19 September, 2023 11:08 AM IST | Mumbai | Nitesh Buddhadev
પ્રતીકાત્મક તસવીર
૧ એપ્રિલ ૨૦૨૩ના રોજ અથવા એ પછીથી લીધેલી બધી જ લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસીઓનું કુલ પ્રીમિયમ જો પાંચ લાખ રૂપિયાથી વધુ હોય તો આવી પૉલિસીમાંથી જે રકમ મળી હોય એની પર મળતું એક્ઝમ્પ્શન નાબૂદ કરવા માટે ઇન્કમ ટૅક્સ ઍક્ટના સેક્શન ૧૦(૧૦D)માં ફાઇનૅન્સ ઍક્ટ, ૨૦૨૩ દ્વારા સુધારો કરવામાં આવ્યો છે. આને લગતાં વિવિધ પાસાંઓની સ્પષ્ટતા કરવા માટે હવે સીબીડીટી દ્વારા ૧૬ ઑગસ્ટ ૨૦૨૩ના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે.
૧ એપ્રિલ ૨૦૨૩ના રોજ અથવા એ પછીથી લીધેલી એકથી વધુ લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસીનું પ્રીમિયમ ભરવાનું હોય તો ઉપરોક્ત કલમ હેઠળ મળતું એક્ઝમ્પ્શન ફક્ત એ જ પૉલિસીઓ પર મળી શકશે જેમનું કુલ પ્રીમિયમ આ કોઈ પણ પૉલિસીઓની અગાઉનાં કોઈ પણ વર્ષોમાં આખી મુદત દરમ્યાન પાંચ લાખ રૂપિયાથી વધુ ન હોય.
ઉદાહરણથી સમજીએ
જયેશ પાસે એક ઇન્શ્યૉરન્સ પૉલિસી A છે, જે તેણે ૧ એપ્રિલ ૨૦૨૩ના રોજ ખરીદી છે. તે ૧૦ વર્ષ સુધી એટલે કે ૧ એપ્રિલ ૨૦૩૨ સુધી એનું પ્રીમિયમ પાંચ લાખ રૂપિયા ભરે છે. ત્યાર બાદ તે ૧ એપ્રિલ ૨૦૩૩ના રોજ પૉલિસી B ખરીદે છે, જેનું પાંચ લાખનું પ્રીમિયમ બીજાં દસ વર્ષ સુધી એટલે કે ૧ એપ્રિલ ૨૦૪૨ સુધી ભરે છે. ૧ એપ્રિલ ૨૦૪૩માં તેને પૉલિસી Aમાંથી ૫૦ લાખ પાકતી મુદતે મળે છે અને ૧ એપ્રિલ ૨૦૪૬ના રોજ પૉલિસી Bમાંથી ૬૦ લાખ મળે છે. આ કિસ્સામાં બન્ને પૉલિસીમાંથી મળેલી રકમ પર તેને એક્ઝમ્પ્શન મળશે, કેમ કે પૉલિસી A અને B બન્નેનું કુલ પ્રીમિયમ અગાઉનાં કોઈ પણ વર્ષોમાં પૉલિસીની આખી મુદત દરમ્યાન પાંચ લાખ રૂપિયાથી વધુ નહોતું.
લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસી અને યુનિટ લિન્ક્ડ ઇન્શ્યૉરન્સ પૉલિસી
ઉપરોક્ત સુધારાઓ લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસી માટે કરવામાં આવેલા છે, જેમાં યુનિટ લિન્ક્ડ ઇન્શ્યૉરન્સ પૉલિસી સામેલ નથી. ચાલો રેખાના ઉદાહરણ દ્વારા જોઈએ, જેની પાસે નીચેની લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસી અને યુનિટ લિન્ક્ડ ઇન્શ્યૉરન્સ પૉલિસી (યુલિપ-યુએલઆઇપી) બન્ને છે.
