11 September, 2024 01:01 PM IST | Mumbai | Sameera Dekhaiya Patrawala
પ્રતીકાત્મક તસવીર
મધ્યમ વર્ગનો માણસ ખૂબ મહેનત કરીને પૈસા કમાય અને પાઈ-પાઈ કરીને બચાવે છે, પણ એ પછીયે તે પૂરતા પૈસા કદી એકઠા નથી કરી શકતો. અમીર થવું હોય તો પૈસાને સારી અને સાચી જગ્યાએ ઇન્વેસ્ટ કરવો જરૂરી છે. આ જ રાઝ છે કે જેનાથી અમીરો વધુ અમીર થાય છે. ચાલો, સમજીએ જેમ બચત કરવાનું મહત્ત્વનું છે એમ બચાવેલી રકમને ક્યાંક રોકવાનું કેમ વધુ મહત્ત્વનું છે
તાજેતરમાં ઇન્ડિયાના સૌથી રિચેસ્ટ લોકોની યાદી બહાર આવી અને સૌથી વધુ ટૅક્સ ભરતા સેલિબ્રિટીઝની યાદી પણ બહાર પડી. એમાં જોયું હોય તો એ જ ટોચ પર બેઠેલા કેટલાક ગણ્યાગાંઠ્યા લોકોની જ નેટવર્થમાં કરોડો રૂપિયાનો ઉમેરો દર વર્ષે થતો રહે છે. આવા સમાચારો વાંચીને સોશ્યલ મીડિયા પર મધ્યમવર્ગીય, પસીનો પાડનારા વર્ગનો બળાપો નીકળતો જોવા મળ્યો કે ‘અમીર ઝ્યાદા અમીર ઔર ગરીબ ઝ્યાદા ગરીબ - ઐસા ક્યૂં હોતા હૈ, હેંઇ!’
આવા સવાલો થવા સારા છે, પણ એ પછી થોડુંક ચિંતન કરવું પણ જરૂરી છે. મધ્યમ વર્ગીય લોકો અમીર અને ગરીબ વચ્ચેનું એવું લોલક છે જે ખૂબ મહેનત કરીને પૈસો કમાય છે અને દરેક પૈસો કમાવા માટે પસીનો પાડતો જ રહે છે અને છતાં તે ક્યારેય ‘પૈસાદાર’ નથી બની શકતા. અમેરિકન ઇન્વેસ્ટર કિંગ વૉરેન બફેટનો મંત્ર છે કે ‘જે વ્યક્તિ પૈસાને ફરતો રાખે છે એ જ અમીર બને છે.’
વૉરેન બફેટના આ વાક્યનું ઇમ્પોર્ટન્સ સમજાવતાં જાણીતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ભાવેશ ઠક્કર કહે છે, ‘જેમ બચત કરવી મહત્ત્વની છે એમ એ બચતનું સમજીવિચારીને રોકાણ કરવુંય મહત્ત્વનું. તમે પસીનો પાડીને કમાયેલો પૈસો જો ઘડામાં ભરી રાખશો તો એ પાંચ વર્ષ પછી આપમેળે વધી નથી જવાનો. પણ એ બચતને યોગ્ય જગ્યાએ ઇન્વેસ્ટ કરો એ મહત્ત્વનું છે. પૈસો જ પૈસાને ખેંચે છે એવું આપણે કહીએ છીએ. અને લોકો એવું માની બેસે છે કે અમારી પાસે તો પૈસો જ નથી તો અમે ક્યાંથી બીજો પૈસો ખેંચી શકવાના? પણ ભલા માણસ, તમારી પાસે તમારી હાલની ક્ષમતા મુજબના પણ પૈસા તો છે જને? ધીરુભાઈ અંબાણી પણ યંગ એજમાં ગિરનારની તળેટીમાં વીક-એન્ડમાં ભજિયાં વેચતા હતા એ આપણે કેમ ભૂલી જઈએ છીએ?’
