કેટલું સફળ થશે કૃષિ-ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનવાનું સરકારનું લક્ષ્ય?

21 October, 2024 08:40 AM IST  |  Mumbai | Mayur Mehta

દેશની જરૂરિયાતની ૭૦ ટકાથી વધુ ખાદ્ય તેલોની આયાતને ઘટાડવા તેલીબિયાંનું ઉત્પાદન વધારવા સરકાર ઍક્શન મોડમાં: મસાલા-ઉત્પાદનની ક્વૉલિટી સુધારીને નિકાસ ક્ષેત્રે અમાપ શક્યતાઓને હાંસલ કરવા તરફ ધ્યાન જરૂરી

પ્રતીકાત્મક તસવીર

નરેન્દ્ર મોદી સરકાર ત્રીજી ટર્મમાં સત્તાસ્થાને આરૂઢ થયા બાદ હવે દેશને કૃષિ-ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનાં એક પછી એક પગલાં લેવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આ ભગીરથ પ્રયાસ કેટલો સફળ થશે? ૧૯૮૬થી વિવિધ સરકારો દ્વારા તેલીબિયાં અને દાળ-કઠોળની આયાત ડિપેન્ડન્સી ઘટાડીને સ્થાનિક ઉત્પાદન વધારવા અનેક પ્રયાસો થયા છે, પણ કમનસીબે અત્યાર સુધીના તમામ પ્રયાસો વિફળ થયા છે, કારણ કે દેશની સમૃદ્વિ વધવાની સાથે વપરાશ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે એની સામે ઉત્પાદનનો તાલમેલ બેસતો નથી, કારણ કે સરકારના પ્રયાસો અપૂરતા રહ્યા છે અને ભારતીય કૃષિનો પાયો નબળો હોવાથી પ્રતિ હેક્ટર ઉત્પાદકતામાં ભારત ઘણું પાછળ હોવાથી સરકારના એક પણ પગલાનું ધાર્યું પરિણામ મળ્યું નથી ત્યારે ફરી એક વખત સરકાર આ બાબતે ઍક્શન મોડમાં આવીને એક પછી એક પગલા લઈ રહી છે. કૃષિપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે તાજેતરમાં ખાદ્ય તેલોની આયાત ડિપેન્ડન્સી ઘટાડીને દેશમાં તેલીબિયાંનું ઉત્પાદન વધે એ માટે ભરપૂર પ્રયાસો શરૂ કર્યા છે, પણ છેલ્લાં ચાર વર્ષથી દાળ-કઠોળની આયાત કૂદકે ને ભૂસકે વધી રહી છે એ તરફ હજી સુધી સરકારનું ધ્યાન કેન્દ્રિત થયું નથી. ઉપરાંત અનેક મસાલાની નિકાસક્ષેત્રે ભારત લાંબા સમયથી ટોચનું સ્થાન ધરાવે છે, પણ કેટલાક દેશોની સ્પર્ધા હવે શરૂ થયા બાદ મસાલાની ક્વૉલિટી બાબતે જો સરકાર ધ્યાન નહીં આપે તો મસાલાની નિકાસમાં ભારતની પીછેહઠ થઈ શકે છે જે ઓવરઑલ કૃષિ ઉત્પાદનની આત્મનિર્ભરતા હાંસલ કરવામાં અસર કરી શકે છે.

તેલીબિયાંનું ઉત્પાદન વધારવાનો નવો ટાર્ગેટ

સરકારે ૨૦૩૨ સુધીમાં ખાદ્ય તેલનું ઉત્પાદન ૬૪ ટકા વધારીને ૨૦૧.૮ લાખ ટન પ્રતિ વર્ષ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે જે હાલ ૧૨૩ લાખ ટન છે. આ પગલાનો હેતુ ખાદ્ય તેલ માટે વધતા આયાત બિલને ઘટાડવાનો છે જે ક્રૂડ પેટ્રોલિયમની આયાત સાથે દેશના ચાલુ ખાતા પર વધુ એક બોજ સાબિત થઈ રહ્યું છે.

ભારતે ખાદ્ય તેલ વર્ષ ૨૦૨૨-’૨૩ (નવેમ્બર-ઑક્ટોબર)માં ૨૦ અબજ ડૉલરના ખાદ્ય તેલની આયાત કરી હતી. નીચા આયાત-ટૅરિફને કારણે ચાલુ વર્ષમાં પણ આયાત અવિરત ચાલુ રહી છે. કૃષિ મંત્રાલયના અધિકારીના જણાવ્યા અનુસાર નવી નીતિ ખાનગી અને જાહેર ક્ષેત્રો દ્વારા વિકસિત બિયારણની નવી જાતોના ઉપયોગ સાથે સરસવ, સોયાબીન અને મગફળીના ઉત્પાદનને વેગ આપવાનો પ્રયત્ન કરશે.

