12 December, 2022 04:36 PM IST | Mumbai | Jayesh Chitalia
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગુજરાતમાં બીજેપીની ભવ્ય જીતને શૅરબજાર સાથે ભલે કોઈ સીધો સંબંધ ન હોય, પરંતુ અર્થતંત્ર સાથે ખરો. ગુજરાતનાં પરિણામ સરકારની નીતિઓને, રાજકીય સ્થિરતા અને આર્થિક વિકાસને બિરદાવે છે. ભારત વિશ્વમાં એક મજબૂત રાષ્ટ્ર તરીકે નવી ગરિમા-ઇમેજ બનાવવામાં સફળ રહ્યું છે, જે અહીં રોકાણપ્રવાહને આકર્ષવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આ લાંબા ગાળાની દૃષ્ટિએ જોઈ શકતા વર્ગ માટે ઇન્વેસ્ટમેન્ટનો સમય પણ નવી તક બનીને સામે ઊભો છે. વિશ્વનું ધ્યાન છે ભારતીય ઇકૉનૉમી પર, તમારું છે?
ભારત માટેના આશાવાદમાં સતત ઉમેરો થતા જાય છે. હવે વર્લ્ડ બૅન્કે ભારતના જીડીપીને રિવાઇઝ્ડ કરી એનો અંદાજ અગાઉની તુલનાએ વધારીને આ નાણાકીય વરસ માટે ૬.૯ ટકાનો કર્યો છે. ગ્લોબલ રેટિંગ એજન્સી ફિચે ચાલુ નાણાકીય વરસ માટે જીડીપીનો અંદાજ સાત ટકાનો મૂક્યો છે, જ્યારે કે પછીનાં બે વરસ માટે નીચો મૂક્યો છે. ફિચે પણ ભારતીય ઇકૉનૉમીને ફાસ્ટેસ્ટ ગ્રોથ રેટ ધરાવતી ઇકૉનૉમીમાં સ્થાન આપ્યું છે. અન્ય કેટલીક નાણાસંસ્થાઓ ભારતના વિકાસદરના અંદાજને નીચે મૂકી રહી છે, છતાં ગ્લોબલ સ્લો ગ્રોથની અસર ભારત પર બહુ ગંભીર નહીં પડે એવું તેમનું માનવું છે. વર્લ્ડ બૅન્કના મતે ઇમર્જિંગ માર્કેટ્સના ધીમા વિકાસનો લાભ ફાસ્ટેસ્ટ ઇકૉનૉમી તરીકે ભારતને વધુ મળશે. જોકે એના મતે ભારતે હજી ચોક્કસ આર્થિક સુધારા કરવા જોઈશે.
દરમ્યાન મૉર્ગન સ્ટેનલીના ચીફ એશિયા ઇકૉનૉમિસ્ટના મત મુજબ નાણાકીય વરસ ૨૦૨૩માં યુએસ કરતાં એશિયાનો ગ્રોથ બહેતર રહેશે. અહીં ડિમાન્ડ અને વપરાશ ઊંચાં રહેવાની ધારણા છે. ભારતનો જીડીપી ગ્રોથ આગામી વરસે ૬.૨ ટકા અને ૨૦૨૫માં ૬.૫ ટકા રહેવાનો અંદાજ છે. જોકે નોમુરાએ ભારતનો ગ્રોથ રેટ ચાલુ નાણાકીય વરસે ૭ ટકા રહેવાની આશા વ્યક્ત કરી છે, જ્યારે ૨૦૨૪માં આ રેટ ઘટવાની પણ ધારણા મૂકી છે.
વિશ્વાસમાં આવતી મક્કમતા
છેલ્લા પાંચ-છ મહિનામાં એફઆઇઆઇની સક્રિયતાથી નિફ્ટી એની બાવન સપ્તાહની ઑલ ટાઇમ ટોચ ૧૮,૬૦૦ની સપાટી વટાવી ગયો હતો, જેમાં ફૉરેન અને સ્થાનિક ફન્ડ્સના રોકાણપ્રવાહની નોંધપાત્ર ભૂમિકા રહી, સ્થાનિક સંસ્થાઓના વેચાણ વચ્ચે ફૉરેન રોકાણપ્રવાહ મજબૂત રહેવાનું કારણ ભારતીય માર્કેટની અદ્ભુત કામગીરી ગણાય છે. એશિયાની આ ત્રીજી વિશાળ ઇકૉનૉમીમાં ફૉરેન રોકાણકારોનો વિશ્વાસ મક્કમ બનતો જાય છે. આ છ મહિનામાં તેમણે ૪.૧૪ અબજ ડૉલરનું (૩૪,૫૩૯ કરોડ રૂપિયાનું) રોકાણ ભારતીય ઇક્વિટીમાં કર્યું છે. મોટા ભાગની ઇમર્જિંગ માર્કેટ્સમાં આ સૌથી ઊંચું રોકાણ છે. આ છ મહિનાના રોકાણને પરિણામે નિફ્ટી-૫૦માં ૧૩ ટકાની વૃદ્ધિ થઈ છે, જે મોટા ભાગના ઇન્ડાઇસિસમાં સર્વોચ્ચ છે.
