04 August, 2023 03:58 PM IST | Mumbai | Shardul Shah
પ્રતીકાત્મક તસવીર
બૉમ્બે હાઈ કોર્ટે તાજેતરમાં એજન્ટો, દલાલો, મધ્યસ્થીઓ વગેરે દ્વારા ભારતની બહારસ્થિત ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી મધ્યસ્થી સેવાઓ પર કર લગાડવા માટે જીએસટીની બંધારણીય માન્યતાને સમર્થન આપ્યું છે. હાઈ કોર્ટે કહ્યું છે કે ઉપરોક્ત સેવાઓ પર જીએસટી લગાડવો એ બંધારણીય રીતે વૈધ છે.
આમ છતાં, સેન્ટ્રલ જીએસટી (સીજીએસટી) અથવા સ્ટેટ જીએસટી (એસજીએસટી) અથવા ઇન્ટિગ્રેટેડ જીએસટી (આઇજીએસટી)માંથી કયા પ્રકારનો જીએસટી લગાડવામાં આવશે એ બાબતે બૉમ્બે હાઈ કોર્ટે કોઈ ટિપ્પણી અથવા કોઈ સ્પષ્ટતા કરી નહોતી.
આવી આપેલી સેવાઓ કે જેનો વપરાશ ભારતની બહાર થાય છે, એની પર મળેલા કમિશન પર જીએસટી હેઠળ ટૅક્સ લાગુ પડે કે નહીં એ હવે મુખ્ય સવાલ છે. એમાંય જો જીએસટી લાગુ પડી શકે તો સેન્ટ્રલ જીએસટી (સીજીએસટી) અથવા સ્ટેટ જીએસટી (એસજીએસટી) અથવા ઇન્ટિગ્રેટેડ જીએસટી (આઇજીએસટી)માંથી કયા પ્રકારનું જીએસટી લાગુ પડી શકે એ મુખ્ય મુદ્દો છે.
આજની તારીખે ભારતમાં આવા પ્રકારની મધ્યવર્તી સેવાઓ પર આઇજીએસટી ઍક્ટ હેઠળની જોગવાઈઓ પ્રમાણે કર લાદવામાં આવે છે.
જોકે આવી સેવાઓ પર એસજીએસટી અને સીજીએસટી પણ લાદવામાં આવે છે. મધ્યસ્થીઓ દ્વારા આવા પ્રકારની સેવાઓ ભારત બહાર પૂરી પાડવામાં આવે છે તેમ છતાં તેમને જીએસટી જોગવાઈઓ સેક્શન ૧૩ (૮) (બી) હેઠળ નિકાસ તરીકે ન ગણતાં તેમને ખાસ અપવાદ તરીકે રાખવામાં આવી છે.
બીજી નિકાસની સેવાઓ પર કોઈ જીએસટી લાગતો નથી, પરંતુ આ મધ્યસ્થી સેવાઓ ભારતની બહાર સેવાઓ પૂરી પાડે છે તેમ છતાં આ સેવાઓ પર બીજી નિકાસની સેવાઓ માફક શૂન્ય જીએસટી લાગુ પડતો નથી.
આ જીએસટી જોગવાઈઓનો અર્થ એ છે કે ભારતમાં જો કોઈ મિડલમૅન વિદેશમાં તેમના ગ્રાહકોને સેવાઓ પ્રદાન કરે, તો પણ જે વિસ્તારમાં આ મિડલમૅન રજિસ્ટર્ડ હશે ત્યાં જ આ સેવાઓ પૂરી પાડવામાં આવી છે, એવું માનવામાં આવશે.
જીએસટીની બીજી જોગવાઈઓ જેવી કે સેક્શન ૮(૨) સાથે ઉપરોક્ત જોગવાઈની બંધારણીય માન્યતા એક વિવાદાસ્પદ મુદ્દો છે. આ મુદ્દા અનુસાર સેવાનો પુરવઠો કરનાર વ્યક્તિનું સ્થળ અને જ્યાં સેવા પૂરી પાડવામાં આવી છે એ સ્થળ જો એક જ રાજ્યમાં આવેલા હોય તો એને ઇન્ટરસ્ટેટ સપ્લાય તરીકે ગણવામાં આવશે. આ બાબત પરનો એક ખટલો બૉમ્બે હાઈ કોર્ટ સમક્ષ પણ આવ્યો હતો.
ત્યાર બાદ, બૉમ્બે હાઈ કોર્ટની ડિવિઝન બેન્ચના મત પણ ઉપરોક્ત મુદ્દા પર વહેંચાઈ ગયા હતા. બૉમ્બે હાઈ કોર્ટના એક ન્યાયાધીશે સૂચવ્યું હતું કે જીએસટીની ઉપરોક્ત જોગવાઈઓ બંધારણીય રૂપે વૈધ છે, જ્યારે ન્યાયાધીશોના બીજા જૂથે જણાવ્યું હતું કે જીએસટી કલમ ૧૩(૮) (બી) અને કલમ ૮(૨)ની જોગવાઈઓ અલ્ટ્રા વાયર્સ છે અથવા બંધારણીય રૂપે વૈધ નથી. ત્યાર બાદ, આ મામલો મુંબઈ હાઈ કોર્ટના ત્રીજા ન્યાયાધીશને સુપરત કરવામાં આવ્યો હતો.
મુંબઈ વડી અદાલતે અનેક અરજીની સુનાવણી બાદ ગયા એપ્રિલમાં ત્રીજા ન્યાયમૂર્તિ મારફતે આપેલા ચુકાદામાં કહ્યું હતું કે ઇન્ટિગ્રેટેડ જીએસટીની જોગવાઈઓને અનુરૂપ હોય એ જ સ્થિતિમાં આ સેવાઓને લગતી જીએસટીની જોગવાઈઓ બંધારણીય રીતે વૈધ છે.