26 November, 2024 08:42 AM IST | Victoria | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
હૉન્ગકૉન્ગની સૌથી મોટી વર્ચ્યુઅલ બૅન્ક – ઝેડએ બૅન્કે પરંપરાગત ચલણથી બિટકૉઇન અને ઇથેરિયમ જેવી ક્રિપ્ટોકરન્સીની પ્રત્યક્ષ ખરીદી કરી શકાય એવી સુવિધા રીટેલ ગ્રાહકો માટે શરૂ કરી છે. બૅન્કના નિવેદનમાં જણાવાયું છે કે હૉન્ગકૉન્ગના જે રહેવાસીઓનું આ બૅન્કમાં ખાતું હશે તેમને જ આ સુવિધા આપવામાં આવશે. ઉપરાંત દરેક ગ્રાહકની જોખમ ખમવાની ક્ષમતાની ચકાસણી કર્યા બાદ જ તેમને બૅન્કની ઍપ મારફતે ક્રિપ્ટો સર્વિસ પૂરી પાડવામાં આવશે. હાલ ફક્ત બિટકૉઇન અને ઇથેરિયમ માટે આ સુવિધા આપવાની વાત થઈ છે.
ક્રિપ્ટોકરન્સી ક્ષેત્રની અન્ય મહત્ત્વપૂર્ણ ઘટનામાં રિપલ અને આર્કાક્સે એક્સઆરપી લેજર પર યુનાઇટેડ કિંગડમનું પ્રથમ ટોકનાઇઝ્ડ મની માર્કેટ ફન્ડ શરૂ કર્યું છે. આર્કાક્સ ડિજિટલ ઍસેટ્સ એક્સચેન્જ છે. ટોકનાઇઝ્ડ ઍસેટ્સની દૃષ્ટિએ આ મોટી ઘટના છે.
દરમ્યાન, વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે બિટકૉઇનમાં ૧.૭૪ ટકાનો ઘટાડો થઈને ભાવ ૯૬,૦૪૭ ડૉલર થયો હતો. ઇથેરિયમમાં પણ ૧.૮૬ ટકાનો ઘટાડો થઈને ભાવ ૩૪૨૫ ડૉલર પર પહોંચ્યો હતો. સોલાનામાં ૨.૩૬ ટકા, બીએનબીમાં ૨.૫૫ ટકા, એક્સઆરપીમાં ૨.૯૨ ટકા અને ડોઝકૉઇનમાં ૩.૪૫ ટકાનો ઘટાડો થયો હતો. એકંદરે બજારનું વલણ ઘટાડાતરફી રહ્યું હતું.