06 March, 2023 04:19 PM IST | Mumbai | Khyati Mashru Vasani
પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર
નાણાંનું સંચાલન કરવાનું શું મહિલાઓ માટે ખરેખર મુશ્કેલ છે કે પછી તેઓ રોકાણ બાબતેની પોતાની અરુચિને છુપાવવા માટે એનો એક બહાના તરીકે ઉપયોગ કરે છે? સમાજમાં આજે મહિલાઓ પુરુષોથી જરા પણ ઊતરતી નહીં હોવાનું વાતાવરણ છે. આમ છતાં એવું જોવા મળ્યું છે કે મહિલાઓ હજી પણ પોતાનાં નાણાંના ઉપયોગ બાબતે પોતાના અધિકારનો ઉપયોગ કરતી નથી. મોટા ભાગનાં ઘરોમાં બચત, રોકાણ વગેરે નાણાકીય નિર્ણયો પુરુષો જ લેતા હોય છે.
જોકે છેલ્લા થોડા વખતથી ઘણી મહિલાઓ નાણાંના સંચાલનનું મહત્ત્વ સમજી ચૂકી છે. અનેક મહિલાઓ નાણાકીય આયોજનના ક્ષેત્રે પ્રવેશવા ઉપરાંત પોતાનાં નાણાંનું સંચાલન કરવામાં પણ પાવરધી પુરવાર થઈ છે.
આઠમી માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અહીં મહિલાઓને નાણાકીય બાબતોમાં રુચિ લેતી કરવા માટે કેટલાક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છેઃ
૧. મહિલાઓ આર્થિક રીતે સ્વતંત્ર હોય તો તેમણે નાની-નાની બાબતોમાં દોડીને ઘરના પુરુષ પાસે જવું પડતું નથી. આ સ્વાતંત્રય મેળવવા માટે નાણાંનું સંચાલન જરૂરી છે. આર્થિક રીતે સલામત મહિલાઓમાં એક પ્રકારનો અલગ આત્મવિશ્વાસ અને આત્મસમ્માન હોય છે.
૨. સમાજનું બંધારણ અને મહિલાઓની મૂળભૂત જવાબદારીઓ જ એવી હોય છે કે તેમણે કારકિર્દીમાં અનેક બ્રેક લેવા પડે છે. લગ્ન વખતે, સંતાનપ્રાપ્તિ વખતે કે પછી પરિવારની બીજી જવાબદારીઓ નિભાવવા માટે બ્રેક લેવામાં આવે છે. જ્યારે નોકરી ન હોય ત્યારે આવક પણ મળતી નથી અને એને લીધે સ્થિર આવકની પ્રાપ્તિમાં અવરોધ ઊભો થાય છે.
આ જ કારણ છે કે મહિલાઓએ પોતાની કારકિર્દી શરૂ થાય એ જ દિવસથી નાણાકીય આયોજન શરૂ કરી દેવું જોઈએ, જેથી નોકરી ન હોય એવા સમયગાળામાં પણ આવક ચાલુ રહી શકે અથવા બીજા કોઈ પર નિર્ભર રહેવું પડે નહીં. કેટલીક મહિલાઓ ઉચ્ચાભ્યાસ માટે કારકિર્દીમાં બ્રેક લેતી હોય છે. એવા વખતે તો કૉલેજની ફી, ટ્યુશન ફી કે પછી પરીક્ષાની ફી જેવો વધારાનો ખર્ચ કરવાનો સમય હોય છે. ઉચ્ચ શિક્ષણ માટે લોન લેવી ન પડે એ માટે હાથમાં પૂરતાં નાણાં હોવાં જરૂરી છે. લોન લેવામાં આર્થિક જવાબદારી વધી જતી હોય છે અને એની પણ એક મર્યાદા હોય છે.
૩. દરેક પરિવારમાં ઇમર્જન્સી ભંડોળ અગત્યનું હોય છે. ઇમર્જન્સીને પહોંચી વળવા માટે નાણાંની સૌથી પહેલાં જરૂર પડતી હોય છે. ક્યારેક કોઈક સ્વજનનું ઓચિંતું હૉસ્પિટલાઇઝેશન કરવું પડે છે અથવા બીજો કોઈ અણધાર્યો ખર્ચ આવી પડે છે. મહિલાઓએ આવી પરિસ્થિતિ માટે પણ તૈયાર રહેવાનું હોય છે. આર્થિક સ્વાતંત્ર્યનો પણ એ એક ભાગ છે.
૪. વર્તમાન સમયમાં યુવતીઓ પોતાનાં લગ્નનો ખર્ચ પોતાની જ કમાણીમાંથી કાઢવાનો પ્રયત્ન કરતી હોય છે. આથી લગ્ન પહેલાં જ પૂરતી વ્યવસ્થા કરવાનો તેમનો હેતુ હોય છે. લગ્ન થઈ ગયા પછી સંતાનપ્રાપ્તિ વખતે મોટો ખર્ચ આવે છે. એ ઉપરાંત બીજા નાના-મોટા ખર્ચ ચાલુ જ રહેતા હોય છે.
ઉક્ત મુદ્દાઓને ધ્યાનમાં લેતાં દરેક મહિલાએ નાણાકીય સ્વાતંત્રય મેળવી લેવું જરૂરી છે. એના માટે નાણાકીય આયોજન હોવું જોઈએ. મહિલાઓએ વાસ્તવવાદી નાણાકીય લક્ષ્યો નક્કી કરે, આવકનો અંદાજ રાખે, દરેક મહિનાનું બજેટ ઘડે, નિવૃત્તિકાળ માટેનું આયોજન શરૂ કરી દે અને ઇમર્જન્સી ભંડોળની વ્યવસ્થા કરે એ બધાં નાણાકીય આયોજનનાં વિવિધ પાસાં છે.
છેલ્લે એટલું કહેવાનું કે મહિલાઓ આજની તારીખે અનેક પ્રવૃત્તિઓમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. તેઓ પોતે પણ પોતાની આર્થિક બાબતોનું આકલન કરે અને એને અનુરૂપ આયોજન કરે એ અગત્યનું છે. ફક્ત મહિલાઓ જાતે એ કામ કરે એની સાથે-સાથે પુરુષો પણ તેમની સાથે ખભેખભા મિલાવીને તેમને જોઈએ એટલું મહત્ત્વ આપે એ પણ આવશ્યક છે. ચાલો, આ મહિલા દિવસે સમાજમાં એ સંદેશનો પ્રસાર કરીએ કે પરિવારની મહિલાઓ આર્થિક રીતે સુરક્ષિતતા અનુભવતી હશે તો ચોક્કસપણે પરિવારનું કલ્યાણ થશે.