તેમણે કહ્યું કે ઉદ્દેશ્ય દેશના વાર્ષિક વપરાશના ૫૭ ટકાથી ઘટાડીને ૨૮ ટકા સુધી ખાદ્ય તેલની આયાત કરવાનો છે. તાજેતરમાં કૅબિનેટ દ્વારા મંજૂર કરાયેલા ખાદ્ય તેલ પરના ૧૦,૦૧૨ કરોડ રૂપિયાના રાષ્ટ્રીય મિશન હેઠળ કપાસિયા અને ચોખાના તેલ જેવાં ગૌણ તેલીબિયાંની નિષ્કર્ષણ કાર્યક્ષમતા વધારવાનો લક્ષ્યાંક છે. હાલ ૨૯૨ લાખ ટનના વાર્ષિક વપરાશ સામે ૧૨૬.૯ લાખ ટન સ્થાનિક ઉત્પાદન થાય છે જેમાં મુખ્યત્વે રાયડો, સોયાબીન અને મગફળીનો સમાવેશ થાય છે. ૧૬૫ લાખ ટન ખાદ્ય તેલની કુલ આયાતમાંથી પામ તેલનો હિસ્સો ૬૦ ટકા છે, જ્યારે સોયાબીન અને સૂર્યમુખી તેલનો હિસ્સો ૨૦ ટકા છે. તેલીબિયાં હેઠળના વિસ્તારમાં નોંધપાત્ર વધારો શક્ય નથી એ સ્વીકારતાં અધિકારીએ કહ્યું, ‘અમે ઉચ્ચ ઊપજ આપતી જાતોના પરિચય દ્વારા ખાદ્ય તેલના ઉત્પાદનમાં વધારો કરવાનો લક્ષ્યાંક રાખીએ છીએ, કારણ કે સંભવિતતા સામે ઊપજમાં મોટો તફાવત છે જે ખેતીમાં વિસ્તરે છે. પૂર્વીય પ્રદેશોમાં ચોખા અને બટાટાના પડતર વિસ્તારો અને આંતર-પાકને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય છે. એક સત્તાવાર નોંધ મુજબ તેલીબિયાંનું ઉત્પાદન ૨૦૩૨ સુધીમાં ૩૯૨ લાખ ટનના વર્તમાન સ્તરથી વધીને ૬૯૭  લાખ ટન થવાની ધારણા છે, જ્યારે તેલીબિયાં હેઠળનો વિસ્તાર ૨૯૦ લાખ હેક્ટરથી વધીને ૩૩૦ લાખ હેક્ટર થવાની ધારણા છે.’

ઘઉં-ચોખાનું પર્યાપ્ત ઉત્પાદન સતત રહેવું જરૂરી

તત્કાલીન વડાં પ્રધાન ઇ​ન્દિરા ગાંધીએ સિત્તેરના દાયકામાં હરિતક્રા​ન્તિ કરીને દેશને ઘઉં-ચોખાના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવી દીધો હતો. હરિતક્રા​ન્તિના છ દશક બાદ માત્ર એક અપવાદરૂપ કિસ્સાને બાદ કરતાં ઘઉં કે ચોખાની આયાત કરવાની જરૂર પડી નથી અને અનેક વર્ષો આપણે સરપ્લસ ઉત્પાદન કરીને નિકાસ કરી છે, પણ હવે ગ્લોબલ વૉર્મિંગને કારણે વાતાવરણના બદલાવ વચ્ચે ઘઉં અને ચોખાનું પર્યાપ્ત ઉત્પાદન સતત રહે એ પડકારજનક બની શકે છે આથી એ દિશામાં પણ પગલાં લેવાની જરૂરત ઊભી થશે.

મસાલાની નિકાસમાં ભારતની સર્વોપરિતા સામે પડકાર 

તાજેતરમાં સિંગાપોર અને હૉન્ગકૉન્ગની ફૂડ એજન્સીએ ઇથિલીન ઑક્સાઇડના પ્રમાણ વિશે ભારતીય મસાલાના ઉપયોગથી કૅન્સર થતું હોવાનો રિપોર્ટ આપ્યો હતો. અગાઉ પણ જીરું, હળદર અને મરચા-પાઉડરમાં અન્ય ચીજોની ભેળસેળ થઈ રહી હોવાથી ભારતીય મસાલા રિજેક્ટ થયાના એક કરતાં વધુ દાખલા બન્યા છે ત્યારે વર્ષોથી ભારતીય મસાલાની નિકાસમાં સર્વોપરી છે એ જાળવવા માટે મસાલાની ક્વૉલિટી બાબતે સતર્ક રહીને કામ કરવાની તાતી જરૂર છે. ભારત જીરું, હળદર, મરચાં, વરિયાળી, અજમો, મેથી, ઇસબગુલ, ધાણા વગેરેમાં વિશ્વનું ટોચનું નિકાસકાર વર્ષોથી છે; પણ હવે રશિયા, યુક્રેન, ટર્કી, સિરિયા, ચીન, અફઘાનિસ્તાન, ઈરાન વગેરે દેશો મસાલાની નિકાસમાં અગ્રેસર થઈ રહ્યા છે ત્યારે ભારતને સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. 

narendra modi oil prices indian food Shivraj Singh Chouhan india indian oil corporation business news