યુલિપ Xની સરન્ડર વૅલ્યુ પર અને યુલિપ Yની મૅચ્યોરિટી રકમ પર સેક્શન ૧૦(૧૦D) હેઠળ એક્ઝમ્પ્શન મળશે, કારણ કે આ બન્ને પૉલિસીઓનું વાર્ષિક પ્રીમિયમ એમની અવધિ દરમ્યાન ૨.૫ લાખ રૂપિયાથી વધુ નથી. ઉપરાંત, પ્રીવિયસ વર્ષ ૨૦૩૩-૩૪ દરમ્યાન મળેલી પૉલિસી Aની રકમ પર પણ સેક્શન ૧૦(૧૦D) હેઠળ એક્ઝમ્પ્શન મળશે. એમ છતાં, પૉલિસીઓ A, B અને Cનું કુલ પ્રીમિયમ એમની અવધિ દરમ્યાન પાંચ લાખ રૂપિયાથી વધુ હોવાથી રેખાએ નક્કી કરવું પડશે કે તેણે આ પૉલિસી પર એક્ઝમ્પ્શન લેવું જોઈએ કે નહીં. જો રેખા પૉલિસી Aની રકમ પર એક્ઝમ્પ્શન લે છે તો પ્રીવિયસ વર્ષ ૨૦૩૪-૩૫ માટે કેવળ પૉલિસી Cમાંથી મળતી રકમ સેક્શન ૧૦(૧૦D) હેઠળ એક્ઝમ્પ્શનને પાત્ર ઠરશે, કેમ કે પૉલિસી A અને પૉલિસી C બન્નેનું પ્રીમિયમ મળીને પૉલિસીઓની અવધિ દરમ્યાનનાં કોઈ પણ અગાઉનાં વર્ષોમાં પાંચ લાખ રૂપિયાથી વધુ નથી થતું. લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસી B કરતાં લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસી C, વધુ લાભદાયક હોવાથી વધુ ઇચ્છનીય છે. એમ છતાં, જો લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસી Aમાંથી મળેલી રકમ પર પ્રીવિયસ વર્ષ ૨૦૩૩-૩૪માં એક્ઝમ્પ્શન ન લેવામાં આવે તો સેક્શન ૧૦(૧૦D) હેઠળ લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસી B અને C બન્નેમાંથી મળેલી રકમ પર એક્ઝમ્પ્શન મળી શકશે.
પૉલિસીધારકના મૃત્યુ પછી મળતી રકમ પર સુધારાની શું અસર થશે?
પાંચ લાખ રૂપિયાથી વધુનું પ્રીમિયમ હોય એવી પૉલિસીઓમાંથી મળતી રકમ જો પૉલિસીધારકના મૃત્યુ પછી મળી હોય તો આ રકમ પર ટૅક્સ લગાડવાની જોગવાઈ લાગુ નહીં પડે. ટર્મ લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસી હેઠળ પૉલિસીધારકનું પૉલિસીની અવધિ દરમ્યાન જો મૃત્યુ થઈ જાય એ સંજોગોમાં પૉલિસીની રકમ નૉમિનીને મળે છે, પરંતુ જો પૉલિસીની અવધિ સમાપ્ત થઈ જાય ત્યાં સુધી જો પૉલિસીધારક જીવિત હોય તો કોઈને પણ રકમ મળતી નથી. એથી, ટર્મ ઇન્શ્યૉરન્સ પૉલિસી હેઠળ કોઈ પણ રકમ મળે એ રકમ હંમેશાં એક્ઝમ્પ્ટ જ હોય છે. એને પ્રીમિયમની રકમ સાથે કોઈ નિસબત નથી. ઉપરાંત આવી પૉલિસીઓ માટે પાંચ લાખ રૂપિયાની પ્રીમિયમની મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસી/પૉલિસીઓ માટે ભરવાપાત્ર પ્રીમિયમ/કુલ ભરવાપાત્ર પ્રીમિયમમાં જીએસટીની રકમ ગણવામાં નહીં આવે એની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.