11 January, 2023 04:47 PM IST | Mumbai | Priyanka Acharya
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગયા વખતે આપણે વીમા પૉલિસીઓના મિસ-સેલિંગ અને ક્રૉસ-સેલિંગ વિશે વાત કરી. વર્તમાન સમયમાં આ પ્રવૃત્તિ એટલા મોટા પ્રમાણમાં થાય છે કે વ્યક્તિ પોતે ક્યારે એનો શિકાર થઈ જાય છે એનો ખયાલ રહેતો નથી. અલગ-અલગ કિસ્સાઓ પરથી એ જાણી શકાય છે. આવો વધુ એક કિસ્સો જોઈ લઈએ.
એક વ્યક્તિને કહેવામાં આવ્યું હતું, ‘સર, આ પૉલિસીમાં લાંબા સમય સુધી પ્રીમિયમ ભરવાનું હોય છે અને તમારા પર એનો બોજ વધી શકે છે, પરંતુ તમે ચિંતા કરતા નહીં. અમારી પાસે એવી વિશેષ પૉલિસી છે, જેમાં તમે ફક્ત એક જ વખત પૈસા ભરો અને તમને ૧૫ વર્ષ પછી નિશ્ચિત રકમ મળશે.’ એક જ વખત પ્રીમિયમ ભરવાનું છે અને ૧૫ વર્ષે મોટી રકમ મળશે એવી લોભામણી ઑફર સાંભળીને તે વ્યક્તિએ પૉલિસી ખરીદી લીધી. જોકે બીજા વર્ષે પૉલિસીધારકને રિમાઇન્ડર મળ્યું કે તેમણે પૉલિસી ચાલુ રાખવા માટે પ્રીમિયમ ભરી દેવું પડશે. પોતે જેને સિંગલ પ્રીમિયમ પૉલિસી માની હતી એ ખરેખર સિંગલ પ્રીમિયમ નહોતી, એવું જાણીને તેમને આઘાત લાગ્યો અને પૉલિસી પધરાવનાર એજન્ટ પર ગુસ્સો આવ્યો.
આવા સંજોગોમાં વ્યક્તિએ શું કરવું એ એક મોટો સવાલ હોય છે. જીવન વીમો હોય કે આરોગ્ય વીમો હોય કે પછી બીજો કોઈ પણ વીમો હોય, એ આપણી નાણાકીય સુરક્ષા માટે હોય છે. એના પ્રીમિયમને બોજ ગણવું જોઈએ નહીં. જ્યારે માણસ એને બોજ ગણે છે ત્યારે એ માનસિકતાનો ગેરલાભ લોકો ઓછા પ્રીમિયમની લાલચ કે બીજી કોઈ ચાલબાજી દ્વારા ઉઠાવે છે.
આ જ માનસિકતાને લીધે લોકો બીજાઓની ચાલમાં ફસાય છે. લંચ અને ડિનરમાં લોકોને સલાડ બોરિંગ લાગતું હોય છે, પરંતુ આરોગ્ય માટે એ ઘણું જ લાભદાયક હોય છે. આ જ વાત પ્રીમિયમને પણ લાગુ પાડી શકાય છે.
આ પણ વાંચો : રોકાણકારોનું મેન્ટલ અકાઉન્ટિંગ અને મ્યુચ્યુઅલ ફન્ડના ચિલ્ડ્રન્સ પ્લાન્સ
આવી ચાલબાજીથી બચવા માટે પૉલિસી લેનાર વ્યક્તિએ પ્લાનની વિગતો, પ્રીમિયમની રકમ, પ્રીમિયમ ભરવાનો સમયગાળો, પ્રીમિયમ ભરવાની રીત વગેરે વિગતો પોતાની સામે જ ફૉર્મમાં ભરાવવી જોઈએ અથવા તો ઈ-મેઇલમાં લેખિત સ્વરૂપે મગાવી લેવી જોઈએ.
પૉલિસી ડોક્યુમેન્ટ ઘરે આવે (આજકાલ તો ઈ-મેઇલ પર તરત જ આવી જાય છે) ત્યારે બીજાં બધાં કામ બાજુએ રાખીને પણ ડોક્યુમેન્ટની ચકાસણી કરી લેવી જોઈએ. પોતાની પાસે જરાય સમય ન હોય તો પરિવારની કોઈ વ્યક્તિની પાસે એ ચકાસણી કરાવી લેવી જોઈએ. દરેક પૉલિસીમાં ફ્રી-લૂક પિરિયડ હોય છે અર્થાત્ તમને પૉલિસીનાં નિયમો અને શરતો માન્ય ન હોય અથવા પ્રતિકૂળ લાગતાં હોય તો અથવા તમારી જરૂરિયાત સંતોષતાં ન હોય તો તમે પૉલિસી પાછી આપી શકો છો.
આ પણ વાંચો : વીમા કાયદામાં સુધારા બાદ એલઆઇસી સંયુક્ત લાઇસન્સ કલમ પર નિર્ણય લઈ શકે
મિસ-સેલિંગનો વધુ એક પ્રકાર જાણવા જેવો છે. એક વ્યક્તિને કહેવામાં આવ્યું હતું કે તેમણે પાછલા વર્ષે જે પૉલિસી લીધી હતી એનું પ્રીમિયમ ભરવાનો સમય આવી ગયો છે. જોકે કોવિડ પછી નિયમો બદલાઈ ગયા હોવાથી ફરીથી ફૉર્મ ભરવું પડશે. હકીકતમાં તેમની પાસે નવી પૉલિસીનું ફૉર્મ ભરાવવામાં આવ્યું હતું. આ બાબતે દરેકે જાણી લેવું જરૂરી છે કે જીવન વીમા કંપનીઓ દર વર્ષે અલગ-અલગ ફૉર્મ ભરાવતી નથી. પૉલિસી એટલે ગ્રાહક અને કંપની વચ્ચેનો કરાર હોય છે. એમાં દર વર્ષે ફેરફાર કરવામાં આવતા નથી. જો કોઈ નીતિવિષયક ફેરફાર હોય તો વીમા કંપની કે વીમા ક્ષેત્રની નિયામક સંસ્થા ઇરડાઇ (ઇન્શ્યૉરન્સ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટીઝ ઑફ ઇન્ડિયા) એને લગતી ઔપચારિક જાહેરાત અખબારી યાદી દ્વારા કે બીજી કોઈ રીતે કરે છે. એમ પણ આપણે કોઈ પણ જગ્યાએ સહી કરતાં પહેલાં બારીકીપૂર્વક ચકાસણી કરવાનો નિયમ અપનાવવો જોઈએ. આ રીતે ખોટી જગ્યાએ સહી કરતાં બચી જવાય છે.
ઇસુના નવા વર્ષમાં સૌને એટલું ખાસ જણાવવાનું કે જીવન વીમા ક્ષેત્રે પારદર્શકતા લાવવા માટે ખાસ પ્રયાસ થઈ રહ્યા છે. આપણે પણ પોતાના હિતનું રક્ષણ થાય એ માટે થોડી તકેદારી લેવી જરૂરી છે. આપણે બધાએ કોવિડ સામે પ્રતિરોધક રસી લઈને પોતાનું રક્ષણ કર્યું છે. હવે આપણે માહિતીરૂપી રસી લઈને મિસ-સેલિંગ, ક્રૉસ-સેલિંગ કે બીજી અનેક પ્રકારની ગેરરીતિઓથી બચવાની જરૂર છે. આ નવા વર્ષમાં આપણે જીવન વીમા ક્ષેત્ર માટેના બૂસ્ટર ડોઝ બની જઈએ તો કેવું!