅપિટલ માર્કેટ્સ ઇન્ડેક્સ ગુરુવારે વધુ 1.17 ટકા સુધરી 3230, નિફ્ટી રિયલ્ટી એક ટકો સુધરી 854 અને નિફ્ટી ઇન્હિયા ટૂરિઝમ અડધા ટકાના નજીવા ગેઇન સાથે 8570ના સ્તરે બંધ રહ્યા હતા. માર્કેટ બ્રેડ્થ ઍડ્વાન્સિસની તરફેણમાં હતી. બુધવારે બાજી હાથમાં લેનારા મિડ, સ્મૉલ, મલ્ટિકૅપ્સ આજે ફ્રન્ટલાઇનની સરખામણીએ શાંત હતા. નિફ્ટીના 50માંથી 44 શૅરો, નિફ્ટી નેક્સ્ટ 50ના 50માંથી 31 શૅરો અને મિડકૅપ સિલેક્ટના 25માંથી 16 શૅરો સુધર્યા હતા.
નિફ્ટીનો ભારતી ઍરટેલ ચાર ટકા વધી 1704 બંધ હતો. સોનાના સુધારા સાથે તાલ મિલાવી ટાઇટન સાડાત્રણ ટકા વધી 3183 રૂપિયાના સ્તરે વિરમ્યો હતો.
સમાચારોમાં આ શૅરો...
ટીસીએસ ગુરુવારે પોણાબે ટકા વધી 3556 રૂપિયા બંધ હતો. 3.2 બિલ્યન પાઉન્ડના ઍસેટ્સ મૅનેજ કરતી અને 2.6 બિલ્યન પાઉન્ડનો ધિરાણ પોર્ટફોલિયો ધરાવતી યુનાઇટેડ કિંગડમની ક્યુમ્બરલૅલેન્ડ બિલ્ડિંગ સોસાયટીના કોર બૅન્કિંગ સૉફ્ટવેરના આધુનિકીકરણનું કામ ટીસીએસ કરશે એવા સમાચારની પ્રોત્સાહક અસર થઈ હતી. આદિત્ય બિરલા કૅપિટલ સાડાત્રણ ટકા વધી 176 રૂપિયા બંધ હતો. વર્તમાન સ્તરેથી 50 ટકા વધવાના મેક્વેરીના આશાવાદી અહેવાલની અસર હતી.
બજાર સુધરતાં માર્કેટ કૅપિટલાઇઝેશનમાં પણ વધારો
એનએસઈ લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન 406.16 (402.48) લાખ કરોડ રૂપિયા અને બીએસઈ લિસ્ટેડ શૅરોનું 408.62 (405) લાખ કરોડ રૂપિયા થતાં ગુરુવારે રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો હતો. એનએસઈના 2981 (2990) ટ્રેડેડ શૅરોમાંથી 1143 (568) તથા બીએસઈના 4145 (4166) ટ્રેડેડ શૅરોમાંથી 1630 (1068) માઇનસમાં બંધ થયા એની સામે એનએસઈના 1759 (2345) અને બીએસઈના 2395 (2986) શૅરો વધીને બંધ રહ્યા હતા. એનએસઈ ખાતે 35 (42) અને બીએસઈમાં 69 (81) શૅરો બાવન સપ્તાહની નવી ટોચે હતા તો સામે અનુક્રમે 59 (89) અને 106 (154) શૅરો બાવન વીક લો પર હતા. એનએસઈના 184 (244) શૅરો ઉપલી સર્કિટે અને 55 (43) શૅરો નીચલી સર્કિટે પહોંચ્યા હતા.
FII લેવાલ, પણ DII વેચવાલ
ગુરુવારે FIIની 3239 કરોડ રૂપિયાની નેટ લેવાલી સામે DIIની નેટ 3136 કરોડ રૂપિયાની વેચવાલી રહેતાં કૅશ સેગમેન્ટમાં એકંદરે માત્ર 103 કરોડ રૂપિયાની નેટ લેવાલી જોવા મળી હતી.