26 May, 2021 12:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એચડીએફસી બૅન્ક
દેશમાં કોરોનાના બીજા મોજાને કારણે લોનની ગુણવત્તા પર વધારે અસર થઈ હોવાનું દેશની સૌથી મોટી ખાનગી બૅન્ક એચડીએફસી બૅન્કે જણાવ્યું છે.
બૅન્કના રોકાણકારો સાથેની વાતચીતમાં સીઈઓ-મૅનેજિંગ ડિરેક્ટર શશીધર જગદીશને કહ્યું હતું કે જે કરજદારોએ કોરોનાના પ્રથમ મોજા બાદ લોનની ચુકવણી માટેની વધારાની મુદત (મોરેટોરિયમ) અને લોનની પુનઃ રચના કરવાની સુવિધાનો જેમણે લાભ લીધો હતો તેમના પર કોરોનાના બીજા મોજાની સૌથી વધારે અસર થઈ છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે નજીકના ગાળામાં બૅન્કની કામગીરી મોળી રહેવાની શક્યતા છે. આ અસાધારણ પરિસ્થિતિમાં બૅન્ક સાવચેતી રાખશે. આટલાં વર્ષોમાં પહેલી વાર એવું બન્યું છે કે આગળ શું થવાનું છે એનો કોઈ અંદાજ બાંધી શકાતો નથી.
કૉર્પોરેટ ક્ષેત્ર અને એસએમઈ (સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ)ને અપાયેલી લોન બાબતે અમે પ્રમાણમાં વધારે આશાવાદી છીએ, પરંતુ રીટેલ લોન બાબતે એવું લાગે છે કે કરજદારો પર વધારે બોજ છે.
ઑસ્ટ્રેલિયન બ્રોકરેજ કંપની મેકક્વાયરે યોજેલા આ કાર્યક્રમમાં જગદીશને વધુમાં કહ્યું હતું કે કર્મચારીઓને બિઝનેસની જરૂરિયાતો કરતાં આરોગ્ય અને સલામતી પર વધુ ભાર આપવાનું કહેવામાં આવ્યું છે. કલેક્શનમાં ઘટાડો થવાની શક્યતા છે. પરિણામે નજીકના ગાળામાં લોનની ચુકવણીમાં વિલંબ થવાની શક્યતા વધારે છે. જોકે, આપેલું કરજ ડૂબી જાય એવું લાગતું નથી. બે ક્વૉર્ટર્સમાં પરિસ્થિતિ સામાન્ય થઈ જવાનો અંદાજ છે. આગામી ક્વૉર્ટર્સમાં કલેક્શન થઈ જવાની શક્યતા છે.
એચડીએફસી બૅન્ક જે પરિસ્થિતિનો સામનો કરી રહી છે એવી જ સ્થિતિ દેશના એકંદરે નાણાકીય તંત્રની થશે. રીટેલ લોન અકાઉન્ટ પર દબાણ વધારે હશે.
જગદીશને કહ્યા મુજબ બીજા મોજાની અસર ગ્રામીણ ક્ષેત્રો પર પણ થઈ છે. આમ, અગાઉ બચી ગયેલા લોકો પર પણ અસર થઈ છે. પહેલા કરતાં બીજા મોજામાં વધારે જીવ ગયા છે.