ઔદ્યોગિક વિકાસ બાવીસ મહિનાના તળિયે ગયો અને સેન્સેક્સ ૫૯૨ પૉઇન્ટ ઊંચકાયો

15 October, 2024 08:47 AM IST  |  Mumbai | Anil Patel

HCL ટેક્નૉ નવા શિખર સાથે પાંચ લાખ કરોડની કંપની બની ગઈ, બંધ બજારે પરિણામ સારાં આવતાં શૅરને વધુ સપોર્ટ મળશે: સાડાબાર ટકાની તેજી સાથે ૬૩ મૂન્સ આઇટી ઇન્ડેક્સમાં ઝળક્યોઃ BSE અને MCXમાં ઑલટાઇમ હાઈનો સિલસિલો

શેરબજારની પ્રતીકાત્મક તસવીર

HCL ટેક્નૉ નવા શિખર સાથે પાંચ લાખ કરોડની કંપની બની ગઈ, બંધ બજારે પરિણામ સારાં આવતાં શૅરને વધુ સપોર્ટ મળશે: સાડાબાર ટકાની તેજી સાથે ૬૩ મૂન્સ આઇટી ઇન્ડેક્સમાં ઝળક્યોઃ BSE અને MCXમાં ઑલટાઇમ હાઈનો સિલસિલો, CDSL ડિમાન્ડમાં: ધર્મા પ્રોડક્શન ટેકઓવર કરવા રિલાયન્સ મેદાનમાં આવતાં સારેગામા મૂરઝાયો: ઇશ્યુની પૂર્વસંધ્યાએ હ્યુન્દાઇનાં પ્રીમિયમ ગ્રે માર્કેટમાં તૂટ્યાં, મુંબઈની ગરુડા કન્સ્ટ્રક્શનનું આજે લિસ્ટિંગ: રેડ ટેપમાં બુલિશ વ્યુ

ઑગસ્ટ મહિનામાં દેશનો ઔદ્યોગિક વિકાસદર માઇનસ ૦.૧ ટકા નોંધાયો છે, જે બાવીસ મહિનાની બૉટમ છે. ચાલુ મહિને FII સતત વેચવાલ છે. ૧૧ ઑગસ્ટ સુધીના કામકાજના સાત દિવસમાં તેણે ૫૮,૩૯૪ કરોડની રોકડી કરી લીધી છે. ડૉલર સામે રૂપિયો વરવા વિક્રમી લેવલ સાથે ૮૪ની પાર થઈ ચૂક્યો છે. સપ્ટેમ્બર ક્વૉર્ટરનાં કંપની પરિણામ એકંદર સાધારણથી નબળાં રહેવાની બહુમતી ધારણા છે. આ બધી મોંકાણ વચ્ચે સેન્સેક્સ સોમવારે ૫૯૨ પૉઇન્ટ વધી ૮૧,૯૭૩ તથા નિફ્ટી ૧૬૪ પૉઇન્ટ વધી ૨૫,૧૨૮ બંધ રહ્યા છે. બજારનું માર્કેટકૅપ ૧.૩૫ લાખ કરોડના ઉમેરામાં ૪૬૩.૬૩ લાખ કરોડ રૂપિયા નજીક આવી ગયું છે. આરંભથી અંત સુધી પૉઝિટિવ ઝોનમાં રહેલા બજારમાં શૅર આંક નીચામાં ૮૧,૫૪૧ અને ઉપરમાં ૮૨,૦૭૨ થયો હતો. જૂજ અપવાદ સિવાય બન્ને બજારના તમામ સેક્ટોરલ પ્લસ હતા. નિફ્ટી મીડિયા એક ટકો તો મેટલ અને ઑઇલ-ગૅસ બેન્ચમાર્ક નહીંવત નરમ હતા. રિયલ્ટી દોઢ ટકો તો આઇટી અને બૅન્કિંગ એકથી સવા ટકો વધ્યા છે. સહેજ નેગેટિવ બાયસને લઈ NSE ખાતે નબળી માર્કેટ બ્રેડ્થમાં વધેલા ૧૨૫૧ શૅર સામે ૧૨૮૮ જાતો ઘટી છે. 

