25 April, 2023 04:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ)એ શૅરોના વાજબી મૂલ્યાંકનને આધારે ચાલુ મહિને અત્યાર સુધીમાં ભારતીય ઇક્વિટી માર્કેટમાં ૮૬૪૩ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. માર્ચમાં શૅરબજારમાં કુલ ૭૯૩૬ કરોડ રૂપિયાનું ચોખ્ખું રોકાણ કર્યું હતું, જે મુખ્યત્વે અમેરિકા સ્થિત જીક્યુજી પાર્ટનર્સ દ્વારા અદાણી ગ્રુપની કંપનીઓમાં મોટા પાયે કરેલા રોકાણને કારણે હતું.
એફપીઆઇએ ચાલુ નાણાકીય વર્ષની શરૂઆત સકારાત્મક નોંધ પર કરી હતી અને ત્રણ એપ્રિલથી ભારતીય ઇક્વિટીમાં ૮૬૪૩ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું, એમ ડિપોઝિટરીઝના ડેટા દર્શાવે છે.
મૉર્નિંગ સ્ટાર ઇન્ડિયાના અસોસિએટ ડિરેક્ટર - મૅનેજર રિસર્ચ હિમાંશુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે એફપીઆઇના પ્રવાહની દૃષ્ટિએ ભારત જેવી અર્થવ્યવસ્થાઓ માટે સ્થિતિ સામાન્ય રીતે અનુકૂળ છે.
ઉપરાંત ભારતીય ઇક્વિટીનું મૂલ્યાંકન એના એકત્રીકરણને પગલે વાજબી સ્તરે આવ્યું છે, જેણે વિદેશી રોકાણકારોને ભારતીય શૅરોમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે, એમ તેમણે ઉમેર્યું હતું.