શૅરબજારના ઊંચા ભાવના લાભનો સદુપયોગ કઈ રીતે કરવો જોઈએ?

05 July, 2024 07:08 AM IST  |  Mumbai | Jayesh Chitalia

લોનનું રીપેમેન્ટ કરવાનો, કોઈ નાણાકીય ધ્યેયનો સમય નજીક આવી રહ્યો હોય તો માર્કેટમાંથી પ્રૉફિટ બુક કરવાનો, પોર્ટફોલિયો રીબૅલૅન્સ કરવાનો સમય

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

શું ૮૦,૦૦૦ના લેવલે સેન્સેક્સને જોઈને તમને નથી લાગતું કે માર્કેટ વધુ પડતું વધી ગયું છે? બજારની સાથોસાથ વિવિધ સ્ટૉક્સના ઊછળતા ભાવો જોઈને તમને નથી લાગતું કે આ સ્ટૉક્સ તેમની વર્તમાન પાત્રતા કરતાં વધુ પડતા ઊંચા ચાલ્યા ગયા છે? શું એકધારું શૅરબજાર વધતું જ રહે એ તમને યોગ્ય લાગે છે? આવા સવાલો તમને જો ન થતા હોય તો થવા જોઈએ અને થતા હોય તો તમારે શું કરવું જોઈએ એની તમને ખબર છે? બાય ધ વે, બજારમાં તેજી સતત ચાલતાં-ચાલતાં દોડવા માંડે અને દોડતાં-દોડતાં ઊડવા માંડે એ વાજબી ગણાય? માની લઈએ કે તેજી માટેનાં કારણો અને પરિબળો હાજર છે, પરંતુ એમ છતાં આ તેજીની આવી એકધારી દોડ તમને અતિરેક નથી લાગતી?

ખેર બહુ સવાલ થઈ ગયા, આપણે આના ઉત્તર શોધવા-જાણવા-સમજવાનો પ્રયાસ કરીએ. સુવિખ્યાત સર્ટિફાઇડ ફાઇનૅન્શિયલ પ્લાનર અને યોગિક વેલ્થ સહિત ફાઇનૅન્શિયલ માર્ગદર્શન વિશેનાં વિવિધ પુસ્તકોના લેખક ગૌરવ મશરૂવાળા કહે છે, ‘શૅરબજારની આવી એકધારી અસાધારણ ઊંચાઈના સંજોગોમાં રોકાણકારોએ ચોક્કસ બાબતો વિચારવી જોઈએ. આ સમયમાં સ્ટૉક્સમાંથી નફો લઈને પહેલું કામ પોતાની કોઈ લોન ઊભી હોય તો એની પૂર્ણ અથવા આંશિક પરતચુકવણી કરી દેવી જોઈએ. અર્થાત્ લોનનું રીપેમેન્ટ વહેલી તકે કરીને કરજમુક્ત થવાનું પસંદ કરવું જોઈએ. બીજું કરવા જેવું કામ એ ગણાય કે સંતાનોના શિક્ષણ અથવા લગ્નપ્રસંગ કે પછી અન્ય કોઈ નાણાકીય ધ્યેયનો સમય નજીક આવી રહ્યો હોય તો શૅરબજારમાંથી પ્રૉફિટ બાજુએ લઈને એ ધ્યેયને પૂર્ણ કરવાની જોગવાઈ કરી લેવી જોઈએ.’

ગૌરવ મશરૂવાળા ઉમેરે છે કે વ્યક્તિએ આવા સમયમાં પોતાના નિવૃત્તિ-પ્લાનને પણ પુનઃ એક વાર જોઈ લેવો અથવા એની સમીક્ષા કરવી જોઈએ.

ઇક્વિટી-ડેટનું રીબૅલૅન્સિંગ

આ ઉપરાંત વ્યક્તિએ શૅરબજારની તેજીને લીધે પોતાનો પોર્ટફોલિયો પણ હાઈ થઈ ગયો હોય એવા સંજોગોમાં પોતાની ઉંમર અને રિસ્ક લેવાની ક્ષમતાના આધારે એમાં ઇક્વિટી અને ડેટ રોકાણનું રીબૅલૅન્સિંગ કરી લેવું જોઈએ, કારણ કે ઇક્વિટીની તેજીમાં એના પોર્ટફોલિયોમાં ઇક્વિટીનું પ્રમાણ વધી ગયું હોવાનું બની શકે અને ડેટનું ઘટી ગયું પણ હોઈ શકે. પરિણામે આ રેશિયો સુધારવાની જરૂરિયાત ઊભી થતી હોય છે. ગૌરવ મશરૂવાળાના મતે આવા સમયમાં ટૅક્સની અસર જોવાનું પણ ટાળવું જોઈએ. લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સ ભરવાનો થતો હોય તો ભરીને પણ રાહત મેળવી લેવી જોઈએ. જોકે આ બધાની વચ્ચે પણ તમારું નિયમિત રોકાણનું ચલણ ચાલુ રહેવું જોઈએ. જો કોઈ ધ્યેય હાલ ઊભાં ન હોય તોય એક વાર ચોક્કસ પ્રમાણમાં નફો ઘરમાં લઈ ફિક્સ ડિપોઝિટ (FD)માં અથવા અન્ય બહેતર અને ઓછી જોખમી તથા પ્રવાહી ઍસેટ્સમાં મૂકવાનું કે પાર્ક કરવાનું વિચારવું જોઈએ. એને મ્યુચ્યુઅલ ફન્ડના લિક્વિડ ફન્ડમાં પણ મૂકવાનું વિચારી શકાય.

હાલ તો બજારની ચડતી-પડતીની સાઇકલ જેમણે બહુ વાર જોઈ છે એવો વર્ગ શાંત છે અને અવાચક પણ છે. અતિની ગતિ જોખમ તરફ જતી હોય છે એ ભૂલી જવાય છે. તેજીને જસ્ટિફાય કરવાનાં કારણો શોધતા રહેવાય છે અથવા ઊભાં કરતા રહેવાય છે જેથી તેજીવાળાઓ અથવા શાણાઓ પોતાના હિતમાં હજી તેજી થવાની અને માર્કેટ હજી ઊંચે જવાની એવો પ્રચાર કરતા રહે છે. સમજવાનું ઇન્વેસ્ટરે હોય છે કે તેણે ક્યારે નફો ઘરમાં લઈ લેવો જોઈએ અને એનો સદુપયોગ કરવો જોઈએ, કારણ કે બજાર ઘટશે કે તૂટશે ત્યારે આવો મોકો ફરી પાછો ક્યારે આવે એ કહી શકાશે નહીં.

sensex nifty stock market national stock exchange bombay stock exchange share market