06 February, 2023 03:24 PM IST | Mumbai | Jitendra Sanghvi
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
વૈશ્વિક પડકારો (સર્વવ્યાપી ભાવવધારો, વ્યાજના દરના વધારા અને જિયો-પૉલિટિકલ તેમ જ જિયો-ઇકૉનૉમિક તણાવ)ની વણજાર વચ્ચે ગયા અઠવાડિયે રજૂ કરવામાં આવેલા અંદાજપત્રને ચોમેરથી સારો આવકાર મળ્યો છે.
આપણું અંદાજપત્ર રજૂ કરાયું એ જ દિવસે ફેડરલ રિઝર્વે એના વ્યાજના દરમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો વધારો (અગાઉના ચાર વધારા ૭૫ બેસિસ પૉઇન્ટના અને એક વધારો ૫૦ બેસિસ પૉઇન્ટનો) કર્યો છે. એ પછીના દિવસે (ફેબ્રુઆરી ૨) યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે તેમના વ્યાજના દરમાં ૫૦ બેસિસ પૉઇન્ટનો વધારો કર્યો છે. ભાવવધારો ધીમો પડ્યો હોવા છતાં હજી લક્ષ્યાંક કરતાં ઊંચો હોવાથી વ્યાજના દરનો વધારો થોડા સમય માટે ચાલુ રહેવાના સંકેત ત્રણે બૅન્કોએ આપ્યા છે.
એ ખરું કે આપણો ભાવવધારો ધીમો પડવાની શરૂઆત થઈ છે એટલે રિઝર્વ બૅન્ક વ્યાજના દરમાં વધારો ન કરવાનું (એ દ્વારા કેન્દ્ર સરકારના વિકાસલક્ષી અંદાજપત્રને ટેકો આપવાનું) વિચારી શકત. હવે ફેડ, ઈસીબી અને બીઓઈના વધારા પછી અને નજીકના ભવિષ્યમાં વધતા રહેવાના સંકેત પછી આપણા અને અન્ય વિકસિત દેશોના વ્યાજના દરનો તફાવત વધતો ન જાય એટલે પણ આવતા અઠવાડિયાની મૉનિટરી પૉલિસીમાં રિઝર્વ બૅન્ક ૨૫ બેસિસ પૉઇન્ટનો વધારો કરે એવી શક્યતા વધી છે.
અંદાજપત્ર પાથ-બ્રેકિંગ હોવા છતાં પૉપ્યુલિસ્ટ હોવાની છાપ કેમ ન પડી?
આર્થિક વિકાસ વધારવા માટે મૂડીરોકાણનો વધારો અનિવાર્ય ગણાય. વિશ્વના ધીમા પડી રહેલા અર્થતંત્રની આડઅસરમાંથી બચવા માટે આપણા વિકાસનો દર વધે એવા પગલાની અનિવાર્યતા વિશે બેમત ન હોઈ શકે એટલે નાણાપ્રધાને મૂડીરોકાણમાં જબ્બર વધારો કર્યો.
આ મૂડીરોકાણ દ્વારા રોડ, રેલવે, પોર્ટ અને ઍરપોર્ટ (ટ્રાન્સપોર્ટના બધા જ મોડ) જેવી માળખાકીય સવલતો વધારાય એટલે આપોઆપ નવી રોજગારીનું સર્જન થાય. લોકોની આવક વધે અને વપરાશ ખર્ચ પણ. સાથે-સાથે ફિસ્કલ ડેફિસિટ આવતા વરસે ચાલુ વરસ કરતાં ઘટે (જીડીપીના ૬.૪ ટકામાંથી ૫.૯ ટકા) એવી જોગવાઈ કરી.
