ઑનલાઇન સામે આઉટ થઈ જવાને બદલે વેપારીઓએ કઈ રીતે સામનો કરવો જોઈએ?

02 December, 2024 06:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હજી શુક્રવારે જ બહુરાષ્ટ્રીય કંપનીઓ સામે ટકી રહેલા વેપારીઓએ સરકારના દિશાનિર્દેશ મુજબ સંયમિત રીતે વિરોધ પ્રદર્શન તો કર્યું, પરંતુ એ પૂરતું નથી.

પ્રતીકાત્મક તસવીર

હજી શુક્રવારે જ બહુરાષ્ટ્રીય કંપનીઓ સામે ટકી રહેલા વેપારીઓએ સરકારના દિશાનિર્દેશ મુજબ સંયમિત રીતે વિરોધ પ્રદર્શન તો કર્યું, પરંતુ એ પૂરતું નથી. ‘મિડ-ડે’એ વેપારીઓ માટે બાથ ભીડી રહેલા તેમના જ અસોસિએશનના લીડરો સાથે આ સ્પર્ધામાં કઈ રીતે ટકી રહેવું જોઈએ અને એના માટે વેપારીઓએ કેવી સ્ટ્રૅટેજી બનાવવી જોઈએ એ વિશે કરી વિગતવાર ચર્ચા.

...નહીંતર ફેબ્રુઆરીમાં ઉગ્ર આંદોલન

ભીમજી એસ. ભાનુશાલી - પ્રમુખ, ધી ગ્રેન, રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન (ગ્રોમા)

વર્તમાન સમયમાં દરેક વસ્તુનો વેપાર ઑનલાઇન થઈ રહ્યો છે જેને કારણે કરિયાણા સહિતની અનેક નાની-મોટી દુકાનોનો ધંધો ખતમ થઈ રહ્યો છે. એક વેપારી પરોક્ષ રીતે અનેક રોજગારનું નિર્માણ કરે છે. જો દુકાનદારનો ધંધો ખતમ થઈ જશે તો અનેક લોકોના રોજગાર પણ હતા ન હતા થઈ જશે. નવી મુંબઈની ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)ની દાણાબજારનો વેપાર ૭૦ ટકા જેટલો ઘટી ગયો છે. હાલમાં ફક્ત ૩૦ ટકા જેટલો વેપાર રહ્યો છે. સ્થાનિક બજારોમાં માલની ઘણી જાતની ક્વૉલિટી આવે છે, પરંતુ ઑનલાઇન વેપારવાળા ફક્ત એક જ હલકી ગુણવત્તાનો માલ ઓછા ભાવે વેચે છે. જેમને ગુણવત્તા વિશેનો ખ્યાલ ન હોય એવા લોકોને છેતરવાનું કાર્ય આ રીતે થાય છે. ઍમૅઝૉન અને ફ્લિપકાર્ટ જેવી મોટી મલ્ટિનૅશનલ કંપનીઓ હજારો કરોડનું રોકાણ કરી નુકસાન કરીને મોટાં ડિસ્કાઉન્ટ આપીને હલકી ગુણવત્તાનો માલ પધરાવી દે છે. જો સરકાર તરફથી આ સંદર્ભે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો હજારો દુકાનદારોએ પોતાનો ધંધો બંધ કરવો પડશે. હાલમાં ૫૦,૦૦૦ જેટલી રીટેલ દુકાનો બંધ થઈ ગઈ છે જેને માટે ભારતીય વ્યાપાર ઉદ્યોગ મંડળની રાષ્ટ્રીય ગવર્નિંગ બોડીની અતિ આવશ્યક મીટિંગ બાવીસમી ઑક્ટોબરે નવી દિલ્હીમાં યોજાઈ હતી. આ મીટિંગમાં ઑનલાઇન વેપારને કારણે સ્થાનિક દુકાનદારોના ખતમ થઈ રહેલા ધંધા વિશે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને એમાં ભારતભરના વેપારીઓ અને તેમના પ્રતિનિધિઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. સભામાં ખાસ કરીને ઑનલાઇન વેપાર, ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) અને ફૂડ સેફટી ઍન્ડ સ્ટાન્ડર્ડ‍્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)ના કાયદાને લગતી મુશ્કેલીઓ બાબતે વિગતવાર ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. વેપારીઓની મુશ્કેલીઓ બાબતે અત્યાર સુધી અનેક વાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સરકાર કોઈ સકારાત્મક પ્રત્યુત્તર આપતી નથી. જો સરકાર સકારાત્મક પ્રત્યુત્તર નહીં આપે તો ભારતભરના વેપારીઓ ફેબ્રુઆરીમાં દિલ્હીના રામલીલા મેદાનમાં ઉગ્ર આંદોલન કરશે.

