અમેરિકામાં ટ્રમ્પ આવશે તો સોના-ચાંદી સહિતની કૉમોડિટીમાં ઊથલપાથલ થશે

28 October, 2024 08:42 AM IST  |  Mumbai | Mayur Mehta

અગાઉના ટ્રમ્પશાસન વખતે સોનામાં બાવન ટકા તેજી જોવા મળી હતી: ચીન સાથે ટ્રેડવૉર ચાલુ થતાં રૂ, સોયાબીન, મકાઈની બજારમાં મોટી તેજી-મંદી થશે

ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકાનું બહુચર્ચિત પ્રેસિડેન્શિયલ ઇલેક્શન પાંચમી નવેમ્બરે યોજાઈ રહ્યું છે. મોટા ભાગના સર્વેમાં છેલ્લાં બે સપ્તાહથી જીત માટે ડોનલ્ડ ટ્રમ્પનું પલડું સતત ભારે બની રહ્યું છે. બે સપ્તાહ અગાઉ લગભગ તમામ સર્વેમાં કમલા હૅરિસની જીત નિશ્ચિત મનાતી હતી, પણ નાટ્યાત્મક રીતે ટ્રમ્પ અનેક સર્વેમાં કમલા હૅરિસથી બેથી ત્રણ પૉઇન્ટ આગળ ચાલી રહ્યા છે. ડોનલ્ડ ટ્રમ્પનો ૧૯૧૭થી ૨૦૦૦ સુધીનો પ્રેસિડન્ટકાળ અનેક રીતે ચર્ચાસ્પદ રહ્યો હતો. ખાસ કરીને ચીન સાથેની ટ્રેડવૉર અને અમેરિકામાં અન્ય દેશોના નાગરિકોની ઘૂસણખોરીને રોકવા ટ્રમ્પે લીધેલાં પગલાંની ચર્ચા લાંબો સમય ચાલી હતી. ટ્રમ્પે ચૂંટણી પહેલાંની તમામ મીટિંગોમાં બહુ જ સ્પષ્ટ રીતે અમેરિકામાં આવતી તમામ ચીજો પર ૬૦ ટકા ડ્યુટી લાગુ કરવાની ઘોષણા કરી છે. ઉપરાંત રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-હમાસ તથા ઇઝરાયલ-હિઝબુલ્લા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ બાબતે ટ્રમ્પે બહુ જ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે. હાલના પ્રેસિડન્ટ જો બાયડન દ્વારા યુક્રેનને અપાતી મિલિટરી અને નાણાકીય સહાય ટ્રમ્પે બંધ કરવાની જાહેરાત કરી દીધી છે એનો સીધો મતલબ છે કે યુક્રેનની સામે રશિયાનો હાથ ઉપર રહેશે અને રશિયા યુક્રેનને રગદોળી નાખશે તો પણ ટ્રમ્પ યુક્રેનને કોઈ સહાય આપશે નહીં. ઇઝરાયલ બાબતે ટ્રમ્પ અને બાયડનની લાઇવ ડિબેટમાં ટ્રમ્પે બાયડનને સ્પષ્ટ જણાવ્યું હતું કે ઇઝરાયલને એનું કામ કોઈ પણ જાતની દખલગીરી વગર કરવા દેવું જોઈએ. એનો મતલબ કે ટ્રમ્પ આવ્યા બાદ યુદ્ધ-સમાપ્તિના કોઈ પ્રયાસો નહીં થાય. આ તમામ બાબતોની સોના-ચાંદી સહિત તમામ કૉમોડિટી માર્કેટ પર મોટી અસર થશે.