ફિસ્કલ ડેફિસિટ કન્ટ્રોલ બહાર જાય તો સરકારે ફિસ્કલ ડિસિપ્લિન (ફિસ્કલ કન્સોલિડેશન)ના માર્ગથી ફંટાવું પડે એટલે કે સરકારે વધારે બોરોઇંગ કરવું પડે, જેને કારણે વ્યાજના દર વધે. સરકારનુ બોરોઇંગ વધે એટલે ખાનગી ક્ષેત્ર માટે મૂડીરોકાણનાં સાધનો (રિસોર્સિસ) ઘટે (ક્રાઉડિંગ આઉટ ઑફ પ્રાઇવેટ સેક્ટર ઇન્વેસ્ટમેન્ટ).
ફિસ્કલ ડેફિસિટ કન્ટ્રોલમાં રાખીને કરાતું જાહેર ક્ષેત્રનું મૂડીરોકાણ ખાનગી ક્ષેત્રના મૂડીરોકાણને આકર્ષી શકે એ માટે અનેક પ્રોત્સાહનો (મૅન્યુફૅક્ચરિંગ, સ્ટાર્ટ-અપ્સ અને એમએસએમઈ માટે) જાહેર કર્યાં.
સરકાર હમણાં ધીમા અને ઠંડા પડેલા પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી) મૉડલના અમલ માટે પણ જરૂરી પગલાં લેશે. ખાનગી ક્ષેત્રના વિદેશી મૂડીરોકાણકારો સહિતના મૂડીરોકાણકારો માટે વાજબી ભાવે (વ્યાજના દરે) નાણાંની ઉપલબ્ધિ ઉપરાંત કરવેરાના નીચા દર અને નવા ઉદ્યોગો સ્થાપવા માટે વિધિઓ (પ્રોસેસ)ની સરળતા અને ઝડપ વધે એવાં પગલાં પણ
જાહેર કર્યાં (૩૯,૦૦૦ કમ્પ્લાયન્સિસની નાબૂદી અને ૩૪૦૦ જેટલી કાયદાકીય જોગવાઈઓનું ડિક્રિમિનલાઇઝેશન).
આ શક્ય કેવી રીતે બન્યું?
અંદાજપત્રના આવક અને ખર્ચના આંકડાઓ નક્કી કરવામાં અનેક ધારણાઓ (એક્ઝમ્પ્શન) કરવી પડે. આમાંની કેટલીક ધારણાઓ ખોટી પણ પડી શકે. એ સંજોગોમાં આવતા વરસ (ફિસ્કલ ૨૫)ના અંદાજપત્ર સાથે પહેલાં (ફિસ્કલ ૨૪)ના અંદાજપત્રના આંકડા સુધારવાનો અવકાશ છે જ. સામાન્ય રીતે ફિસ્કલ ડેફિસિટના કન્ટ્રોલ માટે રેવન્યુ (આવક)નું ઓવર-એસ્ટિમેશન તેમ જ ખર્ચનું અન્ડર-એસ્ટિમેશન કરાતું હોય છે.
ઉપરાંત આ વરસે નાણાપ્રધાને કુલ રેવન્યુ ખર્ચમાં ફિસ્કલ ૨૪માં માત્ર નજીવા (મૂડી ખર્ચના ૩૩ ટકાના વધારા સામે) વધારાની જોગવાઈ કરી છે. કુલ સબસિડી (રોકડ સહાય)ના ખર્ચમાં ૨૮ ટકાનો ઘટાડો (૫.૬ લાખ કરોડ રૂપિયા સામે ૪ લાખ કરોડ રૂપિયા) કરાયો છે.
રેવન્યુ ખર્ચમાં ઘટાડાની જોગવાઈ (કરોડ રૂપિયા) નાણાપ્રધાને રૂરલ એમ્પ્લૉયમેન્ટ સ્કીમ (મનરેગા) માટેના ખર્ચમાં પણ ધરખમ ઘટાડો કર્યો છે.
