અમેરિકામાં રેટ-કટ જાહેર થાય એ પહેલાં ઊંચા મથાળે પ્રૉફિટ-બુકિંગ

19 September, 2024 09:10 AM IST  |  Mumbai | Kanu J Dave

બૅ​ન્કિંગ-ફાઇનૅન્સ અને IT શૅરના સામસામા રાહ : NSEના ૭૭માંથી ૬૦ ઇન્ડેક્સ ઘટીને બંધ, સંસ્થાકીય નેટ લેવાલી, બજાજ હાઉસિંગ ફાઇનૅન્સ ઘટ્યો, બજાજ ફાઇનૅન્સ અને ફિનસર્વ સુધર્યા, નિફ્ટી બાવન વીકની નવી ઊંચાઈએ

પ્રતીકાત્મક તસવીર

બુધવારે બજારમાં બૅ​ન્કિંગ-ફાઇનૅન્સનું પ્રભુત્વ જોવા મળ્યું એની સામે છેલ્લા થોડા દિવસોથી લાઇમલાઇટમાં આવેલા IT શૅરોમાં અન્ડરટોન ઢીલો હતો. બૅન્ક નિફ્ટી 561.75 પૉઇન્ટ્સ, 1.08 ટકા વધી 52,750.40 અને નિફ્ટી ફાઇનૅ​ન્શિયલ સર્વિસિસ ઇન્ડેક્સ 335.35 પૉઇન્ટ્સ, 1.40 ટકા સુધરી 24,326.90 બંધ રહ્યા હતા. એથી વિપરીત નિફ્ટી મિડકૅપ સિલેક્ટ 150.50 પૉઇન્ટ્સ, 1.13 ટકા ઘટી 13,132.85, નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી 324.05 પૉઇન્ટ્સ, 0.43 ટકાના લૉસે 74,936.15 અને નિફ્ટી 41 પૉઇન્ટ્સ, 0.16 ટકા ઘટી 25,377.55 થઈ ગયા હતા. અમેરિકામાં 18મીએ આપણી રાત હોય ત્યારે રેટ-કટની જાહેરાત ફેડરલ રિઝર્વ કરે એની વિશ્વનાં તમામ બજારો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. પચાસ બેસિસ પૉઇન્ટ વ્યાજ કપાત આવવાના ચાન્સ વધારે છે, અમુક વર્ગ તો હવે ૬૦ બેસિસ પૉઇન્ટ રેટ-કટ આવશે એવી વાત ચલાવી રહ્યો છે. લિ​સ્ટિંગના ત્રીજા દિવસે બજાજ હાઉસિંગ ફાઇનૅન્સમાં પીછેહટ જોવાઈ હતી. મંગળવારે 181.50 રૂપિયાના સ્તરે બંધ રહેલો આ શૅર બુધવારે 181 ખૂલી શરૂઆતના અડધા કલાકમાં જ 188.50 રૂપિયાના નવા હાઈ સુધી ગયા પછી પ્રૉફિટ-બુકિંગના દબાણે ઘટીને 171.10 રૂપિયા થઈ છેવટે 4.58 ટકા ગુમાવી દૈનિક 8.31 રૂપિયા ઘટી 173.19 રૂપિયા થઈ ગયો હતો. 2625 લાખ શૅરોના સોદામાં 4685.09 કરોડ રૂપિયાનું કામકાજ થયું એમાં 28.44 ટકા ડિલિવરીના ધોરણે કામ થયાં હતાં. NSEની વેબસાઇટની માહિતી અનુસાર આ કંપનીનું ફ્રી ફ્લૉટ માર્કેટ કૅપિટલાઇઝેશન 1,44,235.17 કરોડ રૂપિયા અને ફ્રી ફ્લૉટ માર્કેટ કૅપિટલાઇઝેશન 11,538.81 કરોડ રૂપિયા હતું. BSEના વેબસાઇટ પરની માહિતી મુજબ પ્રમોટરો અને પ્રમોટર ગ્રુપનું શૅર હો​લ્ડિંગ 88.75 ટકા અને પ​બ્લિકનું 11.25 ટકા હતું. આ કારણસર ફ્રી ફ્લૉટ માર્કેટ કૅપિટલાઇઝેશન એટલું ઓછું દેખાય છે. 88.75 ટકાનું હો​લ્ડિંગ ભવિષ્યમાં કંપનીએ SEBIના નિયમો મુજબ 75 ટકાથી નીચે લાવવું પડશે.           