તેજીની ગતિને બ્રેક લાગી શકે
હવે બજારની તેજીને વિવિધ જિયોપૉલિટિકલ સિચુએશનને પગલે બ્રેક લાગી શકે એમ છે. શૅરોના ભાવ વધુપડતા ઝડપી વધી ગયા છે અને હવે બજારને વધવા માટેનો ખાસ કોઈ અવકાશ નથી, એવી વાતો થઈ રહી છે. જોકે ફન્ડામેન્ટલ્સ અને સ્થાનિક આર્થિક નિર્દેશાંકો અલગ ચિત્ર રજૂ કરે છે. હકીકત એ છે કે શૅરોની તેજી નજીકના ભવિષ્યમાં અટકી જાય એમ જણાતું નથી. વિશ્વના રોકાણકારો કેટલું જોખમ ઉઠાવવા તૈયાર થાય છે એના પર ઘણો આધાર છે અને એફપીઆઇ (ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ) દ્વારા જે લેવાલી કરવામાં આવી છે એ જોતાં તો એમ લાગે છે કે તેમની જોખમ લેવાની શક્તિમાં વધારો થયો છે.
ગ્રોથ રેટ ધીમો રહે એ આવકાર્ય
ગ્લોબલ સંસ્થા ગોલ્ડમૅન સાક્સે પણ ભારત માટે ઊંચો આશાવાદ વ્યક્ત કરવા સાથે એનાં કારણો પણ આપ્યાં છે. કોવિડકાળમાં પણ ભારતે કરેલી પ્રગતિની એ સરાહના કરી રહ્યું છે અને ભારત દર વરસે ૫૦થી ૫૫ અબજનું સીધું વિદેશી રોકાણ પ્રાપ્ત કરી રહ્યું હોવાનું નોંધ્યું છે. ભારતનો જીડીપીનો વિકાસદર ધીમો અર્થાત ૬ ટકા આસપાસ રહેવાની આશા વ્યક્ત કરતાં ગ્લોબલ સંસ્થા ગોલ્ડમૅન સાક્સે કહ્યું છે કે આ દર દેશની વિશાળ ઇકૉનૉમીને ધ્યાનમાં રાખતાં વાજબી ગણાય, જેને લીધે ફુગાવો નિયંત્રણમાં રહેવા ઉપરાંત બજેટ અને કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ પણ ઓછી રહેશે. વધુમાં ૨૦૨૪ સુધીમાં રિઝર્વ બૅન્ક ફુગાવાના દરને ૪ ટકા સુધી લાવશે એવો લક્ષ્યાંક રખાયો છે. આ સંજોગોને ગ્લોબલ અર્થશાસ્ત્રીઓએ આવકાર્ય ગણાવ્યા છે.
ઇકૉનૉમીના ગ્રોથ સાથે બુલરન
એક રસપ્રદ અભ્યાસ મુજબ જેનું અર્થતંત્ર બે ટ્રિલ્યન ડૉલરથી પાંચ ટ્રિલ્યન ડૉલર તરફ જઈ રહ્યું હોય એવા રાષ્ટ્રની માર્કેટે ઉચ્ચત્તમ બુલ માર્કેટનો અનુભવ કરનાર ત્રણ દેશોમાં ભારતનો સમાવેશ થયો છે. ચીને બે ટ્રિલ્યન ડૉલરની ઇકૉનૉમીથી પાંચ ટ્રિલ્યન ડૉલરની ઇકૉનૉમી પર પહોંચતાં પાંચ વરસ (૨૦૦૪થી ૨૦૦૯) લીધાં હતાં, જ્યારે એનો હૅન્ગસેંગ ઇન્ડેક્સ ૮૫૦૦થી ચાર ગણો વધીને ૩૨,૦૦૦ પહોંચ્યો હતો. યુએસએને બે ટ્રિલ્યન ડૉલરની ઇકૉનૉમીથી પાંચ ટ્રિલ્યન ડૉલર ઇકૉનૉમી સુધી પહોંચતાં ૧૧ વરસ (૧૯૭૭થી ૧૯૮૮) લાગ્યાં હતાં, જ્યારે એનો ડો જોન્સ ૭૦૦ના લેવલથી ૧૫ ગણો વધીને ૧૨,૦૦૦ના લેવલે પહોંચ્યો હતો. જપાને બે ટ્રિલ્યન ડૉલરથી પાંચ ટ્રિલ્યન ડૉલરની ઇકૉનૉમી સુધી પહોંચતાં સાડાઆઠ વરસ લાગ્યાં હતાં. જૅપનીઝ સ્ટૉક માર્કેટ ૧૯૭૮થી ૧૯૯૧ દરમ્યાન ૨૦૦૦ના ઇન્ડેક્સથી ૩૭,૦૦૦ પહોંચ્યો હતો. અર્થાત દરેક બેસ્ટ બુલ માર્કેટની શરૂઆત જે-તે દેશના અર્થતંત્રના બે ટ્રિલ્યન ડૉલરથી પાંચ ટ્રિલ્યન ડૉલર સુધી પહોંચવાની યાત્રા દરમ્યાન થતી હોવાનું કહી શકાય. આવામાં ભારતે આ દિશામાં શરૂઆત કરી છે.