આ પણ વાંચો : નવું મૂડીરોકાણ આર્થિક રીકવરી માટેનો ગુરુમંત્ર છે
ફિસ્કલ ૨૪માં રેવન્યુ ખર્ચના ઘટાડાની જોગવાઈ (કરોડ રૂપિયા)
સબસિડી ૧,૬૦,૦૦૦
૧. ફૂડ ૯૦,૦૦૦
૨. ફર્ટિલાઇઝર ૫૦,૦૦૦
૩. ફ્યુઅલ ૬૯૦૦
રૂરલ એમ્પ્લૉયમેન્ટ (મનરેગા) ૨૯,૪૦૦
ટોટલ ૧,૮૯,૪૦૦
સામાન્ય રીતે રેવન્યુ ખર્ચ (સરકારી કર્મચારીઓનાં વેતન, પેન્શન, વિવિધ રોકડ સહાય અને બોરોઇંગ પરનું વ્યાજ)માં ઘટાડો શક્ય નથી હોતો.
જરૂર પડ્યે સરકાર રેવન્યુ ખર્ચ વધારી શકે છે તો ફિસ્કલ ડેફિસિટ પણ વધવાની.
સરકારના મતે મનરેગા ગ્રામ્ય વિસ્તારના ‘ઇન્ક્લુઝિવ ગ્રોથ’ માટેનું શક્તિશાળી સાધન છે એમ છતાં હાલપૂરતી એ માટેની જોગવાઈ ઘટાડાઈ છે. નાણાપ્રધાનની જોગવાઈ પ્રમાણે ફિસ્કલ ૨૩માં નોકરી અપાઈ (૫.૮ કરોડ) એટલા જ લોકોને ફિસ્કલ ૨૪માં માત્ર ૩૨ દિવસ માટે નોકરી આપી શકાય (આ સ્કીમ હેઠળ એ માટે અરજી કરનારને એક વરસમાં ઓછામાં ઓછું ૧૦૦ દિવસ કામ પૂરું પાડવાની જોગવાઈ છે. ચાલુ વરસમાં અત્યાર સુધી દરેકને ૪૩ દિવસ કામ અપાયું છે). સામાન્ય ભાવવધારા પ્રમાણે આ સ્કીમ હેઠળ અપાતા વેતન (દાડિયા)માં
વધારો કરાય અને વધુ દિવસ માટે કામ અપાય તો આ કામ માટે ઓછી અરજીઓ આવે તો પણ ફિસ્કલ ૨૪માં એના માટે કરાયેલો ખર્ચ જોગવાઈ કરતાં વધી શકે.
રૂરલ ડેવલપમેન્ટ પ્રધાન ગિરિરાજ સિંઘના નિવેદન મુજબ જરૂર પડ્યે અંદાજપત્રમાં કરાયેલી મનરેગા માટેની જોગવાઈમાં વધારો કરાશે. કોઈ પણ સ્કીમ કે પ્રોગ્રામ માટે વધારાના
ખર્ચની જરૂર પડે તો એ કરીને સરકાર ‘સપ્લિમેન્ટરી ડિમાન્ડ ફોર ગ્રાન્ટ’ દ્વારા લોકસભાની મંજૂરી મેળવે જ છે. આ એક વરસોથી ચાલ્યો આવતો શિરસ્તો છે.
વધારાયેલા મૂડી ખર્ચ દ્વારા માળખાકીય સવલતો વધારવાના પ્રોજેક્ટોને કારણે મનરેગા હેઠળ કામ મેળવવા માટેની અરજીઓમાં ઘટાડો થવાની સરકારની ગણતરી છે.
અંદાજપત્રના આંકડાઓની પ્રમાણભૂતતા/વાસ્તવિકતાનો મોટો આધાર એના પાયામાં રહેલા ‘એક્ઝમ્પ્શન્સ’ પર છે. એ ધારણાઓ બદલીએ એમ આ આંકડાઓની વિશ્વસનીયતામાં વધારો કે ઘટાડો થતો રહેવાનો. અર્થકારણથી રાજકારણને ગમે એટલું અલગ કરવાનો પ્રયાસ કરાય ત્યારે પણ એમાં થોડી ભેળસેળ તો રહેવાની જ.
