07 April, 2023 03:11 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક
ગાંધીનગર ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કૅબિનેટ બેઠકમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી ખેતી અને બાગાયતી પાકમાં થયેલા નુકસાન વિશે ચર્ચા કરાઈ હતી. બેઠકમાં થયેલી ચર્ચાની વિગતો આપતાં પ્રવક્તા પ્રધાન ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ગયા માર્ચ દરમ્યાન થયેલા કમોસમી વરસાદને કારણે ૧૫ જિલ્લાના ૬૪ તાલુકાનાં ૨૭૮૫ ગામોમાં પાકમાં નુકસાન થયું હોવાના અહેવાલ મળ્યા હતા.
પાક નુકસાની અહેવાલના આધારે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ, અમરેલી, કચ્છ, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, તાપી, રાજકોટ, બનાસકાંઠા, સુરત, બોટાદ, જામનગર, ભાવનગર, અરવલ્લી અને ભરૂચ જિલ્લામાં મળી કુલ ૫૬૫ સર્વે ટીમો દ્વારા વિગતવાર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા આ ૧૫ જિલ્લાના કુલ ૧,૯૯,૯૫૧ હેક્ટર અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સર્વેની વિગતો અનુસાર ૪૨,૨૧૦ હેક્ટર જેટલો વિસ્તાર ૩૩ ટકા કે એથી વધુ નુકસાનગ્રસ્ત છે, જેમાં ૩૦,૯૮૫ હેક્ટર ખેતીપાકોનો વિસ્તાર અને બાગાયતી ફળપાકોનો નુકસાનગ્રસ્ત વિસ્તાર ૧૧,૩૧૫ હેક્ટર છે.