સોનાના ભાવ પર મોટી અસર થશે

અમેરિકાનું પ્રેસિડેન્શિયલ ઇલેક્શન સોનાની તેજીની આગામી દિશા નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. હાલ ઇલેક્શનમાં ડોનલ્ડ ટ્રમ્પનું પલડું ભારે થઈ રહ્યું છે. આથી જો ડોનલ્ડ ટ્રમ્પ ફરી વખત પ્રેસિડન્ટ બનશે તો સોનાનું ભાવિ કેવું રહેશે એ વિશે વર્લ્ડનાં ટૉપ લેવલનાં તમામ મીડિયામાં ચર્ચા ચાલુ થઈ ચૂકી છે. ટ્રમ્પના પ્રેસિડન્ટના સમયગાળા દરમ્યાન સોનું ૧૨૦૯ ડૉલરથી વધીને ૧૮૩૯ ડૉલર થયું હતું જે બાવન ટકાનો વધારો હતો, જ્યારે બાયડનની પ્રેસિડન્ટશિપ દરમ્યાન સોનું ૧૮૭૧ ડૉલરથી વધીને હાલ ૨૭૫૦ ડૉલર સુધી પહોંચ્યું છે જે ૪૭ ટકાનો વધારો દેખાડે છે. બન્નેની પ્રેસિડન્ટશિપ દરમ્યાન સોનું ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યું છે. બાઇડનના સમયગાળામાં સોનાની તેજીમાં કોરોનાકાળનો મોટો ફાળો હતો, જ્યારે ટ્રમ્પની પ્રેસિડન્ટશિપ દરમ્યાન તેમની કૉન્ટ્રોવર્શિયલ પૉલિસીથી ઊભી થયેલી ટ્રેડવૉર અને ઈરાન-નૉર્થ કોરિયા સાથેના ટેન્શનથી સોનું વધતું હતું. હાલ રશિયા-યુક્રેન અને મિડલ ઈસ્ટ વૉર માટે બાયડન જવાબદાર નથી, પણ ટ્રમ્પની પ્રેસિડન્ટશિપ દરમ્યાન ઊભી થયેલી ટ્રેડવૉર અને ઈરાનની કોરિયા સાથેની સમસ્યામાં ટ્રમ્પનો પૂરેપૂરો હાથ હતો. ટ્રમ્પ પ્રેસિડન્ટ બન્યા બાદ ઇમ્પોર્ટ-ટૅરિફ વધશે અને ટૅક્સમાં ઘટાડો થશે. આથી ઇન્ફ્લેશન શૂટઅપ થતાં ફેડ ઇન્ટરેસ્ટ રેટમાં વધુ ઘટાડો કરી શકશે નહીં જે ડૉલરને વધુ મજબૂત બનાવશે, પણ એની સાથે ચાઇનીઝ પ્રોડક્ટ પર ૬૦ ટકા ટૅરિફ વધારવાથી નવેસરથી ટ્રેડવૉર ઊભી થશે અને ચીનની ઇકૉનૉમિક ક​ન્ડિશન વધુ બગડશે. ઉપરાંત ટ્રમ્પ આવ્યા બાદ યુદ્ધ-સમાપ્તિના ડિપ્લોમૅટિક પ્રયાસો બંધ થતાં યુદ્ધ વધુ આક્રમક બનશે. જિયોપૉલિટિકલ અને ઇકૉનૉમિક બન્ને ટેન્શન વધતાં સોનું-ચાંદીમાં વધુ તેજી થશે. આ ઉપરાંત ડોનલ્ડ ટ્રમ્પ હંમેશાં કૉન્ટ્રોવર્શિયલ પૉલિસી ઊભી કરવાના શોખીન હોવાથી તેમણે ચૂંટણી પહેલાં જાહેરાત ન કરી હોય એવી પણ અનેક નવી પૉલિસી બનાવી શકે છે. ખાસ કરીને અમેરિકાનું વિશ્વમાં પ્રભુત્વ વધારવા ટ્રમ્પ વિશેષ પગલાં લેશે જેને કારણે અનેક પ્રકારની નવી કૉન્ટ્રોવર્સી ઊભી થશે જે સોનાની માર્કેટમાં સેફ હેવન ડિમાન્ડને પ્રોત્સાહન આપશે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફારની શક્યતા