‘વોકલ ફૉર લોકલ’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ જેવી ઝુંબેશ પર જોર મૂકો

જિતેન્દ્ર શાહ - અધ્યક્ષ, ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર

કિરાણા સ્ટોર્સ, સ્થાનિક વિક્રેતા, દવાની દુકાનો, રેડીમેડ ગાર્મેન્ટ્સ, ફળ અને સબ્ઝી વેચનારાઓ સહિત નાના વેપારીઓ કંપનીઓની આક્રમક કિંમત-વ્યૂહરચના અને મોટા સંચાલનને કારણે સંઘર્ષ કરી રહ્યા છે. આ ઑનલાઇન કંપનીઓ વારંવાર ગ્રાહક-ડેટા અને તેમનાં મૂલ્યાંકન વધારવા માટે નુકસાનીમાં કામ કરે છે અને એક અસમાન સ્પર્ધાનું વાતાવરણ બનાવે છે. નાના વેપારીઓની સમસ્યાના નિરાકરણ માટે અમે ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલ સમક્ષ ચિંતા દર્શાવી હતી તેમ જ નાના વેપારીઓને સુરક્ષિત રાખવા માટેનાં પગલાં લેવાની હાકલ કરી છે. અમે તેમની પાસે માગણી કરી છે કે શોષણાત્મક કિંમતને નિયંત્રિત કરો, જેથી ઑનલાઇન પ્લૅટફૉર્મને કિંમત કરતાં ઓછા ભાવે માલનું વેચાણ કરતાં અટકાવી શકાય. નાના વેપારીઓને ઓછા વ્યાજે લોન આપો જેથી તેઓ સ્પર્ધા માટે તેમના વ્યવસાયનું આધુનિકીકરણ કરી શકે. સ્થાનિક ઉત્પાદનોનો પ્રચાર કરો અને ‘વોકલ ફૉર લોકલ’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ જેવી ઝુંબેશ હેઠળ નાના વેપારીઓ માટે વિશેષ પ્લૅટફૉર્મ બનાવો. સમાન વેપારપ્રથાઓને મજબૂત બનાવો જેથી નાના વેપારીઓ એકાધિકારવાદી વર્તનથી પ્રભાવિત ન થાય. ફેડરેશને સરકારને આ મુદ્દાને પ્રાધાન્ય આપવા અને બજારમાં સંતુલન પુનર્સ્થાપિત કરવા એક વ્યાપક નીતિમાળખું રજૂ કરવા કહ્યું છે. કરોડો નાના વેપારીઓનું અસ્તિત્વ અને લાખો ભારતીયોની આજીવિકા સરકારના સમયસર પગલાં પર આધારિત છે. નાના વેપારીઓનાં હિતના રક્ષણ માટેનો સમય હવે આવી ગયો છે. ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર (FAM) નાના અને મધ્યમ વેપારી સમુદાયને ટેકો આપવા કટિબદ્ધ છે અને તમામ સ્તરે તેમનાં હિતોની હિમાયત કરવાનું ચાલુ રાખશે.

દેશના વેપારીઓને ઑનલાઇન વેપાર કરવા માટે પ્રશિક્ષણ આપીએ છીએ

શંકર ઠક્કર - રાષ્ટ્રીય મહામંત્રી, કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) અને અધ્યક્ષ અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘ

ક્વિક કૉમર્સ આવવાથી દેશની અંદર ૩ લાખથી વધારે કરિયાણાની દુકાનો બંધ થઈ ગઈ છે અને હજી લાખો દુકાન બંધ થવાની તૈયારીમાં છે. આ બાબતે અમે કેન્દ્ર સરકારને જાણ કર્યા બાદ કેન્દ્ર સરકારે ઍમૅઝૉનના સપ્લાયર પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ની રેઇડ પાડી હતી. એવું જાણવા મળ્યું છે કે EDની રેઇડમાં અમારા દ્વારા તેમના પર લગાડાયેલા મોટા ભાગના આરોપો સાબિત થઈ રહ્યા છે જેથી આવનારા દિવસોમાં આ કંપની પર મોટી કાર્યવાહી થવાની વકી છે. એ જ રીતે દેશના નિયમોને તોડીમરોડીને વેપાર કરનારી આવી કંપનીઓ પર પ્રતિબંધ મૂકીને આજ સુધી દેશમાં એણે કરેલા વેપારની ઊંડાણપૂર્વક તપાસ કરે અને એ ગુનેગાર સાબિત થાય તો એને ભારતમાંથી ભગાડી મૂકવાની અમે માગણી કરી છે. અમારા રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલ જેઓ દિલ્હીના ચાંદની ચોકથી સંસદસભ્ય છે તેમણે આ વિષયને સંસદમાં ઉપાડવાનું કહ્યું છે. હાલમાં સંસદનું સત્ર શરૂ થયું છે એટલે આગામી દિવસોમાં આ બાબતે સંસદમાં પણ પડઘા પડશે. ભવિષ્યના વેપાર અને ગ્રાહકોની સવલત માટે અમે દેશના વેપારીઓને ઑનલાઇન વેપાર કરવા પ્રશિક્ષણ આપીએ છીએ. દેશની અંદર છેલ્લાં બે વર્ષમાં ૧૦ લાખ જેટલા વેપારીઓને અમે વૉટ્સઍપથી જેનો મોટા ભાગના ગ્રાહકો અને વેપારીઓ સહેલાઈથી ઉપયોગ કરી શકે છે એના માધ્યમથી વેપાર કેવી રીતે કરવો એની કાર્યશાળા લઈને પ્રશિક્ષણ આપ્યું છે. હવે પછી પણ અમે આ ઝુંબેશ ચાલુ રાખવાના છીએ. એ જ રીતે અમારું પોતાનું પોર્ટલ ઈ-ભારત માર્ટ પણ આવી ગયું છે એ પણ લોકોને વેપારની સુગમતા માટે બધા જરૂરી સુધારાઓ સાથે ચલાવી રહ્યા છીએ. આવનારા દિવસોમાં આ પોર્ટલ પૂરી રીતે કાર્યરત થઈ જાય એટલે દેશના મોટા ભાગના વેપારીઓને આ પોર્ટલ પર જોડીને દેશનો વેપાર દેશી કંપનીઓ દ્વારા થાય અને દેશનો નફો દેશમાં જ રહે અને એ નફામાંથી દેશનો વિકાસ થાય એવી અમારી ભાવના છે.

