ક્વિક કૉમર્સ પ્લૅટફૉર્મ્સને કારણે દેશના કરિયાણાના બે લાખ સ્ટોર બંધ થઈ ગયા છે

30 October, 2024 11:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્વિક કૉમર્સ પ્લૅટફૉર્મ્સને કારણે દેશના કરિયાણાના બે લાખ સ્ટોર બંધ થઈ ગયા છે એવા એક સર્વે પછી ધ મુંબઈ ગ્રેન ડીલર્સ અસોસિએશનના અધ્યક્ષ કહે છે...

કરિયાણા સ્ટોર

ફક્ત બે લાખ નહીં, સાડાચાર લાખ દુકાનો બંધ થઈ જશે; અમારા ૮ હજાર મેમ્બરોમાંથી ૧૫૦૦ સિવાયના દુકાનદારોએ બિઝનેસ બદલી નાખ્યો છે

ઑલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ડિસ્ટ્રિબ્યુટર્સ ફેડરેશન (AICPDF)ના સર્વે પ્રમાણે ભારતમાં ફુલ ઝડપે વિકસી રહેલા ક્વિક કૉમર્સ બિઝનેસને કારણે દેશના કરિયાણાના બે લાખ સ્ટોર બંધ થઈ ગયા છે. જોકે મુંબઈના કરિયાણાના દુકાનદારો કહે છે કે કરિયાણાની દુકાનો બંધ થવા માટે ફક્ત ક્વિક કૉમર્સ જવાબદાર નથી, ક્વિક કૉમર્સ કરતાં પણ સૌથી મોટી અસર સરકારની મફત અનાજ આપવાની યોજનાને કારણે થઈ છે. આ સિવાય દુકાનોનાં ભાડાં અને માણસોના પગારમાં વધારો થવાથી અમારું માર્જિન ઓછું થઈ ગયું છે એમ પણ તેમનું કહેવું છે.

યુવાનો હવે દુકાનોમાં ખરીદી કરવા જવાને બદલે તેમની ફિંગરટિપ્સથી પળભરમાં ખરીદી કરવા લાગ્યા છે એમ જણાવતાં ધ મુંબઈ ગ્રેન ડીલર્સ અસોસિએશનના અધ્યક્ષ રમણીક છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હવે અનાજમાં પણ હરીફાઈ બહુ વધી ગઈ છે જેને કારણે મારી નજર સામે કુર્લામાં મારી આસપાસની કરિયાણાની પાંચ દુકાનો છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં બંધ થઈ ગઈ છે. હવે અનાજમાં માર્જિન ઘટી ગયું છે અને ખર્ચા વધી ગયા છે જેને કારણે ત્રણ ગાળાની કરિયાણાની અનેક દુકાનોમાંથી બે ગાળામાં કરિયાણા સિવાયનો માર્જિનવાળો બિઝનેસ શરૂ કરવામાં આવ્યો છે. આજની જનરેશનમાં એજ્યુકેશન વધવાથી અને લાઇફસ્ટાઇલ બદલાઈ ગઈ હોવાથી તેમને કરિયાણાની દુકાનમાં બેસવામાં રસ નથી. ઘાટકોપર-વેસ્ટમાં એક પ્રસિદ્ધ કરિયાણાની દુકાન મોબાઇલની દુકાનમાં પરિવર્તિત થઈ ગઈ છે, બીજી દુકાનના માલિકના પૌત્રો ડૉક્ટર બની જવાથી તેમના પુત્રો કરિયાણાની દુકાન બંધ કરીને બીજા બિઝનેસમાં લાગી ગયા છે. આવાં તો ઘણાં ઉદાહરણો છે. આ ઓછું હોય એમ સરકારની મફત અનાજ વિતરણ યોજનાની સીધી અસર અમારા રીટેલરો પર પડી છે. અત્યારે દિવાળીના સમયમાં મહારાષ્ટ્ર સરકાર આનંદચા શિધા નામની તહેવારની કિટનું વિતરણ કરી રહી છે. એમાં એક કિલો ખાંડ, એક લીટર ખાદ્ય તેલ, ૫૦૦ ગ્રામ રવો, ૫૦૦ ગ્રામ ચણાની દાળ, ૫૦૦ ગ્રામ મેંદો અને ૫૦૦ ગ્રામ પૌંઆ આપવામાં આવી રહ્યાં છે. એનાથી તહેવારોમાં પણ કરિયાણાના દુકાનદારોને નવરા બેસવાની નોબત આવી છે.’

આજના સમયમાં રીટેલ દુકાનમાં ખરીદી કરવા માટે પંચાવન વર્ષની ઉપરના ગ્રાહકો આવી રહ્યા છે એમ જણાવતાં રમણીક છેડાએ કહ્યું હતું કે ‘ઝોમાટો, ​ઝેપ્ટો, સ્વિગી તો બિઝેનસ પર બહુ ઓછી અસર કરે છે; પણ આજના યુવાનો ક્વૉલિટી જોયા વગર જ આંખે પાટા બાંધીને ઑનલાઇન ખરીદી કરવા લાગ્યા છે એની અસર વધુ જોવા મળે છે. એટલું જ નહીં, દુકાનદારો પણ પોતાની પ્રોડક્ટ્સ સિવાયની પોતાના પરિવાર માટે જોઈતી પ્રોડક્ટ્સ ઑનલાઇન ખરીદે છે. બિઝનેસને સ્થાયી કરવા માટે વેપારીઓએ અન્ય વેપારીઓ પાસેથી માલ ખરીદવાની આદત પાડવી પડશે, ત્યારે પોતાના બિઝનેસને તેઓ બચાવી શકશે. જો આમ નહીં કરવામાં આવે તો અમારા અંદાજ પ્રમાણે ફક્ત બે લાખ નહીં, સાડાચાર લાખ દુકાનો બંધ થઈ જશે એમાં શંકાને સ્થાન નથી. મુંબઈમાં અમારા આઠ હજાર મેમ્બરો હતા, જેમાંથી હવે ફક્ત ૧૫૦૦ દુકાનદારો જ કરિયાણાના બિઝનેસમાં છે. બાકીના દુકાનદારોએ તેમનો બિઝનેસ ફેરવી નાખ્યો છે.’

ક્વિક કૉમર્સ અને એમના મોટા ડિસ્કાઉન્ટની ઑફરો તથા ભળતી કિંમતોને કારણે કરિયાણાના સ્ટોરોના ગ્રાહકો અને નફો ઘટી ગયા છે. ક્વિક કૉમર્સ પ્લૅટફૉર્મ્સ પર તેમનાં ઉત્પાદનોની ડિમાન્ડ ગ્રાહકોની પસંદગીઓ બદલાવાને કારણે વધી છે. એક અહેવાલ પ્રમાણે કેટલીક ડાયરેક્ટ-ટુ-કસ્ટમર બ્રૅન્ડ્સ ગયા વર્ષની સરખામણીમાં આ પ્લૅટફૉર્મ્સ પર ૨૫૦ ટકા જેટલું ઊંચું ઉત્સવનું વેચાણ જોઈ રહી છે.  - AICPDFના અધ્યક્ષ ધૈર્યશીલ પાટીલ
business news mumbai news mumbai india national news indian government