પૈસાનું ઝાડ ઊગી પણ શકે
‘મની મૅગ્નેટ’ અને ‘લૉ ઑફ અટ્રૅક્શન’ જેવી વાતો આપણે સૌએ સાંભળી છે. દેખીતી રીતે અમીરો આવા મની મૅગ્નેટ લાગે, પણ આનાં કારણો શોધવા રહ્યાં. ઝડપથી અમીર બનતી વ્યક્તિ પાછળ તેમની તર્કસભર ઇન્વેસ્ટિંગ સ્ટ્રૅટેજી કામ કરતી હોય છે. દરેક નફો તે બીજા બિઝનેસમાં કે ઇન્વેસ્ટમેન્ટમાં રોકી દેતા હોય છે. ફક્ત અમીર જ નહીં પણ વિકાસ કરવા માગતી દરેક વ્યક્તિ માટે આ વાત સાચી છે. અમીરો અલગ-અલગ જગ્યાએ ઇન્વેસ્ટ કરી પૈસા મલ્ટિપ્લાય કરતા રહે છે ને એમાં ક્યારેક ગુમાવેય ખરા! મધ્યમવર્ગીય માનસિકતા બચત કરીને સાચવવાની છે, પણ આમ ઘડામાં ભરી રાખેલો પૈસો ક્યારે વધતો નથી. ચાલો જોઈએ, આવા ઘડાને પૈસા ઘડવાનો ઘંટુલો કઈ રીતે બનાવીશું?
પૈસાનું ઝાડ નથી ઊગતું, પણ જો માઇન્ડફુલ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે તો આવું ઝાડ ઊગી પણ શકે. યોગ્ય સમયે યોગ્ય રીતે કરેલું ઇન્વેસ્ટમેન્ટ આગળ જતાં આંબાનું ઝાડ પુરવાર થઈ શકે છે. વૉરેન બફેટના નિવેદન વિશે વિસ્તારથી વાત કરતાં છેલ્લાં વીસ વર્ષથી આ ક્ષેત્રના નિષ્ણાત અને ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝર જગદીશ ઓઝા કહે છે, ‘હા, અમીર વધુ અમીર અને ગરીબ વધુ ગરીબ બની રહ્યા છે. આનું એક કારણ પરિસ્થિતિ અને કમાણી કરતાં વધુ જવાબદારીઓ હોય છે. બીજું કારણ એ લોકોની ઇન્વેસ્ટ કરવાની માનસિકતા પણ હોય છે. અમીર લોકો પાસે પૈસો આવે એટલે તે ઇન્વેસ્ટ કરે અથવા બીજા બિઝનેસમાં રોકી પૈસો મલ્ટિપ્લાય કરે છે. તેઓ જે-તે બિઝનેસ સાથે જોડાયેલું રિસ્ક પણ લે. તેમની એકાદ ઇન્કમ સ્થિર હોવાથી બીજી જગ્યાએ રિસ્ક લેવું પરવડે છે. આવું જ તેમના નાણાકીય રોકાણ બાબતે હોય છે.’
સેફ્ટીના કોચલાને ભેદવું
ફાઇન્શિયલ ઍડ્વાઇઝર જગદીશ ઓઝા
ભલે એ વાત સાચી કે મધ્યમ વર્ગના માણસના ખભે જવાબદારીઓનું પોટલું વધારે છે, પણ હવે આજના સમયમાં લોકો બચતનું મહત્ત્વ સમજ્યા જ છે. લોકો દીકરાના ઉચ્ચ ભણતર માટે કે લગ્ન માટે અત્યારથી બચત કરવાનું શરૂ કરી જ દે છે. એમાં થોડોક જ ફેરફાર કરવાની જરૂર છે એમ જણાવતાં ભાવેશ ઠક્કર કહે છે, ‘જે બચતને તમે સિક્યૉર ફિક્સ્ડ ડિપોઝિટ કે સિક્યૉર ફન્ડમાં જ મૂકી રાખો છો એના કરતાં થોડુંક રિસ્ક લઈને એ બચતને વધુ ઊંચું વળતર આપી શકે એવાં છતાં સેફ અને માન્યતાપ્રાપ્ત ફન્ડ્સમાં એનું ઇન્વેસ્ટમેન્ટ શરૂ થઈ જ શકે છે. હા, ઇન્વેસ્ટ કરવામાં પણ સંતુલન જરૂરી છે. જોખમ કેટલું લેવું એ પણ પરિવારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જ લેવું. એટલે જ તમે કોઈ સારા ફાઇનૅન્સ મૅનેજરની મદદ લો તો સૌથી પહેલાં તે તમારી રિસ્ક કૅપેસિટી કેટલી છે એ ગણીને પછી તમારે રોકાણમાં કેટલું રિસ્ક લેવું એ કહે છે.’
રિસ્ક હૈ તો ઇશ્ક હૈ!