ઑનલાઇન નહીં, તમે ઑનલાઇન પ્લેયર બનો

વીરેન શાહ - અધ્યક્ષ, ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશન

છેલ્લા એક દાયકાથી ઑનલાઇન અને ઑફલાઇન લડાઈ ચાલી રહી છે. વેપારીઓ ઑનલાઇન બિઝનેસ રોકી શકતા નથી. વેપારીઓએ તેમની બિઝનેસની પરંપરાગત સિસ્ટમમાં બદલાવ લાવવો પડશે; જેમ કે હોમ સર્વિસ, વેચાણ પછીની સેવા, માલ પાછો કરવાની સેવા, મની રીફન્ડ સેવા. પોતાની ઍપ બનાવીને વેપારીઓએ સ્થાનિક વિસ્તારોમાં ઑનલાઇન વેચાણ શરૂ કરવાથી તેમના બિઝનેસને ફાયદો થશે. વિશ્વાસ હોય એ વસ્તુને જથ્થાબંધ ખરીદીને ઑનલાઇન પ્લેયર બનવાનો અને પોતાનો ઑનલાઇન બિઝનેસ શરૂ કરવાનો સમય આવી ગયો છે. ગ્રાહકને હંમેશાં પસંદ કરવાનો અધિકાર હોય છે અને જો ઑનલાઇન ઓછા ભાવે વેચાણ કરતા હોય તો તમારા નિયત દરમાં તમારું માર્જિન ઘટાડીને એ જ કિંમતે એ વસ્તુ આપો. ગ્રાહકોને પાછા જવા ન દો. ઑનલાઇન બિઝનેસ સામે લડવા માટે વેપારીઓએ તેમની દુકાનને ઑફલાઇન અને ઑનલાઇન બન્ને બનાવવી પડશે અને એ તેમને માટે ડબલ ફાયદાકારક છે. માત્ર સમસ્યા એટલી જ છે કે એનાથી નફાનું માર્જિન ઘટશે. જ્યારે ઑફલાઇન અને ઑનલાઇન વચ્ચે સ્પર્ધા વધે ત્યારે ગ્રાહકો હંમેશાં લાભમાં રહેશે. સર્વાઇવલ ઑફ ફિટેસ્ટ. ઘણી દુકાનો બંધ થઈ જશે. ભાડાં પર દુકાન લેનારો ઑનલાઇન બિઝનેસમાં સ્પર્ધા કરી શકતો નથી. એટલા માટે બિગ બાસ્કેટ, સ્વિગી અને બ્લિન્કઇટ ઝડપથી વિકસી રહ્યાં છે અને ૧૫ મિનિટમાં અને ઓછી કિંમતે માલની ડિલિવરી થઈ રહી હોવાથી કરિયાણાના સ્ટોર બંધ થઈ રહ્યા છે. જેઓ તેમનો બિઝનેસ ટકાવી રાખવાની ઇચ્છાશક્તિ ધરાવે છે એ વેપારીઓ જ બચશે. અમે કોઈ પણ રાજકીય પક્ષ અથવા રાજકારણી પર વિશ્વાસ કરતા નથી કે તેઓ વેપારીઓ સાથે સ્ટૅન્ડબાય રહેશે. તેઓ બધાં વચન આપે છે, પરંતુ દાયકાઓ સુધી વેપારીઓની તરફેણ કરતા નથી. મોટા ભાગના લોકો રાજનીતિ માટે રાજકીય પક્ષમાં જોડાય છે, વેપારીઓ માટે નહીં. જોકે એથી તમને મદદ કરવા જઈ રહેલા કોઈ પણ રાજકારણી પર ક્યારેય વિશ્વાસ ન કરવો. તમારા સંગઠનને બિનરાજકીય બનાવીને તમારી પોતાની તાકાત બનાવો. 

‘એક હૈં તો સેફ હૈં’ની નીતિ અપનાવો, બિઝનેસ બચાવો

રમણીક છેડા - પ્રમુખ, ધી મુંબઈ ગ્રેન ડીલર્સ અસોસિએશન

સરકારના કાયદા પ્રમાણે નાના વેપારીઓએ APMCમાંથી માલ ખરીદવો પડે છે. જ્યારે ઑનલાઇન કંપનીઓ, સુપર માર્કેટ, મોટા વેપારીઓ સીધેસીધો ખેડૂતો પાસેથી માલ ખરીદી શકે છે જેથી નાના વેપારીઓ તેમની સાથે સ્પર્ધા કરી શકતા નથી. કેન્દ્ર સરકારે APMC નિયમન રદ કરી દીધું છે, પણ APMC પરથી સેસ રદ કરવાનું રાજ્ય સરકાર પર છોડી દીધું છે. સરકારના નાના વેપારીઓ અને મૉલ કે સુપર માર્કેટ્સ માટેના કાયદાઓમાં સમાનતા નથી. આવા સંજોગોમાં હવે રીટેલ દુકાનદારોએ ‘એક હૈં તો સેફ હૈં’ની નીતિ અપનાવવાનો સમય આવી ગયો છે. એક જ વિસ્તારના દુકાનદારો સંપ રાખીને એક જૂથમાં માલ મગાવશે તો તેમની ખરીદકિંમત ઘટશે અને એનો ફાયદો દુકાનદારોને તથા ગ્રાહકોને થશે. મૉલ અને ઑનલાઇન સામેની હરીફાઈમાં ટકી રહેવા માટે નાના દુકાનદારો સરકાર પાસે ઑનલાઇન વેપાર પર ટૅક્સ અને અંકુશ, સીધો ખેડૂતો પાસેથી માલ ખરીદવાની છૂટ અને ખેડૂતોની જેમ આર્થિક પૅકેજ અને સવલતની માગણી કરી રહ્યા છે.

business news