ઇન્ડેક્સોનાં કામકાજ પર દૃ​​ષ્ટિ કરીએ તો સેન્સેક્સે 83,326.38નો નવો ઐતિહાસિક હાઈ  સોમવારે 83,184.34ના હાઈથી ઉપર જઈને બનાવ્યો હતો. સેન્સેક્સના 11 શૅર વધ્યા અને 19 ઘટ્યા હતા. ટૉપ ગેઇનર બજાજ ફાઇનૅન્સ 268.50 રૂપિયા, 3.65 ટકા સુધરી 7632.25 રૂપિયાએ બંધ રહ્યો હતો. એ જ રીતે બજાજ જૂથની બીજી ફાઇનૅન્સ કંપની બજાજ ફિનસર્વનો ભાવ 39 રૂપિયા વધી 2.11 ટકા સુધરી 1887.50ના સ્તરે વિરમ્યો હતો. બેથી એક ટકાના પ્રમાણમાં સુધારો નોંધાવનાર અન્ય સેન્સેક્સ ગેઇનર્સમાં નેસ્લે 2586.80 રૂપિયા, આઇસીઆઇસીઆઇ બૅન્ક 1288.05 રૂપિયા, એચડીએફસી બૅન્ક 1694.35 રૂપિયા, સ્ટેટ બૅન્ક ઑફ ઇ​ન્ડિયા 792.35 રૂપિયા અને લાર્સન ઍન્ડ ટુબ્રો 3729.65 રૂપિયાનો સમાવેશ થતો હતો. સામે પક્ષે IT હેવી વેઇટ્સમાં બુધવારે નફો અંકે કરવાની વૃત્તિએ સેન્સેક્સના ટીસીએસમાં 3.49 ટકા, એચસીએલ ટેકમાં 3.15 ટકા અને ઇન્ફોસિસમાં 3.09 ટકાનાં ગાબડાં પડતાં ભાવ અનુક્રમે 4346.60 રૂપિયા, 1755.65 રૂપિયા અને 1892.35 રૂપિયા બંધ રહ્યા હતા. ટેક મહિન્દ્ર પણ 2.79 ટકા તૂટી 1605.35 રૂપિયા રહ્યો હતો. સેન્સેક્સના સનફાર્મા 1.79 ટકાના લૉસે 1832.50 રૂપિયા, દોઢ ટકો ઘટી ટાટા સ્ટીલ દોઢ સો રૂપિયા, ટાટા મોટર્સ અને ટાઇટન સવા-સવા ટકાના નુકસાને અનુક્રમે 962.40 અને 3723.65 રૂપિયા તો એશિયન પેઇન્ટ્સ 1.16 ટકા ડાઉન થઈ 3274 રૂપિયાના સ્તરે બંધ રહ્યા હતા. નિફ્ટી બુધવારે નવા ઐતિહાસિક હાઈને સ્પર્શ્યો એની સાથે-સાથે એના પ્રતિનિધિ શૅરોમાંથી શ્રીરામ ફાઇનૅન્સ 3589.75 રૂપિયા, આઇસીઆઇસીઆઇ બૅન્ક 1295.35 રૂપિયા, હિરોમોટો કૉર્પ 6145.95 રૂપિયા, ભારતી ઍરટેલ 1670.95 રૂપિયા અને બજાજ ઑટો 12054 રૂપિયાની નવી ઊંચાઈએ જઈ આવ્યા હતા. નિફ્ટી 25,418.55ના મંગળવારના બંધ સામે 25,402.40 ખૂલી બપોરે એક સુધી ધીમે-ધીમે સુધરી 25,482.20નો નવો ઐતિહાસિક હાઈ કરી શક્યો હતો. જોકે એ પછી આવેલા પ્રૉફિટ-બુકિંગના દબાણે ઘટીને 25,285.55 થઈને સેશનના અંતે 25,377.55 બંધ રહ્યો હતો. સેન્સેક્સમાં ઉલ્લેખ કરેલા ગેઇનર્સ ઉપરાંત નિફ્ટીનો શ્રીરામ ફાઇનૅન્સ 4.22 ટકા વધી ટૉપ ગેઇનર રહ્યો હતો. ભાવ 3569 રૂપિયા બંધ રહ્યો હતો. નિફ્ટીનો વિપ્રો અઢી ટકા ઘટી 537.7 રૂપિયા બંધ રહ્યો હતો. NSEના 77માંથી 60 ઇન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા. એમાં સૌથી મોટો ઘસરકો IT ઇન્ડેક્સને 3.05 ટકાનો પડ્યો હતો. 1325 ગબડીને આ આંક 9559.35ના લેવલે આવી ગયો હતો. એના તમામ દસ શૅરો ઘટીને બંધ રહ્યા હતા. 10માંથી 6 પ્રતિનિધિ શૅરોમાં 3 ટકાથી વધુ અને 3 શૅરોમાં 2થી 3 ટકાનો ઘટાડો જોવાયો એમાં એમ્ફસિસ 5.63 ટકા તૂટીને 2999 પર આવી ગયો હતો. તદુપરાંત નિફ્ટી ઇ​ન્ડિયા ડિજિટલમાં 1.82 ટકા, 25 ટકા કૅપ સાથેની ટાટા ગ્રુપ ઇન્ડેક્સમાં 1.79 ટકા, નિફ્ટી ફાર્મામાં 1.53 ટકા, નિફ્ટી હેલ્થકૅરમાં 1.31 ટકા અને નિફ્ટી ઑઇલ ઍન્ડ ગૅસમાં 1.02 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50માંથી 33, નિફ્ટી નેક્સ્ટ 50ના 50માંથી 40, નિફ્ટી બૅન્કના 12માંથી 3, નિફ્ટી ફાઇનૅન્સના 20માંથી 6 અને મિડકૅપ સિલેક્ટના 25માંથી 21 જ શૅરો ડિક્લાઇનિંગની યાદીમાં હતા. સેન્સેક્સના 30માંથી 18 અને બૅન્કેક્સના 10માંથી 4 શૅરો ઘટ્યા હતા. 