અમીરો મૂડીરોકાણ બાબતે થોડુંઘણું રિસ્ક લઈને રોકાણ કરે છે. મૂળ વાત રિસ્ક લેવાની છે. મૂડીરોકાણમાં જે લોકો રિસ્ક નથી લેતા તે હંમેશાં સ્થિર રોકાણ કરવા માગે છે. ઘણા લોકો એવું માને છે કે પૈસો વધે નહીં તો કંઈ નહીં પણ એક પણ રૂપિયો ડૂબવો ન જોઈએ. આ વાત સાથે સહમત થતાં જગદીશભાઈ કહે છે, ‘પૈસો કમાવા નાનું તો નાનું રિસ્ક તો લેવું જ પડે છે. અમીરો એક ઇન્વેસ્ટમેન્ટમાં નિષ્ફળ જાય તો એમાંથી જે શીખે છે એ બીજી જગ્યાએ અપ્લાય કરતાં અચકાતા નથી. બીજું કે જ્યાં ઇન્વેસ્ટમેન્ટની વાત આવે છે તે અટકળે કામ નથી લેતા. ઇન્વેસ્ટમેન્ટ માટે એ લોકો ફાઇનૅન્શ્યલ ઍડ્વાઇઝર પાસેથી સલાહ લઈ ગોલ સેટ કરી સ્ટેપ-બાય-સ્ટેપ કામ કરે છે. મિડલ ક્લાસ લોકો આવા ગોલ સેટ કરવામાં લગભગ નિષ્ફળ જાય છે. એ લોકો જે-તે કારણોસર પૈસા ઉપાડી ગોલ માટે રિલિજિયસલી ઇન્વેસ્ટમેન્ટ થવું જોઈએ એ નથી કરી શકતા. ઇન્વેસ્ટમેન્ટ પણ અલગ-અલગ હોય છે. FD, ઇક્વિટી, પર્સનલ સિક્યૉરિટી, હેલ્થ ઇન્શ્યૉરન્સ આવું ઘણુંબધું છે જે એક જ વ્યક્તિ પાસે ન કરાવી શકાય. એ માટે તમારે જે-તે ફીલ્ડના એક્સપર્ટની સલાહ લેવી જોઈએ. આજેય આશ્ચર્યજનક રીતે ભારતમાં એકસો સિત્તેર લાખ કરોડ લોકો મ્યુચ્યુઅલ ફન્ડને સ્થાને FDમાં પૈસો નાખે છે. એવું માને છે કે આમાં રિસ્ક નથી. એ લોકો જોતા જ નથી કે એક ચોક્કસ રેટ ઑફ ઇન્ટરેસ્ટ તેમને મળશે તો ખરું પણ એની સામે ઇન્ફ્લેશન રેટ શું હશે? જો લોકોને સાત ટકા વ્યાજ મળે છે એની સામે છ ટકા ફુગાવો હોય તો તેમના રોકાણનું ડીવૅલ્યુએશન થઈ રહ્યું છે. આ ઉપરાંત ટૅક્સ-કૅલ્ક્યુલેશન પણ લોકો નજરઅંદાજ કરે છે. આજે લોકો બૅન્ક FD, RBI બૉન્ડ કે PPF વગેરેમાં ઇન્વેસ્ટ કર્યા પછી મ્યુચ્યુઅલ ફન્ડમાં રાખે છે. એને ઇન્વેસ્ટમેન્ટ કરતાં એન્ટરટેઇનમેન્ટની જેમ વધુ જુએ છે. લૉન્ગ ટર્મમાં મ્યુચ્યુઅલ ફન્ડ શું ફાયદો આપશે એ વિચારવામાં આવતું નથી. વૉરેન બફેટ જેવી મલ્ટિમિલ્યનેર વ્યક્તિ પાછળ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રૅટેજી કામ કરે છે. જે લોકો ઇન્વેસ્ટમેન્ટમાં ક્યારે રિસ્ક લેવું અને ક્યારે નહીં એ સમજે છે એ લોકો ઇન્વેસ્ટમેન્ટ થકી ઘણું સારું કામ કરી શકે છે. પૈસો જ્યારે કમ્પાઉન્ડ થવા માંડે છે ત્યારે એની ઇન્કમ દેખાય છે. એક દાખલો આપું કે સેન્સેક્સ દર પાંચ વર્ષે ૧૫ ટકાથી કમ્પાઉન્ડ થાય છે. એટલે કે ડબલ થાય છે. જે લોકો આવું ગણિત સમજી શકે છે તેમના માટે વિકાસ કરવો સરળ થઈ શકે છે. પૈસાદાર બનવાનો આ જ ફન્ડા છે.’