28 April, 2023 04:37 PM IST | Mumbai | Shardul Shah
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
જીએસટી કાઉન્સિલે ગઈ ૧૮ ફેબ્રુઆરીએ મળેલી બેઠકમાં લીધેલા નિર્ણયને પગલે ૩૧ માર્ચે નોટિફિકેશન્સ બહાર પાડ્યાં હતાં. એમાંનું એક નોટિફિકેશન જીએસટીઆર-૪ને લગતું હતું. જો કમ્પોઝિશન કરદાતા જુલાઈ ૨૦૧૭થી માર્ચ ૨૦૨૨ સુધીના સમયગાળાનું રિટર્ન ફૉર્મ જીએસટીઆર-૪માં ફાઇલ કરી શક્યા ન હોય અને જો હવે ૧ એપ્રિલ, ૨૦૨૩થી ૩૦ જૂન, ૨૦૨૩ સુધીના ગાળામાં રિટર્ન ભરી દેશે તો તેમને દરેક વર્ષ દીઠ ફક્ત ૫૦૦ રૂપિયાની લેટ ફી લાગુ થશે.
રજિસ્ટ્રેશનના કૅન્સલેશનનું રિવોકેશન : જે રજિસ્ટર્ડ પર્સનનું રજિસ્ટ્રેશન ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ કે એની પહેલાં કૅન્સલ થઈ ગયું હોય અને જેમણે કૅન્સલેશનના રિવોકેશન માટે નિર્ધારિત સમયગાળાની અંદર અરજી કરી ન હોય તેઓ હવે રિવોકેશન માટે નિર્ધારિત કાર્યપદ્ધતિ અપનાવી શકે છે. તેઓ રિવોકેશન માટે ૩૦ જૂન ૨૦૨૩ સુધીમાં અરજી કરી શકશે. કૅન્સલેશનના અમલની તારીખ સુધી જીએસટીની ચુકવણી કરવાની સાથે-સાથે રિટર્ન ભરવામાં આવ્યા બાદ જ રિવોકેશન માટેની અરજી કરી શકાશે. આવી અરજી કરવા માટેની મુદત હવે પછી એટલે કે ૩૦ જૂન પછી વધારીને નહીં અપાય.
આધાર ઑથેન્ટિકેશન : જીએસટી ધારાની કલમ ૨૫ની પેટા કલમ ૬ડી હેઠળ નોટિફાય કરવામાં આવેલી વ્યક્તિ સિવાયની વ્યક્તિ જો આધાર નંબરના ઑથેન્ટિફિકેશન માટે અરજી કરે તો ઑથેન્ટિફિકેશન કરવામાં આવશે. આધાર નંબરના ઑથેન્ટિફિકેશનની તારીખ અને અરજી કર્યાની તારીખથી ૧૫ દિવસ એ બન્નેમાંથી જે તારીખ વહેલી હશે એને અરજી સુપરત કર્યાની તારીખ ગણવામાં આવશે. જો એમ નહીં થાય તો આધાર કાર્ડનું બાયોમેટ્રિક ઑથેન્ટિફિકેશન કરવામાં આવશે અને અરજદાર એક વ્યક્તિ હશે તો તેમની તસવીર લેવામાં આવશે.
અસેસમેન્ટ ઑર્ડર : અસેસમેન્ટ ઑર્ડર પ્રાપ્ત થયાના દિવસથી ૩૦ દિવસની અંદર અથવા ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ અથવા એ પહેલાં જે રજિસ્ટર્ડ પર્સન વૈધ રિટર્ન ફાઇલ કરી શક્યા
નથી તેમણે એ રિટર્ન ૩૦ જૂન, ૨૦૨૩ના રોજ અથવા એની પહેલાં વ્યાજ અને લેટ ફી સાથે ભરવાનું રહેશે.
જીએસટીઆર-૯ સંબંધિત લેટ ફી : જીએસટીના કોઈ પણ કરદાતાએ જો નાણાકીય વર્ષ ૨૦૧૭-’૧૮, ૨૦૧૮-’૧૯, ૨૦૧૯-’૨૦, ૨૦૨૦-’૨૧ અથવા ૨૦૨૧-’૨૨ માટેનું જીએસટીઆર-૯માં ભરવાનું વાર્ષિક રિટર્ન અગાઉ ફાઇલ કર્યું ન હોય, પરંતુ એ રિટર્ન ૧ એપ્રિલ, ૨૦૨૩થી ૩૦ જૂન, ૨૦૨૩ સુધીના ગાળામાં ભર્યું હોય તો જીએસટી ઍક્ટની કલમ ૪૭ હેઠળ જણાવાયેલી લેટ ફીની કુલ રકમ ૨૦,૦૦૦ રૂપિયા કરતાં વધારે હશે તો વધારાની રકમ માફ કરવામાં આવશે. નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩ માટેની લેટ ફી આ પ્રમાણે રહેશે...
અ) જો ટર્નઓવર ૫ કરોડ રૂપિયા સુધીનું હશે તો રોજના હિસાબે લેટ ફી ૫૦ રૂપિયા (સીજીએસટીના ૨૫ અને એસજીએસટીના ૨૫ રૂપિયા) હશે. જોકે, આ ફી મહત્તમ ટર્નઓવરના ૦.૦૪ ટકા સુધીની જ રહેશે.
બ) જો ટર્નઓવર ૫ કરોડથી ૨૦ કરોડ રૂપિયા સુધીનું હશે તો રોજના હિસાબે લેટ ફી ૧૦૦ રૂપિયા (સીજીએસટીના ૫૦ અને એસજીએસટીના ૫૦) હશે. જોકે, આ ફી મહત્તમ ટર્નઓવરના ૦.૦૪ ટકા સુધીની જ રહેશે.
ક) જો ટર્નઓવર ૨૦ કરોડ રૂપિયા કરતાં વધારે હશે તો રોજના હિસાબે લેટ ફી ૨૦૦ રૂપિયા (સીજીએસટીના ૧૦૦ અને એસજીએસટીના ૧૦૦) હશે. જોકે, આ ફી મહત્તમ ટર્નઓવરના ૦.૦૫ ટકા સુધીની જ રહેશે.
વધારી દેવાયેલી આખરી તારીખ : સરકારે ખોટી રીતે પ્રાપ્ત કરાયેલી અથવા વાપરી દેવાયેલી આઇટીસી પર નહીં ચૂકવાયેલા અથવા ઓછા ચૂકવાયેલા કરવેરાની રિકવરી માટે જીએસટી ધારાની કલમ ૭૩ હેઠળ આદેશ ઇશ્યુ કરવા માટેની સમયમર્યાદા લંબાવી દીધી છે. નાણાકીય વર્ષ ૨૦૧૭-’૧૮ માટેની આ સમયમર્યાદા હવે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૩, નાણાકીય વર્ષ ૨૦૧૮-’૧૯ માટે ૩૧ માર્ચ, ૨૦૨૪ અને નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટેની આ સમયમર્યાદા ૩૦ જૂન, ૨૦૨૪ રહેશે.
સરકારે ઉક્ત એમ્નેસ્ટી સ્કીમ દ્વારા બિઝનેસોને ઘણી રાહત આપી છે. બિઝનેસો હવે વધુ દંડ ભર્યા વગર જૂના ફાઇલિંગ કરાવી શકશે.