ડોનલ્ડ ટ્રમ્પની એનર્જી પૉલિસી હાલની બાઇડન ઍડ્મિનિસ્ટ્રેશનની પૉલિસી કરતાં સાવ અલગ હશે. ખાસ કરીને ટ્રમ્પ રિન્યુએબલ એનર્જી અને ગ્લોબલ વૉર્મિંગ જેવી ઝુંબેશમાં જરાય વિશ્વાસ ધરાવતા નથી. આથી હાલ રિન્યુએબલ એનર્જીને અપાતી સબસિડી અને તમામ રાહતો ટ્રમ્પ આવ્યા બાદ બંધ થશે અથવા ઓછી થશે. ટ્રમ્પ અમેરિકન ક્રૂડ તેલ ઉત્પાદન વધારવા માટે નવેસરથી પ્રયાસો શરૂ કરશે જેને કારણે હાલ અમેરિકામાં સોયાતેલમાંથી બાયોડીઝલ બનાવીને એનો વધતો વપરાશ ઘટી પણ શકે છે. ઑર્ગેનાઇઝેશન ઑફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (OPEC) સાથેના સંબંધોમાં પણ ફેરફાર થઈ શકે છે તેમ જ અમેરિકામાં આયાત થતાં ક્રૂડ તેલ અને એનર્જી પ્રોડક્ટ પર વધુ ટૅક્સ આવી શકે છે. ભારત હાલ રશિયા અને ઈરાનથી સસ્તા ક્રૂડ તેલની આયાત કરે છે એ બાબતે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં પણ કોઈ ફેરફાર થઈ શકે છે. ટ્રમ્પે ચૂંટણીપ્રચાર દરમ્યાન ભારતીય ચીજોની અમેરિકામાં થતી આયાત પર ટૅરિફ વધારવાની પણ વાત કરી હતી. આ તમામ બાબતોને કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવના માળખામાં પણ ફેરફાર થઈ શકે છે.

સોયાબીન, રૂ અને મકાઈના ટ્રેડમાં ઊથલપાથલ થશે

અમેરિકા વિશ્વમાં સોયાબીનનું સૌથી મોટું ઉત્પાદક છે એ જ રીતે ચીન વિશ્વમાં સોયાબીનનું સૌથી મોટું આયાતકાર છે. વિશ્વમાં સૌથી વધુ સોયાબીનની નિકાસ અમેરિકા કરે છે અને અમેરિકન સોયાબીનની સૌથી વધુ ખરીદી ચીન કરે છે એ જ રીતે વિશ્વમાં સૌથી મોટું રૂનું નિકાસકાર અમેરિકા છે અને સૌથી મોટું રૂનું આયાતકાર ચીન છે. મકાઈમાં પણ સોયાબીન અને રૂ જેવી જ સ્થિતિ છે. પ્રેસિડન્ટપદે જો ટ્રમ્પ આરૂઢ થશે તો ચીનથી આયાત થતી પ્રોડક્ટ પર ૬૦ ટકા ટૅરિફ લાદશે જેને કારણે ચીન અમેરિકાથી સોયાબીન અને રૂની આયાત ઓછી કરીને બ્રાઝિલ તરફ ડાઇવર્ટ થશે. હાલ સમગ્ર વિશ્વની તેલ-તેલીબિયાં અને કૉટનની માર્કેટ અમેરિકામાં ચાલતા વાયદાની વધ-ઘટને આધારે ચાલે છે. અમેરિકન સોયાબીન, રૂની નિકાસને ફટકો પડતાં શિકાગો સોયા કૉમ્પ્લેક્સ અને ન્યુ યૉર્ક રૂ વાયદામાં મંદીનો નવો દોર ચાલુ થશે જેની સમગ્ર વિશ્વની બજાર પર મોટી અસર થશે. 

america donald trump gold silver price russia ukraine mumbai commodity market business news