અમેરિકન શૅરબજારનો ડાઉ ઇન્ડેક્સ ૪૩,૯૦૦ નજીક નવા શિખરે પહોંચી ચૂક્યો છે. ચાઇનીઝ સ્ટિમ્યુલસ ડોઝને લઈ મીમાસા ચાલુ છે, પણ ત્યાંનું માર્કેટ બે ટકા વધી ગઈ કાલે બંધ થયું છે. હૉન્ગકૉન્ગના પોણા ટકાના ઘટાડાને અપવાદ ગણતાં સોમવારે તમામ અગ્રણી એશિયન બજારો પ્લસ હતાં. જપાન રજામાં હતું. યુરોપ સામાન્ય સુધારો રનિંગમાં દર્શાવતું હતું. 

‘એ’ ગ્રુપ ખાતે SJS એન્ટરપ્રાઇઝીસ પોણાદસ ટકાની તેજીમાં ૧૦૪૭ બંધ આપી મોખરે રહ્યો છે. બૉમ્બે ડાઇંગ ૨૪૦ નજીત જઈ પોણાઆઠ ટકા ઊછળી ૨૩૮ના બંધમાં ઝળક્યો છે. ડીમાર્ટ અત્રે ટૉપ લૂઝર હતો. સુદર્શન કેમિકલ્સ આઠ ટકા તો તાતા કેમિકલ્સ પોણાસાત ટકા ખરડાયા છે. કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સને હસ્તગત કરવા મેદાનમાં હોવાની રિલાયન્સની જાહેરાત આવતાં સારેગામા ઇન્ડિયા સાડાછ ટકા બગડી ૫૫૧ રહ્યો છે. મુકેશ અંબાણી મેદાનમાં ઊતરે ત્યાં બીજાનો ગજ કેમ વાગે? લૉક-ઇનનો એક માસ પૂરો થતાં બજાજ હાઉસિંગ ફાઇનૅન્સ છ ટકા જેવી ગગડી ૧૪૨ રહી છે. 

બજાર બંધ થયા પછી HCL ટેક્નૉલૉજીસે ૧૧ ટકાના વધારામાં ૪૨૩૫ કરોડ નેટ પ્રૉફિટ કરી શૅરદીઠ ૧૨ રૂપિયાનું ઇન્ટરિમ જાહેર કર્યું છે. કંપનીની કામગીરી બજારની ધારણા કરતાં સારી રહી છે. એ શૅરને કેટલો ટેકો આપે છે એ જોવું રહ્યું. રિલાયન્સનાં રિઝલ્ટ બજાર બંધ થયાં પછી રાબેતા મુજબ મોડી સાંજે આવવાનાં હતાં. પરિણામ નબળાં હશે એવી વ્યાપક ધારણા છે, જે ખોટી ઠરે તો શૅર બાઉન્સબૅક થશે. 

વિપ્રોમાં પોણાછ વર્ષે બોનસ આવશે, શૅર નિફ્ટીમાં ટૉપ ગેઇનર 

વિપ્રોનાં પરિણામ ૧૭મીએ છે, જેમાં બોનસ વિશે વિચારણાનો એજન્ડા પણ સામેલ કરાયો છે. શૅર આની અસરમાં ૫૫૨ નજીકની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી ચાર ટકાના ઉછાળે ૫૪૯ ઉપર બંધ આપી નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. તો એ જ દિવસે જેનાં રિઝલ્ટ છે એ ઇન્ફોસિસ પણ સવા ટકાની આગેકૂચમાં ૧૯૫૯ બંધ આપી બજારને ૭૪ પૉઇન્ટ ફળ્યો છે. HCL ટેક્નૉલૉઝીસ પરિણામ પૂર્વે ૧૮૬૪ની સર્વોચ્ચ સપાટી બનાવી પોણો ટકો વધી ૧૮૫૬ બંધ થતાં એનું માર્કેટકૅપ હવે ૫.૦૩ લાખ કરોડને વટાવી ગયું છે. ટીસીએસ સામાન્ય ઘટાડે ૪૧૩૬ હતો. ટેક મહિન્દ્ર ૧૬૯૭ની ટૉપ હાંસલ કરી ત્રણેક ટકા વધી ૧૬૯૪ના બંધમાં સેન્સેક્સ ખાતે બેસ્ટ પર્ફોર્મર બન્યો છે. હેવી વેઇટ્સની સાથે સાઇડ શૅરોનો સિલેક્ટિવ સપોર્ટ મળી જતાં આઇટી ઇન્ડેક્સ ૫૬માંથી ૨૮ શૅરના સથવારે એક ટકો પ્લસ હતો. ૬૩ મૂન્સ ત્રણ ગણા કામકાજે ઉપરમાં ૫૦૮ થઈ પોણાતેર ટકાની તેજીમાં ૪૯૪ બંધ આપી મોખરે હતો. ડિસેમ્બર સુધીમાં આ કાઉન્ટર ૬૮૯ની એની ગયા વર્ષે બનેલી મલ્ટિયર ટૉપને વટાવી જવાની હવા છે. ટેલિકૉમમાં MTNL પાંચ ટકા ઊછળી ૫૩ વટાવી ગઈ છે. ભારતી હેક્સા પોણાબે ટકા તો ઇન્ડ્સ ટાવર બે ટકા પ્લસ હતી. ટેકનૉ સ્પૅસમાં ટીવી-૧૮ તથા નેટવર્ક-૧૮ ત્રણેક ટકા કટ થયા છે. એમ્ફાસિસનાં પરિણામ ૧૬મીએ છે. શૅર ત્રણ ટકા વધી ૨૯૬૨ થયો છે. બાય ધ વે, વિપ્રોમાં છેલ્લે ૧૮ જાન્યુ. ૨૦૧૯માં બોનસ આવ્યું હતું જે ત્રણ શૅરદીઠ એકના પ્રમાણમાં હતું. 

રિલાયન્સ રિઝલ્ટ પૂર્વે નામ કે વાસ્તે સુધારામાં બંધ

રિલાયન્સનાં પરિણામ આ વેળા પણ નબળાં રહેવાની બહુમતી ગણતરી છે, જેમાં શૅરની સુસ્તી આગળ વધી છે. ભાવ ગઈ કાલે સરેરાશ કરતાં ૨૫ ટકા કામકાજે ૨૭૬૨ ખૂલી નીચામાં ૨૭૩૬ થઈ નામજોગ, ત્રણેક રૂપિયા સુધરી ૨૭૪૫ બંધ થયો છે. કંપની પરિણામની સાથે-સાથે શૅરદીઠ એક બોનસની રેકૉર્ડ ડેટ જાહેર કરી ભાવને તાત્કાલિક ટેકો આપવા પ્રસાય કરશે એમ મનાય છે. બજાર વિશ્લેષકોની એકંદર ધારણા ૧૫,૫૧૮ કરોડ રૂપિયાના નેટ નફાની છે જે વાર્ષિક ધોરણે ૧૦ ટકા જેવો ઘટાડો બતાવે છે. આવક ૨.૩૯ લાખ કરોડ રૂપિયા આસપાસ અપેક્ષિત છે. HDFC બૅન્કનાં પરિણામ ૧૯મીએ છે. શૅર ગઈ કાલે સવાબે ટકાની મજબૂતીમાં ૧૬૮૮ બંધ થઈ બજારને સર્વાધિક ૨૫૦ પૉઇન્ટ લાભદાયી નીવડયો છે, એની સાથે ICICI બૅન્ક, કોટક બૅન્ક, ઇન્ડ્સ ઇન્ડ બૅન્ક, સ્ટેટ બૅન્ક પોણાથી પોણાબે ટકા પ્લસ હતા. સરવાળે બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરની હૂંફમાં સવા ટકો કે ૬૪૫ પૉઇન્ટ વધ્યો છે. બૅન્કિંગ ઉદ્યોગના ૪૧માંથી ૨૧ શૅર સુધર્યા હતા. ફેડરલ બૅન્ક પાંચ ટકા પ્લસની તેજીમાં ૧૯૭ થયો છે, સામે બંધન બૅન્ક સવાપાંચ ટકા તૂટ્યો છે. 

ફાઇનૅન્સમાં ઍપ્ટસ વૅલ્યુ પોણાઆઠ ટકાનો જમ્પ મારી ૩૮૯ નજીક સરક્યો છે. MCX ૬૫૩૫ની નવી વિક્રમી સપાટી દેખાડી ૧.૭ ટકાની આગેકૂચમાં ૬૫૧૬ થયો છે. બીએસઈ બુલરન જારી રાખતાં ૪૯૯૦ નજીકના શિખરે જઈ સાત ટકા કે ૩૧૩ના ઉછાળે ૪૮૦૯ વટાવી ગયો છે, એની ૧૫ ટકા માલિકીની સબસિડિયરી પણ પોણાસાત ટકાના જોરમાં ૧૫૭૯ રહ્યો છે. 

લાર્સન બે ટકા વધી ૩૫૫૩ બંધ થતાં પોણો ટકો કે ૪૮૧ પૉઇન્ટ વધેલા કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સને ૪૫૯ પૉઇન્ટ મળી ગયા હતા. હેલ્થકૅરમાં નોવાર્ટિસ, વૉકહાર્ટ, એસ્ટર ડીએમ અને હાઇકલ ૫થી ૭ ટકા ઝળક્યા હતા. ન્યુલૅન્ડ લૅબ ૧૪,૮૦૦ના શિખરે જઈ અડધા ટકાની પીછેહઠમાં ૧૪,૨૦૦ હતો. મારુતિ સુઝુકી પોણાબે ટકા કે ૨૩૬ રૂપિયા ગગડી ૧૨,૫૩૮ થયો છે. તાતા સ્ટીલ દોઢ ટકો તો બજાજ ફાઇનૅન્સ સવા ટકો નરમ હતા. નિફ્ટીમાં ONGC બે ટકા લપસી ટૉપ લૂઝર બન્યો હતો. 

ઇશ્યુની પૂર્વસંધ્યાએ હ્યુન્દાઇ મોટરના પ્રીમિયમમાં કડાકો

દેશના ઇતિહાસનો સૌથી મોટો અને અતિ મોંઘો એવો હ્યુન્દાઇ મોટરનો ૨૭,૮૭૦ કરોડનો મેગા ઇશ્યુ આજે, મંગળવારે ખૂલવાનો છે ત્યારે ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ઊંધે કાંધ પડ્યું છે. એક તબક્કે ઉપમાં રેટ ૫૭૦ બોલાતો ગયો એ શૅરદીઠ ૧૯૬૦ની અતિ ઊંચી અપર બૅન્ડ જાહેર થતાં સતત ગગડતો રહી હાલ ૩૦ થઈ ગયો છે. ઇશ્યુ પૂરો થયા પછી રેટ ડિસ્કાઉન્ટમાં આવી જાય તોય અમને નવાઈ નહીં લાગે. મુંબઈના બાંદરા-ઈસ્ટ ખાતેની ગરુડા કન્સ્ટ્રક્શનનો પાંચનો શૅરદીઠ ૯૫ અપર બૅન્ડવાળો ૨૬૪ કરોડનો આઇપીઓ આજે, ૧૫મીએ લિસ્ટિંગમાં જશે. ઇશ્યુ પૂરો થયા પછી અહીં પ્રીમિયમ સદંતર ગાયબ થઈ ગયું છે. શાપુરજી પાલનજી ગ્રુપની એફકૉન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ૭૦૦૦ કરોડનું ભરણું લાવવાની તૈયારીમાં છે. ગ્રે માર્કેટમાં સોદા હવે શરૂ થશે. અમદાવાદી લક્ષ્ય પાવર ટેક્નૉ ૧૦ના શૅરદીઠ ૧૮૦ની અપર બૅન્ડ સાથે ૪૯૯૧ લાખનો NSE SME IPO બુધવારે ખૂલશે. ગ્રે માર્કેટમાં ફૅન્સી દેખાય છે. પ્રીમિયમ વધી ૧૩૫ થયું છે. મુંબઈના સાંતાક્રુઝ-વેસ્ટની શિવ ટેક્સ કેમનો ૧૦ના શૅરદીઠ ૧૬૬ની અપર બૅન્ડવાળો ૧૦૧ કરોડ પ્લસનો BSE SME IPO આજે, મંગળવારે લિસ્ટિંગમાં જવાનો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ સુધરતું રહી હાલ ૭૪ આસપાસ બોલાય છે.

ડીમાર્ટમાં દિવાળી સેલ, રિઝલ્ટ પાછળ ૩૮૮નો કડાકો 

ડીમાર્ટ ફેમ અવૅન્યુ સુપર માર્ટ્સ દ્વારા સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં માંડ આઠ ટકાના વધારામાં ૬૫૯ કરોડ નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. પ્રૉફિટ માર્જિન ૫.૩ ટકાથી ઘટી ૫ ટકા નોંધાયું છે. નબળાં પરિણામે શૅર સાત ગણા કામકાજે નીચામાં ૪૧૪૩ થઈ સાડાઆઠ ટકા કે ૩૮૮ રૂપિયા ખરડાઈ ૪૧૮૪ બંધ થયો છે. ૨૪ સપ્ટેમ્બરે અહીં ૫૪૮૪ની ઑલટાઇમ હાઈ બની હતી. ઑબેરૉય રિયલ્ટીમાં પરિણામ ૧૮મીએ છે એમાં ઇન્ટરિમ ડિવિડન્ડનો એજન્ડા સામેલ છે. વળી ૧૬મીએ NCD ઇશ્યુ દ્વારા ભંડોળ ઊભું કરવા બોર્ડ મીટિંગ પણ યોજાવાની છે. શૅર પાંચ ગણા વૉલ્યુમે ૨૦૧૨ની ઑલટાઇમ હાઈ બનાવી ૪ ટકાની આગેકૂચમાં ૧૯૯૫ થયો છે. પિયર ગ્રુપમાં લોઢાની મેક્રોટેક પણ ૩.૫ ટકા અપ હતી. ગોદરેજ પ્રૉપર્ટીઝ ૨.૭ ટકા વધી ૩૦૯૩ રહી છે. રિલાયન્સની જસ્ટ ડાયલે બીજા ત્રિમાસિક ગાળામાં બમણાથીય વધુના વૃદ્ધિદરમાં ૧૫૪ કરોડ નેટ પ્રૉફિટ કરતાં શૅર પ્રારંભિક મજબૂતીમાં ૧૩૧૩ થયા બાદ પ્રૉફિટ બુકિંગમાં સરી પડતાં ૧૨૫૩ થઈ ૩.૬ ટકા બગડી ૧૨૬૦ રહ્યો છે. તો લોટસ ચૉકલેટ રિઝલ્ટ બાદ મંદીની સર્કિટની હૅટ-ટ્રિકમાં પાંચ ટકા તૂટી ૧૭૦૮ની અંદર જઈ ત્યાં જ હતો. 

મોતીલાલ ઓસ્વાલ તરફથી ૧૯૫૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનું રેટિંગ આવતાં ઇપ્કા લૅબ બમણા વૉલ્યુમે ૧૭૦૯ની નવી ટૉપ બનાવી દોઢ ટકા વધી ૧૬૮૦ થયો છે. અશોકા બિલ્ડકૉન ઉપર મહારાષ્ટ્ર સરકાર ફીદા થઈ લાગે છે. મહારાષ્ટ્ર રોડ ડેવલપમેન્ટ કૉર્પો. તરફથી ૩૯૮૨ કરોડનો નવો પ્રોજેક્ટ મળતાં શૅર ત્રણ ગણા કામકાજે ૨૭૩ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૨.૩ ટકા વધી ૨૫૭ બંધ થયો છે. ફુટવેર કંપની રેડ ટેપ પૉઝિટિવ આઉટ લુકના જોરમાં ૯૧૦ની વિક્રમી સપાટી બનાવી સાત ટકાની તેજીમાં ૮૯૨ હતો. પ્રીમિયર એનર્જીઝની સબસિડિયરીને ૭૬૫ કરોડનો નવો ઑર્ડર મળતાં ઉપરમાં ૧૨૧૭ બતાવી સવાબે ટકા વધી ૧૧૩૩ રહ્યો છે.

mumbai bombay stock exchange sensex nifty stock market share market reliance wipro infosys mtnl business news