ઊંચા મૂડી ખર્ચની કિંમત અન્ય કોઈ રીતે ચૂકવવી પડશે
છેલ્લાં કેટલાંક વરસોમાં બચતનો દર ઘટ્યો છે એટલે સરકારે મૂડી ખર્ચ વધારવો પડ્યો છે. એ માટે સરકાર બાર લાખ કરોડ રૂપિયાની નવી લોન લેશે એટલે વ્યાજના દર એટલે અંશે વધવાના જ.
બીજી તરફ જો હાઉસહોલ્ડ બચતનો દર વધે તો વપરાશ ખર્ચ ઘટે જેને પરિણામે આર્થિક વિકાસનો દર ઘટે.
મફત લહાણી કરવાનો અવકાશ પણ મહામારીનાં બે વરસ પછી ઓછો થયો છે.
સામાન્ય રીતે સરકારની પાંચ વરસની મુદત હોય એટલે છેલ્લું (ચૂંટણી પહેલાંનું સંપૂર્ણ) અંદાજપત્ર ચૂંટણીલક્ષી (ઘણી બધી છૂટછાટ અને રોકડ સહાયનો વધારો) હોય. આ વખતે પૅન્ડેમિકને કારણે સરકારને આ બધી છૂટછાટો (ગરીબો માટે મફત અનાજની સ્કીમ સહિત) સત્તામાં આવ્યાનાં બે જ વરસમાં આપવાનો વારો આવ્યો. પરિણામે ફિસ્કલ ૨૧ માટેની ફિસ્કલ ડેફિસિટ ૯.૨ ટકા જેટલી ઊંચી રહી એટલે પણ આ અંદાજપત્રમાં ફિસ્કલ ડેફિસિટ બહુ વધારાઈ શકાય એમ હતું નહીં. સિવાય કે સરકાર તદ્દન બિનજવાબદાર બને અને અર્થતંત્રની સધ્ધરતાની પરવા કરવાનું છોડી દે (હાલની જવાબદાર સરકાર તો આમ ન જ કરે).
એ સિવાય ૨૦૧૪થી સત્તામાં આવ્યા પછીનાં છેલ્લાં નવ વરસમાં કાર્યક્ષમ આર્થિક વહીવટને કારણે અને મહામારીની ક્રાઇસિસમાંથી ભારતને સફળતાપૂર્વક (અન્ય વિકસિત અર્થતંત્રોની સરખામણીએ) ખૂબ ઝડપથી બહાર લઈ આવવાને કારણે સરકારને ૨૦૨૪ની ચૂંટણીઓ બહુમતીથી જીતવાનો પૂરો વિશ્વાસ છે એટલે પણ સરકારે ફિસ્કલ ડિસિપ્લિનના ભોગે પ્રજાને મફત લહાણી કરવાની જરૂર ઓછી લાગી હોય.
પ્રજાના કલ્યાણ /ઉત્કર્ષનાં કામોમાં, વિશ્વ કક્ષાની માળખાકીય સવલતો ઊભી કરવામાં કે શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી સૉફ્ટ માળખાકીય સવલતો ઊભી કરવામાં સરકારનો ફાળો મોટો હોય જ. આપણાં મોટાં જાહેર દેવાં (મહામારી કાળના જીડીપીના ૯૦ ટકાથી થોડું ઓછું થયા પછીય)ને કારણે એના રીપેમેન્ટની જવાબદારી બહુ મોટી છે. મહામારી વખતની ઊંચી ફિસ્કલ ડેફિસિટ લાંબો સમય ચાલુ રાખી શકાય નહીં.
વિકાસનો દર વધારવામાં સરકારે બહુ મોટી જવાબદારી નિભાવવાની હોય જ, તો મેક્રો-ઇકૉનૉમિક સ્ટેબિલિટી પણ આપણી લૉન્ગ ટર્મ ગ્રોથ સ્ટોરી અકબંધ રાખવા માટે એટલી જ અનિવાર્ય છે. એ સંદર્ભમાં સરકારે ફિસ્કલ ડેફિસિટના લક્ષ્યાંકને વળગી રહેવું જરૂરી ગણાય.