14 June, 2024 08:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગુરુવારે US બજારો નબળા ટોને ખૂલ્યાં હતાં. ડાઉ જૉન્સ ઇન્ડેક્સ અડધો ટકો તૂટી 38494 આસપાસ, નૅસ્ડૅક કમ્પોઝિટ અને અને એસએન્ડપી 500 ઇન્ડેક્સ મામૂલી વધ-ઘટે 17663ના 5421ના સ્તરે હતા. 2024માં એક રેટ-કટ અને 2025માં બીજા 4 આવા કટ્સ આવશે એવો ઇશારો ફેડરલ રિઝર્વ ચૅરમૅન જેરામ પૉવેલના નિવેદનમાંથી મળતો હતો. ટેસ્લાનો શૅર નૅસ્ડૅકમાં ૪ ટકાના સુધારાએ ૧૮૫ ડૉલર આસપાસ હતો. ટેસ્લાની ગુરુવારે રાતે આપણા સમય પ્રમાણે બે કલાકે મળનારી એજીએમમાંનો પહેલો ઠરાવ ૫૬૫ અબજ ડૉલરની કંપની ટેસ્લાનું હેડક્વૉર્ટર ડેલાવેરથી ટેક્સસ શિફ્ટ કરવાની મંજૂરીનો છે. ડેલાવેરના એક જજે મસ્કને 555.8 બિલ્યન ડૉલરનું કંપનીના બોર્ડે મંજૂર કરેલું પૅકેજ રિજેક્ટ કર્યું હતું અને એ કારણસર ઇલૉન મસ્ક હેડક્વૉર્ટર ખસેડવા માગે છે. બીજો ઠરાવ મસ્કનું આ મસમોટું પૅકેજ જે તેમને હાઇએસ્ટ પેઇડ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) બનાવી શકે એની મંજૂરી આપવાનો છે. બન્ને ઠરાવો ભારે માર્જિનથી પાસ થવાની સંભાવનાને જોતાં ઍક્સ પર ટ્વીટ કરીને મસ્કે સપોર્ટ બદલ શૅરહોલ્ડરોનો આભાર માન્યો છે.
‘ફૉર્બ્સ’ના ૧૨ જૂનના ડેટા મુજબ બાવન વર્ષના ઇલૉન મસ્કની નેટવર્થ ૨૦૯ અબજ ડૉલર છે અને તેઓ ટેસ્લા, ઍક્સ, રૉકેટ બનાવનાર સ્પેસ ઍક્સ, ટનલિંગ સ્ટાર્ટઅપ બોરિંગ કંપનીઓના માલિક છે.