રિઝર્વ બૅન્કનાં નિવેદન-સંકેત શું કહે છે?
દરમ્યાન ગયા સપ્તાહમાં પ્રથમ દિવસે-સોમવારે બજાર વધઘટ સાથે એકંદરે ઠંડું બંધ રહ્યું. બજારે નવી ઊંચાઈ સર કરી હોવાથી પ્રૉફિટ-બુકિંગ પણ થયું હતું. અલબત્ત, બજારની નજર યુએસ અને રિઝર્વ બૅન્ક પર મંડાયેલી હતી. મંગળવારે પણ બજારે કરેક્શનનો દોર ચાલુ રાખી સેન્સેક્સ અને નિફ્ટીમાં સામાન્ય ઘટાડો દર્શાવ્યો હતો. બુધવારે ધારણા મુજબ રિઝર્વ બૅન્કે રેપો રેટમાં ૩૫ બેસિસ પૉઇન્ટનો વધારો જાહેર કર્યો હતો. રિઝર્વ બૅન્ક માને છે કે ઇન્ફ્લેશનના નિયંત્રણ સાથે ગ્રોથને પ્રાધાન્ય આપવું પણ જરૂરી છે. ફુગાવાના બૂરામાં બૂરા દિવસો પૂરા થઈ ગયા છે અને પ્રવાહિતા પર્યાપ્ત છે. ઇકૉનૉમી મજબૂત હોવાનો મત પણ તેણે વ્યક્ત કર્યો છે. ભારતીય ફાઇનૅન્શિયલ સિસ્ટમ સક્રિય અને સ્થિર છે. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ ભારત બહેતર સ્થિતિમાં છે. આ બધા વચ્ચે પણ ઇન્વેસ્ટમેન્ટ પ્રવૃત્તિ પણ જોરમાં છે. આ સંકેતો સારા કહી શકાય, એથી જ બજારે રિઝર્વ બૅન્કની નાણાનીતિને મોટો નેગેટિવ પ્રતિભાવ આપ્યો નથી. સેન્સેક્સ માત્ર ૨૧૫ પૉઇન્ટ અને નિફ્ટી ૮૨ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા હતા.
કરેક્શન જરૂરી હતું
ગુરુવારે ગુજરાતની ચૂંટણીનાં પરિણામ બીજેપી તરફી સંકેત આપતા અને રિઝર્વ બૅન્કની પૉલિસીની કન્ટિન્યુટીના સંકેતને કારણે શૅરબજાર રિકવર થયું હતું. સેન્સેક્સ ૧૫૦ અને નિફ્ટી ૫૦ પૉઇન્ટના સુધારા સાથે બંધ રહ્યા હતા. જોકે શુક્રવારે બજારે કરેક્શનનો મૂડ બનાવ્યો, કેમ કે ગુરુવાર સાંજ સુધીમાં ગુજરાતનાં ચૂંટણીનાં પરિણામમાં બીજેપીની ભવ્ય જીત જાહેર થઈ ગઈ અને આ ફૅક્ટર ડિસ્કાઉન્ટ થઈ ગયું. પ્રૉફિટ-બુકિંગ પણ ક્યારનું પાકી ગયું હોવાથી વેચવાલી હતી. ફૉરેન ઇન્વેસ્ટર્સ પણ છેલ્લા અમુક દિવસથી નેટ વેચવાલ બન્યા હતા, વૉલેટિલિટી પણ જોરમાં રહી હતી. સેન્સેક્સ ૬૦૦ પૉઇન્ટથી વધુ ઘટીને પાછો ફર્યો, જે છેલ્લે ૩૮૯ પૉઇન્ટ અને નિફ્ટી ૧૧૨ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા હતા. બજારને કરેક્શનની જરૂર હતી અને છે, જે માર્કેટ માટે તંદુરસ્ત નિશાની ગણાય, એનો લાભ લેવામાં શાણપણ.