NSEના વેબસાઇટ પરની માહિતી અનુસાર 2869 ટ્રેડેડ શૅરોમાંથી 962 વધ્યા, 1840 ઘટ્યા અને 67 સ્થિર રહ્યા હતા. બાવન સપ્તાહના નવા હાઈ 131 શૅરોએ અને નવા લો 39 શૅરોએ નોંધાવ્યા હતા. ઉપલી સર્કિટે 102 તો નીચલી સર્કિટે 81 શૅરો ગયા હતા.

અનિલ અંબાણી જૂથની બે કંપનીઓએ દેવું ઘટાડ્યું :

શૅરો ઉપલી સર્કિટે આદિત્ય બિરલા કૅપિટલ (ABCL)ને આદિત્ય બિરલા ફાઇનૅન્સને પેરન્ટ કંપનીમાં અમાલ્ગમેશન માટે RBIએ નો-ઑબ્જેક્શન લેટર આપ્યો છે. આ અમાલ્ગમેશન થયા પછી ABCLને NBFCનું સ્ટેટસ મળશે, કેમ કે એના સંયુક્ત ઍસેટ્સ અન્ડર મૅનેજમેન્ટ (AUM) 5 લાખ કરોડ રૂપિયાથી વધુ થશે. માર્ચ 2024માં ABCLની બોર્ડે આ મર્જરને મંજૂરી આપી હતી. ABCL 226.40 રૂપિયા બંધ હતો.

એસ.ડી. રીટેલનો SME IPO 124થી 131 રૂપિયાના ભાવે 1000ના લૉટમાં ઓછામાં ઓછી 1000 શૅરની અરજી અને HNI કૅટેગરીમાં મિનિમમ બે લ઼ૉટની અરજી માટે 20મીથી ખૂલશે. એક લાખ રૂપિયા પ્લસની અરજીની રકમ અને SME વિભાગના શૅરોમાં અફરાતફરીને ધ્યાનમાં રાખીને પૂરતો અભ્યાસ કરી SEBI રજિસ્ટર્ડ સલાહકારની સલાહ લઈને જ અરજી કરવાનું યોગ્ય ગણાશે.

BSE લિસ્ટેડ જીઇટીએન્ડડી (1705 રૂપિયા)ના પ્રમોટરો 11.7 ટકા સ્ટેક, ઓવર સબસ્ક્રિપ્શનના કેસમાં વધુ 3.9 ટકા સાથે 1400 રૂપિયાના ભાવે ઑફર ફોર સેલમાં શૅરો વેચશે. રીટેલ રોકાણકારો માટે ઑફર 20મીએ ખૂલશે.

ગાર્ડન રીચ શિપ બિ​લ્ડિંગને 540 લાખ ડૉલરનો જર્મન ઑર્ડર મળ્યો તો પણ ભાવ સવા ટકો ઘટી 1705 રૂપિયા બંધ હતો.

અનિલ અંબાણી જૂથની કંપનીઓ રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટક્ચરે 7220 કરોડ રૂપિયાનું દેવું ઓછું કર્યાના સમાચારે રિલાયન્સ પાવર પાંચ ટકાની ઉપલી સર્કિટે અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટક્ચર 20 ટકાની ઉપલી સર્કિટે અનુક્રમે 32.97 અને 282.73 રૂપિયાના સ્તરે બંધ રહ્યા હતા.

સંસ્થાકીય નેટ લેવાલી

FIIની 1153.69 કરોડ રૂપિયાની નેટ લેવાલી અને DIIની પણ 152.31 કરોડ રૂપિયાની નેટ લેવાલી રહેતાં એકંદરે 1306 કરોડ રૂપિયાની નેટ લેવાલી કૅશ સેગમેન્ટમાં જોવા મળી હતી. BSE લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન 467.73 લાખ કરોડ રૂપિયાનું થયું હતું.  

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange