23 January, 2023 03:40 PM IST | Mumbai | Khyati Mashru Vasani
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દેશ આઝાદ થવાથી ચાલતું નથી, આઝાદ દેશને સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે બંધારણ જરૂરી હોય છે. આપણા દેશે ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના દિવસે બંધારણ અપનાવ્યું અને ભારત ગણરાજ્ય બન્યું. આપણે આટલાં વર્ષોમાં બંધારણમાં બદલાતા સમય પ્રમાણે આવશ્યકતા પ્રમાણે ફેરફાર કર્યા છે અને એટલે જ આજની તારીખે આપણા દેશની ગણના મહત્ત્વપૂર્ણ લોકશાહી તરીકે થાય છે.
સ્વતંત્રતા અને બંધારણના અમલની વાત નાણાકીય બાબતે પણ લાગુ પડે છે. આપણે શિક્ષણ લેતા હોઈએ ત્યાં સુધી માતાપિતા પર નિર્ભર હોઈએ છીએ. આપણી દરેક જરૂરિયાતની કાળજી લેવાતી હોય છે. જ્યારે પોતે કોઈ નોકરી-વ્યવસાય-બિઝનેસ કરવા લાગીએ ત્યારે આપણે નાણાકીય સ્વાતંત્ર્ય મેળવ્યું કહેવાય. કમાનાર વ્યક્તિ હંમેશાં પોતાના નિર્ણયો લેવા સક્ષમ બને છે, પરંતુ સમૃદ્ધિના પંથે જવા માટે એક બંધારણ હોવું જરૂરી છે. એને આપણે નાણાકીય બંધારણ કહી શકીએ.
શું તમે અત્યાર સુધી તમારું નાણાકીય બંધારણ ઘડ્યું છે? જે રીતે દેશને સુવ્યવસ્થિત ચલાવવા માટે બંધારણ હોય છે એ જ રીતે દરેક વ્યક્તિની પોતાની નાણાકીય જવાબદારીઓના નિર્વહન માટે પણ નાણાકીય બંધારણ ઘડવાની જરૂર હોય છે. આપણે એને નાણાકીય આયોજન કહી શકીએ છીએ. ખર્ચ, બચત અને રોકાણના વ્યવસ્થિત આયોજન દ્વારા આપણે સંપત્તિસર્જન કરી શકીએ છીએ.
અહીં આજના મુદ્દાને એક ઉદાહરણ દ્વારા સમજીએ. રાહુલ ૨૫ વર્ષ પછી નિવૃત્ત થવા માગે છે. એ જ્યારે નિવૃત્ત થશે ત્યારે એને દર મહિને ૫૦,૦૦૦ રૂપિયા અને દર વર્ષે બે લાખ રૂપિયા મળતા રહે એ પ્રમાણે એ રોકાણ કરવા માગે છે.
સામાન્ય કક્ષાનો અભિગમ
રાહુલ ક્યારેક-ક્યારેક રોકાણ કરી લે. એક મહિને ત્રણ હજાર તો બીજા કોઈ મહિને ૧૫,૦૦૦ રૂપિયાનું રોકાણ કરે. વચ્ચે-વચ્ચે રોકાણ વગરનો પણ ઘણો સમય નીકળી જાય. આ રીતનું
રોકાણ કરવાથી નિવૃત્તિ સમયે નિશ્ચિત ભંડોળ પ્રાપ્ત કરવાની ખાતરી મળતી નથી. એને પગલે અસલામતીની ભાવના જન્મે છે.
આ પણ વાંચો : પતંગ ચગાવતી વખતે તમે નાણાકીય આયોજનના કયા પાઠ શીખ્યા?
નાણાકીય આયોજનનો યોગ્ય અભિગમ
નાણાકીય આયોજન કેટલાક સિદ્ધાંતો અને માર્ગદર્શિકાના આધારે કરવામાં આવતું હોય છે. એને કારણે રોકાણને દિશા મળે છે. આ સિદ્ધાંતો અને માર્ગદર્શન પર એક નજર કરીએઃ
૧. સારું રોકાણ એને કહેવાય જેમાં ભાવિ ફુગાવાને ધ્યાનમાં રાખીને વળતરની ધારણા બાંધવામાં આવી હોય.
૨. સ્ટૉક માર્કેટમાં કરાતું રોકાણ જોખમી ગણાય છે, પરંતુ એમાં રોકાણ કરો નહીં તો એ પણ જોખમી બાબત જ કહેવાય.
૩. ટ્રેડિંગ કરવાને રોકાણ કર્યું કહેવાય નહીં.
૪. ઍસેટ ઍલોકેશન એ પોર્ટફોલિયોનું એકંદર જોખમ ઓછું કરવા માટેની પુરવાર થયેલી રીત છે. સમયાંતરે પોર્ટફોલિયોનું પુનઃ સંતુલન કરવાથી સંપત્તિસર્જનની શક્યતા વધી જાય છે.
નાણાકીય આયોજન અપનાવવામાં આવે ત્યારે શક્ય એટલી વધુ ઝીણવટભરી વિગતો સાથે અને આયોજનના પુરવાર થયેલા સિદ્ધાંતો અને રીતની મદદથી કામ કરવામાં આવે છે.
રાહુલના ઉદાહરણને આગળ વધારીએ : હાલની ઉંમર–૩૦ વર્ષ, નિવૃત્તિની ઉંમર–૫૫ વર્ષ, અંદાજિત આવરદા–૮૫ વર્ષ, અપેક્ષિત વાર્ષિક આવક (આજના મૂલ્ય પ્રમાણે નિવૃત્તિ પછી) ૮,૦૦,૦૦૦ રૂપિયા, ફુગાવાનો અંદાજિત દર–૬ ટકા, નિવૃત્તિ પહેલાંના વળતરની ટકાવારી–૧૨ ટકા, નિવૃત્તિ પછીના વળતરની ટકાવારી–૮ ટકા, અપેક્ષિત વાર્ષિક આવકનું ભાવિ મૂલ્ય–૩૪,૩૩,૪૯૭ રૂપિયા, નિવૃત્તિ સમયનું ભંડોળ–૭,૯૫,૮૨,૫૦૧ રૂપિયા, આવશ્યક વાર્ષિક રોકાણ– ૫,૯૬,૮૬૬ રૂપિયા, આવશ્યક માસિક રોકાણ –૪૯,૭૩૮ રૂપિયા જો રાહુલ દર મહિને ૪૯,૭૩૮ રૂપિયાનું રોકાણ કરી શકે તો તે નિવૃત્તિ ભંડોળ સહેલાઈથી જમા કરી શકે છે. જો રાહુલ દર મહિને ૨૨,૦૦૦ રૂપિયાના રોકાણથી શરૂઆત કરે અને દર વર્ષે એ રકમમાં ૧૦ ટકા લેખે વધારો કરતો જાય તો પણ પૂરતું નિવૃત્તિ ભંડોળ જમા થઈ શકે છે.
સુધારા વિરુદ્ધ સમીક્ષા
જે રીતે બંધારણમાં સુધારા કરવામાં આવે છે એ રીતે નાણાકીય આયોજનમાં સમીક્ષા કરવામાં આવે છે. મૂળ આયોજનથી ભટકી જવાની સ્થિતિમાં ફરી મૂળ રસ્તા પર આવવા માટે સમીક્ષા જરૂરી હોય છે. તો ચાલો, આ ગણતંત્ર દિવસે આપણા નાણાકીય આયોજનને બંધારણ જેટલું જ મહત્ત્વ આપીએ અને વર્તમાન નાણાકીય સ્થિતિની સમીક્ષા કરીને નાણાકીય આયોજન ઘડીએ.