16 December, 2022 03:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દેશમાં ચાલુ ખાદ્ય તેલ સીઝન વર્ષના પહેલા મહિના નવેમ્બરમાં ખાદ્ય તેલની આયાત સરેરાશ આગલા મહિનાની તુલનાએ ૧૨ ટકા વધી હતી. જોકે ગયા વર્ષની તુલનાએ આ વર્ષે આયાતમાં બે લાખ ટન જેવો વધારો થયો છે.
સૉલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા (સી)ના આંકડાઓ મુજબ દેશમાં નવેમ્બર મહિનામાં ખાદ્ય તેલની કુલ ૧૫.૨૮ લાખ ટનની આયાત થઈ છે, જે આગલા મહિનામાં ૧૩.૬૬ લાખ ટનની થઈ હતી. આમ ૧૨ ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે નવેમ્બર ૨૦૨૧માં ખાદ્ય તેલની આયાત ૧૧.૩૮ લાખ ટનની થઈ હતી.
દેશમાં નવેમ્બર મહિનામાં રિફાઇન્ડ પામોલીનની આયાતમાં ૫૮ ટકાનો વધારો થઈને ૨.૦૨ લાખ ટનની થઈ છે. વૈશ્વિક બજારમાં પામતેલના ભાવ સરેરાશ એની ટોચથી ૪૦ ટકાથી પણ વધુ ઘટી ગયા હોવાથી અને સરકારે આયાત ડ્યુટી ઘટાડી હોવાથી આયાતી તેલનો પ્રવાહ દેશમાં વધી રહ્યો છે.
નવા સોયાબીનની આવકો ચાલુ થવા લાગી હોવાથી સોયાતેલની આયાતમાં ૩૧ ટકાનો ઘટાડો થઈને ૨.૨૯ લાખ ટનની આયાત થઈ હતી.
દેશમાં પહેલી ડિસેમ્બરે વિવિધ પોર્ટ પર ખાદ્ય તેલનો કુલ ૭.૪૦ લાખ ટનનો સ્ટૉક છે, જેમાં ક્રૂડ પામતેલનો ૩.૮૫ લાખ ટન, પામોલીનનો ૧.૬૯ લાખ ટન, સોયાડીગમનો ૮૪,૦૦૦ ટન અને સનફ્લાવરનો ૧.૧૧ લાખ ટનનો સ્ટૉક પડ્યો છે, જ્યારે ૨૦.૨૩ લાખ ટનનો સ્ટૉક પાઇપલાઇનમાં પડ્યો છે. આમ કુલ સ્ટૉક નવેમ્બરની તુલનાએ ૩.૧૭ લાખ ટન વધારીને ૨૭.૭૨ લાખ ટનનો રહ્યો છે.